laibreri – 2 - Free-verse | RekhtaGujarati

લાઇબ્રેરી – ૨

laibreri – 2

અજય સરવૈયા અજય સરવૈયા
લાઇબ્રેરી – ૨
અજય સરવૈયા

: મેજ પર પુસ્તક

જેમ ઢળતી બપોરે

કોરા ભૂરા સૂના આભમાં ઊંડે

સમડી સરતી હોય

જેમ કોરા કાગળ પર

પહેલું વાક્ય શ્વાસ લેતું હોય,

જેમ ગાઢ દૂધ જેવી ધોળી પીઠ પર

એક તલ ઝબકતું હોય

તેમ લાઇબ્રેરીની ઘેરી ચળકતી મેજ પર

એક પુસ્તક પડ્યું છે.

(ર૦૧૩)

: રેકમાં પુસ્તક

લોખંડના ઠંડા રેકની ઉપરની અભરાઈ પરથી

એક પુસ્તક ઉતારું છું.

હાર્ડ-બાઉન્ડ, કથ્થઈ, ઝીર્ણ

પાસેની બારીના ઉજાસમાં સહેજ તપાસું છું,

પાનાંની ઉપરની ધાર પર

દાયકાથી ધૂળ

બાઝેલી છે.

અંદર કાર્ડ પર કોઈની સહી નથી

પુસ્તક અહીં પડ્યું હશે

વર્ષોથી, વણસ્પર્શ્યું, એમ ને એમ

ખરીને પડી રહેલા બાળપણના કોઈ દુઃખની જેમ,

પહેલા પ્રેમની સ્મૃતિની જેમ,

ઉનાળામાં ઊપસી આવતા અવસાદની જેમ,

વીસરાઈ ગયેલા કોઈ સંજોગની જેમ

(ર૦૧૪)

: ફરી મેજ પર પુસ્તક

લાઇબ્રેરીના ઓરડામાં

પાછળની બારીમાંથી રેલાતો સાંજનો કૂણો અજવાસ છે,

મેજ પર દિવસોથી ઠરેલી ધૂળની ગંધ છે,

પુસ્તક પર વીતેલાં વર્ષોના સ્પર્શ છે.

આસપાસ પાનાંનાં પલટાવાનો રવ

પુસ્તક સામે હું

પુસ્તકમાં હું

પુસ્તકમાંથી હું...

(ર૦૧૪)

સ્રોત

  • પુસ્તક : આમ હોવું (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સર્જક : અજય સરવૈયા
  • પ્રકાશક : રંગદ્વારા પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 2018