aam ne aam - Free-verse | RekhtaGujarati

આમ ને આમ

aam ne aam

શિવ પંડ્યા શિવ પંડ્યા
આમ ને આમ
શિવ પંડ્યા

આમ ને આમ

આંધળી ભીંતો ઉપર હાથ ફેરવતાં ફેરવતાં

હાથ લાગી ગયું એક અવડ બારણું.

આગળા ખોલ્યા ને કિચૂડકટ્ અવાજમાં

ધસી આવ્યો કુમળો કુમળો પ્રકાશ,

દોડી ગયો આળસુ અંધકાર,

ઝૂમી ઊઠ્યું લીમડાનું ઝાડ,

આનંદવિભોર સર્પ જેમ રસ્તાઓ સળવળ્યા

ને બુદ્ધિનું બધિરત્વ પીગળ્યું,

ચારેકોર કિલ્લોલતો અવાજ અવાજ,

અંદરનું અંધત્વ ઓગળ્યું,

ચારેકોર સુંગંધભર્યો અજવાસ અજવાસ.

હવે

બારણે બંધાયું છે સાત સૂરજનુ તોરણ,

આંગણે ચીતરાઈ છે ઇન્દ્રઘનુની રંગોળી.

તેજલ અશ્વ જેવો થનગનતો માંહ્યલો

કાનમાં કહે છે મને

બારણું હવે ભીડતો નહિ,

હોં કે!

સ્રોત

  • પુસ્તક : કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 62)
  • સર્જક : શિવ પંડ્યા
  • પ્રકાશક : નક્ષત્ર ટ્રસ્ટ પ્રકાશન
  • વર્ષ : 1979