maro awaj tane - Free-verse | RekhtaGujarati

મારો અવાજ તને...

maro awaj tane

જગદીશ વ્યાસ જગદીશ વ્યાસ
મારો અવાજ તને...
જગદીશ વ્યાસ

મારો અવાજ તને સંભળાય છે જગદીશ?

તેં ભલે મને સાતમે પાતાળ દાટી દીધો.

પણ હું હજી જીવું છું.

અને જીવું છું ત્યાં સુધી બોલીશ.

ધગધગતી રેતના વરસાદમાં

તું ગુલાબનો છેડ રોપવા નીકળે

તો તને વારવોય પડે.

અને બળી ગયેલા છોડ પાસે બેઠો બેઠો તું

મહેક માણતો હોય, પ્રસન્ન વદને,

તો હસવુંય આવે.

એમાં આમ મને દાટી દેવાના ભલા?

પણ જોજે. એક દિવસ હું બહાર આવીશ.

અને તારા ચહેરા પરનો વરખ ઉખાડી નાખીશ.

એમ હું મરતો નથી.

તું મને સાંભળે તો છેને જગદીશ?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 1991 (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1992