ek hadkun biijaa haadkaane - Free-verse | RekhtaGujarati

એક હાડકું બીજા હાડકાને

ek hadkun biijaa haadkaane

વાસ્કો પોપા વાસ્કો પોપા
એક હાડકું બીજા હાડકાને
વાસ્કો પોપા

૧. આરંભે

ભલું થયું કે

આપણે માંસના લોંદાથી અળગાં થયાં

હવે આપણે કરીશું આપણે ઇચ્છીએ તે

કંઈક બોલ

શું તને ગમશે કોઈ વીજલિસોટાની કરોડનું હાડકું થવું

કંઈક બીજું કહે

હું તને શું કહું

વાવાઝોડાના થાપાના હાડકાને

બીજું કંઈક કહે

મને બીજી કંઈ ખબર નથી

હે આકાશની પાંસળી

આપણે કોઈનાં હાડકાં નથી

કંઈક જુદું કહે

૨. આરંભ પછી

હવે આપણે શું કરીશું

હા હવે આપણે શું કરીશું

હવે વાળુમાં આપણે હાડકાનો માવો ખાઈશું

હાડકાનો માવો તો આપણે બપોરના ભાણામાં ખાઈ ગયાં

હવે મારી પાસે પોકળ કકળાટ છે

તો આપણે સંગીત રચીશું

સંગીત આપણને ગમે છે

કૂતરાં આવે ત્યારે આપણે શું કરીશું

એમને હાડકાં ભાવે છે

તો આપણે એમનાં ગળાંમાં ભરાઈ જઈશું

અને મજા કરીશું

૩. તડકામાં

આમ તડકામાં નાગાં-નાગાં નહાવું કેવું મજાનું છે

માંસ મને દીઠું ગમતું નહોતું

મનેય ચીંથરાં કંઈ ગમતાં નહીં

તું આમ નગ્ન છે બાબતે હું ઘેલું છું

તું સૂરજને તને પંપાળવા દે

માત્ર આપણે બે એકમેકને પ્રેમ કરીએ

માત્ર અહીં નહીં તડકામાં નહીં

અહીં તો બધું દેખાઈ જાય એવું છે હાડકા વહાલા

૪. ભોંય હેઠળ

અંધારાંના સ્નાયુઓ દેહના સ્નાયુઓ

છેવટે તો એક છે

તો હવે આપણે શું કરીશું

આપણે બધા સમયનાં બધાં હાડકાંને નોતરીશું

આપણે તડકામાં શેકાઈશું

પછી આપણે શું કરીશું

પછી આપણે ચોખ્ખાં થઈ જશું

મન ફાવે તેમ કરીશું

તે પછી આપણે શું કરીશું

કંઈ નહીં બસ આમથી તેમ રખડીશું

આપણે કાયમનાં હાડકાં થઈને રહીશું

પૃથ્વીને બગાસું આવે ત્યાં લગી થોડી રાહ જો

૫. ચાંદનીમાં

હવે શું છે

જાણે કે માંસ કોઈ બર્ફીલું માંસ

મને ચોંટી રહ્યું હોય

મને નથી ખબર શું છે

જાણે માવાથી હું લથબથ થયું હોઉં

કોઈ ટાઢો માવો

મનેય કંઈ ખબર નથી

જાણે બધું ફરી શરૂ થઈ રહ્યું છે

કોઈ વધુ ભયંકર શરૂઆત સાથે

શું તને ખ્યાલ છે

શું તું ભસી શકે છે

૬. અંત પહેલાં

હવે આપણે ક્યાં જઈશું

હવે આપણે ક્યાં જઈશું ક્યાંય નહીં

બે હાડકાં જઈ-જઈને ક્યાં જાય

ત્યાં આપણે કરીશુંય શું

ક્યારનીય આપણી રાહ જોઈ રહ્યાં છે

આતુરતાપૂર્વક આપણી રાહમાં છે

કોઈ નહીં અને કોઈ નહીં-ની પત્ની

હવે આપણે એમને શું કામનાં

હવે ઘરડાં છે હાડકાં વિનાનાં છે

આપણે એમની દીકરીઓ જેવાં થઈ જશું

૭. અંતે

હું એક હાડકું છું તું એક હાડકું છો

તું મને કેમ ગળી ગયું છે

હું હવે મને નથી દેખી શકતો

તને થયું છે શું

તો તું મને ગળી ગયું છે

હુંય હવે મને નથી જોઈ શકતું

હું હવે ક્યાં છું

કોઈનેય હવે કંઈ ખબર નથી

તો કોણ ક્યાં છે કે તો કોણ કોણ છે

બધું એક ગોબરા સપનાનો ઓછાયો

તું મને સાંભળી શકે છે?

હું તને અને મને બન્નેને સાંભળી શકું છું

આપણામાંથી કશું કાંટાળું ક્રોં ક્રોં કરે છે

(અનુ. કમલ વોરા)

સ્રોત

  • પુસ્તક : અનુજા (પૃષ્ઠ ક્રમાંક 109)
  • સંપાદક : કમલ વોરા
  • પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
  • વર્ષ : 2023