
છેલ્લી નદીમાં
પાણીને બદલે લોહી હતું.
એ ધખતા લાવાની જેમ ઊકળતું હતું.
છેલ્લાં ઘેટાં એમાંથી ઘૂંટડો પીતાંવેંત
બેં-બેં અવાજ નીકળે તે પહેલાં જ મરી ગયાં.
એને પાર કરવા ઊડ્યાં તે પંખીઓ
બેસુધ થઈને એમાં પડ્યાં.
ખોપડીઓએ આંસુ સાર્યાં અને
થંભી ગયેલી ઘડિયાળો
બારી બહાર ગબડવા માંડી.
એક માનું હાડપિંજર
છેલ્લી નદીમાં તરતું હતું.
એક છોકરો એને સામે પાર
તાણી જતો હતો.
એના હાથમાં
એની માની છેલ્લી ભેટ
એક જાદુઈ ઘંટડી હતી.
એના હાસ્યથી ગાજતું ઘર
એની સ્મૃતિ હતી.
'તું મારાથી ડરતો નથી?'
છેલ્લી નદીએ છોકરાને પૂછ્યું.
એણે કહ્યું, 'ના, મૃત નદીઓના આત્માઓ
મારું રક્ષણ કરે છે.
એમણે ગયા જન્મોમાં પણ
મારું ધ્યાન રાખ્યું હતું.'
'તારા બાપે એમને મારી નાખ્યા હતા.' નદીએ કહ્યું
'એમનું લોહી મારામાં વહી રહ્યું છે.
એમનો પ્રકોપ મને ઉકાળી રહ્યો છે.'
જવાબમાં છોકરાએ ઘંટડી વગાડી.
વરસાદ પડ્યો. પ્રેમે નદીને ટાઢી કરી.
એનું લોહી ભૂરું થયું.
માછલીઓ પરત ફરી;
કાંઠા પરનાં ઝાડને કળીઓ ફૂટી.
ઘડિયાળો પાછી ચાલવા માંડી.
આ રીતે મનુષ્યનો ઇતિહાસ આરંભાયો.
બાળકોનાં હાસ્યમાં
ઘંટડી હજુ રણકે છે.
(અનુ. કમલ વોરા)



સ્રોત
- પુસ્તક : અનુજા (પૃષ્ઠ ક્રમાંક 167)
- સંપાદક : કમલ વોરા
- પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
- વર્ષ : 2023