પુસ્તકો વાંચતા એક કારીગરને થયેલા સવાલો
pustako vaanchta ek kaarigarne thayelaa savaalo


થિબ્સના સાત મિનારાઓ કોણે બાંધ્યા?
પુસ્તકોમાં રાજાઓનાં નામ તો આપ્યાં છે.
વિશાળ ખડકાળ પથ્થરો એ રાજાઓ ઘસડીને લાવ્યા હતા?
અને બેબિલોન કાંઈ કેટલીય વાર નાશ પામ્યું,
દરેક વખતે કોણે ફરીથી બાંધ્યું?
ઝગારા મારતાં સોનેરી લીમાનાં ક્યાં ઘરોમાં એને બાંધનારાઓ રહે છે?
સંધ્યા ટાણે જ્યારે ચીનની દીવાલ બાંધવાનું પતે
ત્યારે કડિયાઓ ક્યાં જતાં?
મહાન રોમ તો વિજયી કમાનોથી ભરેલું છે. એ કોણે બાંધ્યા?
સિઝરે કોના પર જીત મેળવી?
જેની બહુ સ્તુતિ કરાઈ છે એવા બાયઝન્ટિયમમાં
ત્યાંના બધા રહેવાસીઓ મહેલોમાં જ રહેતા હતા?
પેલા પુરાણ-પ્રસિદ્ધ એવા એટ્લાન્ટિસ ખંડને જે રાતે દરિયો ગરક કરી ગયો
એ રાતે ત્યાંનાં ડૂબતાં લોકોએ પોતાના ગુલામો માટે કકળાટ કરી મૂક્યો હતો?
જુવાન એવા એલેક્ઝાન્ડરે જીત્યું હિન્દુસ્તાન શું એકલે એકલે પોતાની મેળે?
સિઝરે ગોલ્સને હરાવ્યા, ત્યારે એની જોડે એકાદો રસોઇયો તો હશેને?
સ્પેનનો સમ્રાટ ફિલિપ ચોધાર આંસુએ રડ્યો,
જ્યારે એનો વિશાળ દરિયાઈ કાફલો ખારાં પાણીમાં ડૂબ્યો;
પણ ત્યારે બીજા કોઈની આંખમાં આંસુ ન ઊભરાયાં?
ફ્રેડરિક બીજો સાત સાત યુદ્ધોમાં વિજેતા બન્યો
ત્યારે એની સાથે રણાંગણે બીજું કોણ જીત્યું?
પાને પાને છે જીત
જીતની મિજબાનીમાં રાંધ્યું કોણે?
દર દાયકે એક મહાનાયક
ખર્ચો ચૂકવ્યો કોણે?
કંઈ કેટલાય અહેવાલો
કંઈ કેટલાય સવાલો.
(અનુ. ઉત્કર્ષ મઝુમદાર)



સ્રોત
- પુસ્તક : संगच्छध्वम् (પૃષ્ઠ ક્રમાંક 44)
- સંપાદક : સિતાંશુ યશશ્ચંદ્ર
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
- વર્ષ : 2023