abhan hot to sarun - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અભણ હોત તો સારું

abhan hot to sarun

નીરવ પટેલ નીરવ પટેલ
અભણ હોત તો સારું
નીરવ પટેલ

વિજ્ઞાન ભણતાં ભણતાં

ન્યૂટનનું સફરજન પડતું જોઈ

મને પહેલો વિચાર એને ખાવાનો આવ્યો હતો.

સમૂહજીવનનો પાઠ શીખવા જતાં

હરિજન આશ્રમ રોડ પરનાં કાચઘરો જોઈ

મને પહેલો વિચાર

એમની ઉપર પથરો નાખવાનો આવ્યો હતો.

રિસેસમાં લાગેલી તરસને દબાવતાં

પાદરે માંડેલી પરબની ગોળીને જોઈ

મને પહેલો વિચાર

કૂતરાની જેમ એક પગ ઊંચો કરી

એમાં મૂતરવાનો આવ્યો હતો

શિયાળ ફરતું ફરતું શેરમાં આવી ચઢ્યું

અકસ્માતે રંગરેજના કુંડામાં પડી ગયું

રંગીન થતાં રંગમાં આવી ગયું

જંગલમાં જઈ રાજા તરીકે રોફ કરવા લાગ્યું

પકડાઈ જતાં પાઠ શીખ્યું

– એવા મુદ્દા પરથી

એક કરતાં વધારે અર્થ નીકળે,

એવી વાર્તા લખવા કરતાં

મને છેલ્લો વિચાર અભણ રહેવાનો આવ્યો હતો.

ભણીને અપમાનની

સભાનતાને પામવી અને

નિષ્ક્રિયતાને પોષવી–એના કરતાં તો

અભણ રહીને અન્યાયીને માથે એડી તો મારત.

કે મહુડી ઢીંચીને અપમાન તો ગળી ગયો હોત!

સ્રોત

  • પુસ્તક : બહિષ્કૃત ફૂલો (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સર્જક : નીરવ પટેલ
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2006