ame altra pheshnebal loko - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અમે અલ્ટ્રા-ફૅશનેબલ લોકો

ame altra pheshnebal loko

નીરવ પટેલ નીરવ પટેલ
અમે અલ્ટ્રા-ફૅશનેબલ લોકો
નીરવ પટેલ

અમે ખૂબ વરણાગિયા જાતિના લોકો છીએ

અમારા વડવા તો

ત્રણ બાંયનું ખમીસ પહેરતા હતા.

એમના વડવાના વડવા તો

કફનને કામળીની જેમ અંગે વીંટાળતા હતા.

એમના વડવાના વડવાના વડવા તો

નરી ચામડીને ઓઢીને ફરતા હતા.

હું કાંઈ ઓછો વરણાગિયો નથી

સી. જી. રોડના શૉ રૂમ સામેની ફૂટપાથ વાળતો હતો

ને શેઠે આપ્યું

કાંઠલા વગરનું, બટન વગરનું, બાંય વગરનું એક બાંડિયું.

તે સલમાન ખાનની જેમ છાતી કાઢીને ફરું છું

ને સંજય દત્તની જેમ બાવડાં બતાવું છું સવર્ણાઓને.

જાતવાત જુવાનિયા તો

મારા લિબાસનું લેબલ જોવા અધીરા થઈ ઊઠે છે.

બિચ્ચારા...

મારી અસ્પૃશ્ય બોચીને અડક્યા વિના કેમ કરી ઓળખે

કે તો ઑડ-સાઈઝનું પીટર ઈંગ્લૅન્ડ છે!

અમે તો ખૂબ વરણાગિયા કોમ છીએ.

સ્રોત

  • પુસ્તક : બહિષ્કૃત ફૂલો (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સર્જક : નીરવ પટેલ
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2006