awajne khodi shakato nathi - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અવાજને ખોદી શકાતો નથી.

awajne khodi shakato nathi

લાભશંકર ઠાકર લાભશંકર ઠાકર
અવાજને ખોદી શકાતો નથી.
લાભશંકર ઠાકર

અવાજને ખોદી શકાતો નથી!

ને ઊંચકી શકાતું નથી મૌન.

હે વિપ્લવખોર મિત્રો!

આપણી રઝળતી ખોપરીઓને

આપણે દાટી શકતા નથી.

અને આપણી ભૂખરી ચિંતાઓને

આપણે સાંધી શકતા નથી.

તો

સફેદ હંસ જેવાં આપણાં સપનાંઓને

તરતાં મૂકવા માટે

ક્યાં સુધી કાલાવાલા કરીશું

ઊષર ભૂમિની કાંટાળી વાડને?

આપણી આંખોની ઝાંખાશનો લાભ લઈ

વૃક્ષોએ ઊડવા માંડ્યું છે તે ખરું

પણ શું સાચું નથી

કે આંખો આપીને આપણને છેતરવામાં આવ્યા છે?

વાગીશ્વરીના નેત્રસરોવરમાંથી

ખોબોક પાણી પી

ફરી કામે વળગતા

થાકી ગયેલા મિત્રો!

સાચે

અવાજને ખોદી શકાતો નથી

ને ઊંચકી શકાતું નથી મૌન.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 318)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004