મેં કવિતા લખવાની શરૂઆત કરી
men kavita lakhvani sharuaat kari
લાભશંકર ઠાકર
Labhshankar Thakar

કપાયેલી પાંખોવાળું કબૂતર
ક્યારનુંય
શેરીમાં ફફડ્યાં કરે છે.
વન્ધ્યાના ગર્ભાશયની
રિક્તતા
શેરીમાં થરક્યાં કરે છે.
શેરીના ખાબોચિયામાં
આજે ફરી
શતસહસ્ર જંતુઓ જન્મ પામ્યાં.
પાંડુ વર્ણનો એક વૃદ્ધ
પશ્ચિમ ભણી ડગ ભરતાં
શેરીની વિષમ ભૂમિમાં
ઠેસ ખાઈને પડી ગયો.
તેમ છતાં
એક પતંગિયું
મારી ખરબચડી કાળી દીવાલો પર
બેઠું ન બેઠું...
અને
મેં કવિતા લખવાની શરૂઆત કરી.



સ્રોત
- પુસ્તક : ખખડતી ખેંચે કવિતા કોણ? (પૃષ્ઠ ક્રમાંક 25)
- સંપાદક : ચંદ્રકાન્ત શેઠ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2005