putrawdhune - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પુત્રવધૂને

putrawdhune

હરીશ મીનાશ્રુ હરીશ મીનાશ્રુ
પુત્રવધૂને
હરીશ મીનાશ્રુ

1

ભરતમુનિ

નોંધવાની વિસરી ગયા છે

તે સર્વ મુદ્રાઓ તારે હસ્તક :

જરા જેટલી નમેલી ગરદને ફૂદીનાની ડૂંખ ચૂંટતી આંગળીઓ

રત્નાકરની સ્મૃતિને સૂકવીને

લવણની અમરથી ચપટીમાં રૂપાંતર કરી મૂકતી

તર્જની અને અંગૂઠાની અટપટી જુગલબંદી

ખેલંદાની જેમ

રસોઈઘરમાં ઘૂમતા તારા રસિક હાથ

રાસનો ચોક અને રસોઈઘરનો ચોકો

હવે ઉભય તદાકાર

અઢી વાગ્યાની પેલી રસોઈ શૉની ઍન્કર

ક્યારની બબડ્યા કરે છે તારા કાનમાં

એક ચમચી અજમો,

આધા ચમ્મચ ધનિયા ને નમક સ્વાદ અનુસાર

(અક્ષર માત્રા ગણ યતિ ને યમક નાદ અનુસાર

મારા કાનમાં.)

મયુર પર સવાર થઈને આવેલી

રસોઈ શૉની ઍન્કર

નવી વાનગી ચાખે છે ને મારા અવાજમાં

ડિલિસિયસ ડિલિસિયસ એવું

સાચ્ચા દિલથી બોલે છે

હું સરિકજન છું : ભૂખ મારું ભૂખણ છે

(વાંકદેખા નવરસિયા કવિઓ મને ખટસવાદિયો કહે છે)

મને કહેવા દે તારા થકી

નવી વ્યંજના પ્રાપ્ત થઈ છે

મારા કુળની ક્ષુધાને

2

પૂર્વજો નવી ભાષામાં

તારી નાભિની ફરતે

લખાઈ રહી છે એક કવિતા :

તેં ઝબ્બે કર્યું છે અંતરીક્ષને

સૃષ્ટિના સકળ આકારો

લયાન્વિત સુખની સાક્ષી પૂરે છે

તારી કૂખમાં

મારી ઈતકોતેર પેઢીઓએ ગોખેલાં રંગસૂત્રોથી

તું સિદ્ધ કરવા મથે છે સ્વયંને, નવેસરથી

આરંભે જે અલ્પવિરામ

તારી આનંદગર્ભિત લિપિમાં

તે આખરે તાજી કૂંપળ જેવડું આશ્ચર્યવિરામ

છેવટે કનકની ભીંતની તરડમાં કલ્પવલ્લી ઊગી નીકળી છે

ઘરની દીવાલોને અબરખની પોપડીઓ બાઝી છે

વળગણીએ મેઘધનુષ સુકાય છે

પરોઢનાં બધાં પંખીઓએ

ગિરવે મૂક્યો છે કેદારો અમારા ઘરમાં, રાજીખુશીથી

પ્રત્યેક સ્વર હવે શ્રુતિરમ્ય

પ્રત્યેક રેખા હવે નયનાભિરામ

વ્યાકરણમાં બેસી ગઈ છે અગાધ ગંધ વિસ્મયની

જો કે કવિઓમાં હું નથી કોઈ ઉશના કવિ

હું તો કેવળ ગૃહસ્થ છું

જેને માથે રાતાં નળિયા ને ઊજળાં પળિયાં

જેને જડી આવ્યો છે એક સુખદ અંત્યાનુપ્રાસ :

ધન્ય ગ્રહસ્થી

ધન્ય નિવાસ

મને કહેવા દે : તારા થકી

નવી વ્યંજના પ્રાપ્ત થઈ છે

મારા કુળની તૃપ્તિને

સ્રોત

  • પુસ્તક : બનારસ ડાયરી (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સર્જક : હરીશ મીનાશ્રુ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન
  • વર્ષ : 2016