warsadi rate - Free-verse | RekhtaGujarati

વરસાદી રાતે

warsadi rate

રાવજી પટેલ રાવજી પટેલ
વરસાદી રાતે
રાવજી પટેલ

ઈશાની પવન મારા છાપરાના નળિયાને

ઊંચું-નીચું કર્યા કરે.

નળિયાંની નીચે મારી ઊઘ પણ પીંછા જેવી

આઘીપાછી થયા કરે.

નાનો ભાઈ બચ બચ ધાવે,

બચકારે બચકારે અંધકારનો મોલ હલે.

સ્હેજ વળી ફણગાની જેમ કૂણું કણસીને

બચ બચ પીધા કરે માયાળુ ખેતર.

મારી કીકીઓમાં કણસલાં હળુ હળુ હલ્યા કરે.

એની પર પંખીનાં પીછાં સ્હેજ ફરફરે.

આખો દહાડો ઢેફાઈ કુટાઈ

મા

પંજેઠીની જેમ લૂસ ખાટલામાં પડી રહી,

મારા બાવડામાં દિવસ, બળદ, હળ,

બારે મેઘ પોઢ્યાં

નળિયાની નીચે મારી ઊંઘ

પીંછાં જેવી આઘીપાછી થયા કરે....

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983