deshawto - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વિશાલ મનોહર ટાપુ ઉપર દેશવટો પામેલા

કેટલાક કર્મણ્ય કેદીઓ દેખાયા.

ટાપુ ઉપરથી છુટકારો મેળવવો દુષ્કર હતો

ચારે કોર પથ્થરના પડછંદ ધોધ જેવી

ઊભેલી ઊંચી સ્નાયુ સ્નિગ્ધ કરાડો હતી,

જેના ચરણો પર આવી આવીને અફાટ મહાસાગરનાં

અથાહ મોજાંઓ અથડાતાં હતાં,

જળમાં હિંસક જળચરો હિલોળતાં હતાં.

ટાપુ ઉપર બધું રમ્ય હતું.

જોઈતી જમીન હતી, સુંદર ઘર હતાં,

મોહક વાટિકાઓ, વિવિધ વીથિકાઓ,

બાગબાનીનો સંપૂર્ણ અવકાશ હતો.

કર્મણ્ય કેદીઓ ખેતી કરતાં કરતાં

જલપાન માટે ઝાડની છાયામાં પાછા ફરતા

ત્યારે એમની નજર અનાયાસ ક્ષિતિજ ઉપર ચાલી જતી,

ઘરની બાંધણી માટે લાકડાં વહેરતાં વહેરતાં

ઊમટતા સ્વેદને લૂછવા અટકતા

ત્યારે એમની આળી નજર ક્ષિતિજ ઉપર ચાલી જતી,

બાગમાં ઝારીથી પાણી આપતાં આપતાં

બોગનવેલની પાંદડીઓ આંગળીએ નવાડતા

ત્યારે એમની નમણી નજર ક્ષિતિજ ઉપર ચાલી જતી.

અહીં કોઈ પહેરેદાર નહોતા.

કેદીઓ કોઈ સામાન્ય કેદીઓ હતા.

એમનો કોઈ ગુનો હતો, યા એમનો ગુનો એટલો હતો

કે એમણે સ્વેચ્છાએ દેશવટો સ્વીકાર્યો હતો

ને પછી તીવ્ર વિરહથી દેશની કામના કરી હતી.

પણ એમને ખબર નહોતી

કે કયા દેશમાંથી દેશવટો ભોગવી રહ્યા હતા.

કદી સમુદ્ર-ક્ષિતિજ પર જહાજ દેખાતું,

ત્યારે એની તરફ તાકી રહી કલ્પનામાંને કલ્પનામાં

કોઈ અનામી દેશે ખોવાઈ જતા.

જહાજ ક્ષિતિજ-પાર ફરીથી લોપ થઈ જતું.

સ્થળને કોઈ નામ નહોતું.

બંદરગાહ પર એક વિધિપૂર્વકનું પ્રવેશદ્વાર હતું,

તેના રંગીન સ્થંભ પર શુભ્ર આરસની જડેલી

એક તકતી હતી, ઉપર અગ્નિવર્ણી અક્ષરોમાં કોતરણી હતી:

“આ દેશવટો પામેલાઓનો દેશ છે.

અહીં લોકો દેશદેશથી આવશે,

પણ એમનો કોઈ દેશ હશે નહીં.

અહીં ગૃહવિરહની વ્યથા અનુભવતા વસાહતીઓ

ખરેખર તો દુનિયાના કોઈ પણ દેશમાં વલખશે,

પત્ર પૂરો કરી ઉપર જે દેશનું સરનામું લખશે

તે તો એમની અંદર ઊગી રહ્યો હશે.”

સ્રોત

  • પુસ્તક : આ કવિતા તેમને માટે અને અન્ય કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સર્જક : વિરાફ કાપડિયા
  • પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
  • વર્ષ : 1998