alwida dilhi - Free-verse | RekhtaGujarati

અલ્વિદા દિલ્હી

alwida dilhi

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
અલ્વિદા દિલ્હી
ઉમાશંકર જોશી

[એપ્રિલ ૧૯૭૬]

અલ્વિદા! દિલ્હીનાં ફૂલો અલ્વિદા!

શિયાળુ બપોરનો હૂંફાળો તડકો પીતાં

સારી દિલ્હીમાં અમે બસ અમે છીએ

ફૂલ્યાં માતાં,

વેશ, ખુશ્બૂ, લુચ્ચી ચુપકીદી,

-ક્યાંક રંગોની છોળ, રંગોનો શોર;

ગુલાબ લોને:

રાતાં, સુનેરી-તડકાથી છલોછલ,

સિંદૂરિયા, મિશ્રરંગી,...કહું?

મને ગમે છે ગુલાબી ગુલાબો.

સલામ સૌનેય તે હમેશાં થઈ ગઈ.

રસ્તાઓને ખેંચતાં, ચોમેર ફેકતાં મધ્યવર્તુળોમાં

ટોળે વળેલાં ઉત્-કંઠ ફૂલોને તરછોડી

દોડી જતાં શુંનું શું થયું?

નજરથી તમને પસવાર્યા વિના, કહો જો,

કદી આગળ વધ્યો છું હું?

દિલ્હીની વિલંબાતી વસન્તની

વિજય ફરફરતી પતાકા, ફૂલો, અલ્વિદા!

અલ્વિદા દિલ્હીનાં વૃક્ષો!

બારી પાસેના શુકવત્સલ બુલ્બુલી સિલ્વર ઓક,

અલ્વિદા!

રસ્તાની અદબ રાખી બે બાજુ તોતિંગ હારબંધ ઊભાં વૃક્ષો;

રહેવાતું નહીં, ઉપર બાહુઓ લંબાવી ભેટતાં;

રસ્તાને ભીંસતાં,

રસ્તાના રસ્તાપણાને પીસતાં,

એક હર્યાભર્યા પાંદડાંના મંડપથી મંદિર રચી દેતાં

એકાન્ત શાંતિનું મહાનગરમાં.

કોઈ રોકાય નહીં, ટોકતાં નથી.

કોઈક ચાલનાર નીકળે, ઊભાં ઊભાં જુએ છે

રાહ, શાની? ગમે તેમ, પણ...

માનવી નાનો, એને ઊંચાં ઊંચાં વૃક્ષ જોઈએ

ટેકા માટે, નહીં તો ગબડી પડે.

દિલ્હી, તારાં વૃક્ષો વિના

દિલ્હીમાં માનવી દેશને ખૂણે ખૂણેથી ખેંચાતાં માનવી

ગાંડાં થઈ ગયાં હોત.

મધ્યવર્તુળનાં છત્ર સમાં વૃક્ષો

રાજપથ-ફરતાં ઘટાઝૂમતાં વૃક્ષો

લાંબા લાંબા રાજમાર્ગો પર હરિયાળી હથેળી ફેલાવતાં

વૃક્ષો

ઊંચાં ઊંચાં એકલવાયાં નિજ-મગ્ન

વૃક્ષો દિલ્હીનાં, અલ્વિદા!

અલ્વિદા સંસદ!

સંસદગૃહ, તારા કૉરિન્થિયન સ્તંભો સમક્ષ

ગમે તેવો માનવ, મહામાનવ, દેવ માનવ

તેય માંડ માનવ જેવડો લાગે.

સમયની ગુહા સમા ગુંબજની નીચે, પરંતુ,

એના સ્વરમાં ક્યારેક ક્યારેક

વૈખરીનાં અવિશ્રાન્ત વારિવલોણાં વચ્ચે

માનવતા-ભીંજ્યો.

અમૃતરણકો જાગે.

અલ્વિદા કેન્દ્રીય ખંડ!

અજબ ભારતચૉરો...

દેકારા, હોકારા, પડકારા,

-તે વાતોના ગબારા,

ખુશખુશાલ અટ્ટહાસ,

ઉપહાસ,

ક્યારેક ઉગ્ર સ્ફોટ...

એક એક આદમી અનેક સમસ્યાઓનું પોટકું.

નાનાં નાનાં ઝૂમખાં, આકાર પામતા ઉકેલ

કે ઊંડી ઊતરતી વાસી વ્યથાઓ?

સાત પ્રવેશે, પાંચ જાય, ભરતીઓટ...ઓટભરતી...

ચરુ ઊકળ્યા કરે.

દીવાલો પર દિવંગત નેતાઓની માણસ-અદકેરી છબીઓ

છે-નથી સમી.

વીજળી પ્રકાશ ચોપડેલી ગાંધી બાપુની આંખો બધું જોયાં કરે.

મારા દેશનું ધન આ,

પ્રજાહિતનાં રખોપાં કરનારા,

ખૂણેખૂણાના જાણતલ.

માનવજાતિના સાતમા ભાગની ચિંતા

સૌને સોંપીને પ્રભુ જરીક આરામ કરે છે.

જોઈ રહું, મૌનપણે મોહું

ચૉરાની અડાબીડ ભીડ પર.

તું બોલ્યે જા, ચૉરા! ચૉરો બોલે, સમય બોલે.

એકાએક સોપો પડ્યો.

કોઈક ગણગણ્યું: હવે જબાન-બંધ જાણજો.

ફલાણા ભાઈ કરે આપણા પક્ષની વાત જો,

ભૂંડાએ વગોવ્યાં મોટાં ખોરડાં.

કોઈ આંખ ચોળે,

કોઈ આંખ ચોરે, - સલામ અધવચ પડી જાય.

મોં કહો કે તોબરા, અંદર શબ્દ ચાવ્યાં કરે.

પોલાં હાસ્ય, બોદી ચાલ,...

વડાઓની આસપાસ ઘૂમતો આછો માનવ-બણબણાટ.

દીવાલ પરની છબીઓ માત્ર બોલે,

બોલે મહાત્માનું મૌન.

શબ્દ, તું મને અહીં લઈ આવ્યો,

લઈ ચાલ ત્યાં.

જ્યાં તું કર્મ સાથે સરસાઈ કરે,

જ્યાં અર્ધેક ઇશારે દુનિયા વરતી જાય સત્તાનો ફરેબ,

જે આપતો આશા ને લઈ લે ભાષા.

અલ્વિદા, શાહજહાનાબાદ, આમપ્રજાની દિલ્હી!

જામા મસ્જિદના ઊડવા કરતા નમણા મિનારા,

લાલ કિલ્લાના સ્વપ્નિલ કોટકાંગરા,

રાજઘાટ શાંતિવન વિજયઘાટની ઊની ઊની સ્મૃતિરાખ

-તે તો હૈયે સદાયે-

નિર્જીવ મૃત્યુદમામ અલ્વિદા!

અલ્વિદા, પુરાણા કિલ્લા! એક અસ્ત પામેલી દિલ્હી.

કાંકરે કાંકરે, અધઊભી ભીંત-કરાડે, કરાળ બખોલે,

મૃત્યુનાં જડબાંની નિશાન, ભીષણ.

મહાનગરની વચ્ચે વચ્ચે અનેક

બાવળની કાંટ્યમાં સાંજુકી વેળા

જાગી ઊઠતી શિયાળવાંની લાળી,

જાણે મહાનગરની કરોડરજ્જુમાં કાળધ્રુજારી.

નવી, સાતમી દિલ્હી, ખબર છે તને તો-

ઇતિહાસ રાજધાનીઓની છેડતી કરે છે.

ખેડુની - શ્રમિકની વાંકી વળેલી પીઠ પર ઊભી છે

એને વધુ વાંકી વાળતી

દુનિયાની રાજધાનીઓ

રૂડી રૂડી વાતોને નામે.

સાતમી દિલ્હી, નીચે ઊતરી શકીશ,

જીવી જઈશ.

દિલ્હીપણાને કરી તારી - અને મારી પણ-

દિલી અલ્વિદા?

નવી દિલ્હી, રપ-૪-૧૯૭૬ (ધારાવસ્ત્ર)

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ ઉમાશંકર (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2005