adwait - Free-verse | RekhtaGujarati

હવે

શ્વાસે શ્વાસે ફેફસાંમાં

અમેરિકા પણ

હવા થઈને ભરાય છે.આ લોહી

અસ્થિમાં

હવે અહીંની ઋતુઓના

આછી સુગંધના રંગબેરંગી ફૂલોનો

મલય

સતત વહ્યા કરે છે.પળે પળે પલકારતી

આંખોમાં

હવે અહીં બારે માસ વરસતા

વરસાદનાં પાણી ઘર કરી ગયાં છે.અહીંના

ધ્રુજાવી દેતા શિયાળાના

થીજી જતા સ્નોમાં

ઠંડી થઈ જતી મારી ગળાની અને ખભાની ત્વચા પર

હવે

અમેરિકા શાલ દુશાલા થઈને વીંટળાય છે.અને

વર્ષોના વસવાટ પછી

મુંબઈ એરપોર્ટ પર ઉતારું છું

ત્યારેય

ત્વચા થઈને ચોંટેલું હોય છે

અમેરિકા…

સ્રોત

  • પુસ્તક : નિસ્બત (પૃષ્ઠ ક્રમાંક 96)
  • સર્જક : પન્ના નાયક
  • પ્રકાશક : મિહિકા પબ્લિકેશન્સ
  • વર્ષ : 1984