ithaakaa - Free-verse | RekhtaGujarati

ઇથાકા પહોંચવા તમે પ્રયાણ કરો જ્યારે

ત્યારે શુભેચ્છા કે તમારો માર્ગ દીર્ઘ હો,

સાહસોથી ભર્યોભર્યો, અવનવી શોધખોળોથી સભર.

લાસ્ટ્રાગોનિઅનો, સાઇક્લોપ્સો,

ક્રોધે ભરાયેલા દેવ પોસાઇડન બધાથી બીતા નહીં :

એવી કોઈ ચીજો તમારા મારગે દેખા નહીં દે

જ્યાં સુધી તમે તમારા વિચારોને ઉચ્ચ રાખો ત્યાં સુધી,

જ્યાં સુધી એક વિરલ ઉત્તેજના

તમારા આત્માને અને તમારા દેહને ઝંકૃત કરતી હોય, ત્યાં સુધી.

લાસ્ટ્રાગોનિઅનો, સાઇક્લોપ્સો,

બેકાબૂ પોસાઇડન કોઈ તમારી સામા નહીં આવે

સિવાય કે તમે એમને તમારા આત્માની અંદર રાખી તમારી ભેગા

લઈ આવો,

સિવાય કે તમારો આત્મા એમને તમારી સામે ખડા કરી દે.

તમારો માર્ગ સુદીર્ઘ હોય આશા.

ઉષ્ણકાળની એવી અનેકો સવારો હો, જ્યારે

મોટી મોજથી, ઊંડા આનંદથી

તમે એવાં બંદરબારાંમાં પ્રવેશ કરો જેમને તમે પ્રથમપહેલી વાર

નિહાળતા હો.

ફિનિશિયનોનાં વ્યાપાર-મથકોએ તમે રોકાઈ શકો,

ઉમદા માલની ખરીદી કરવા સારુ.

મોતીરંગ છીપ અને પરવાળાં, અંબર અને અબનૂસ,

બહેકાવતાં અત્તર દરેક જાતનાં

જેટલાં મળે એટલાં અત્તરો બહેકાવતાં;

અને લો મુલાકાત તમે મિસ્રનાં મહાનગરોની

હાંસિલ કરવા કાજે ઇલ્મ, ઔર ઇલ્મ, ત્યાંના તાલીબે ઇલ્મ કનેથી.

તારા ચિત્તમાં જોકે નિત્ય સાચવી રાખજે ઇથાકાને.

ત્યાં પહોંચવું તો છે તારી નિયતિ.

પણ સહેજે ઉતાવળ કરતો પ્રવાસમાં.

બહેતર તો કે તારો પ્રવાસ વરસોનાં વરસ ચાલ્યા કરે,

ને તો થયો હોય વૃદ્ધ, દ્વીપ પર તું પહોંચે ત્યારે,

સમૃદ્ધ, માર્ગે માર્ગે તારી જે કાંઈ પ્રાપ્તિ થઈ હોય એથી,

ઇથાકા તને ધનવાન બનાવે એવી કોઈ અપેક્ષા વિના.

ઇથાકાએ તો તને અદ્ભુત પ્રવાસ આપ્યો.

એના વિના તેં ક્યાંથી કર્યું હોત પ્રસ્થાન?

એની પાસે બીજું કશું બચ્યું નથી તને આપવા સારુ, હવે.

અને જો તો દરિદ્ર છે, એવું તને જણાય, તો એમાં ઇથાકાનું કોઈ

છળ નથી.

અને કેમ કે તું ત્યારે સમજણભર્યો બન્યો હોઈશ, કેટકેટલા

અનુભવોથી સભર,

એટલે તું સારી પેઠે સમજી જઈશ ઇથાકાઓનો મૂળ અર્થ શો

થાય છે, એ વાત.

સ્રોત

  • પુસ્તક : संगच्छध्वम् (પૃષ્ઠ ક્રમાંક 240)
  • સંપાદક : સિતાંશુ યશશ્ચંદ્ર
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
  • વર્ષ : 2023