asprishya - Free-verse | RekhtaGujarati

અસ્પૃશ્ય

asprishya

દલપત ચૌહાણ દલપત ચૌહાણ
અસ્પૃશ્ય
દલપત ચૌહાણ

શાળાનો પ્રથમ પ્રવેશ

હતો સાક્ષાત્ પ્રલયનો.

ધ્રૂજતા હાથે પાટીમાં એકડો નહીં,

બળબળતા સહરાની અંગારભૂમિ શી ધબકતી છાતીમાં

લખી મારી જાત.

ત્યારથી હું અછૂત છું... અસ્પૃશ્ય છું... અસ્પર્શ્ય છું.

પડઘાતું રહ્યું હયાતીના અણુએ અણુમાં

સહસ્ર વીંછી ડંખ વેદનાનો પરિચય–

હિમાળાની દુર્ગમ ઊંચાઈ શો ઓળંગ્યો તો વર્ગનો ઊંબર.

બધાથી દૂર એ... ખૂણાની ધારે,

શંકરની એકલતા શો મળ્યો આવાસ.

નેત્રમાં તો ત્રિપુરારિનું તાંડવ ત્યારે જન્મ્યું ’તું.

ને ઘુમરાતું રહ્યું ચોપાસ.

ફાટેલી થેલીમાં તૂટેલી પાટીનો મહા ખજાનો લઈ બેસતો...

હિબાકાતો સમય કોરુંકટ્ટ આભ.

દ્રોણને દ્વારે વેદના એકલવ્યની હતી.

ઝીલાતા પાઠે પગલાંને મળ્યા પ્રાસ.

પણ નથી ભૂલાતાં દૂરથી પડઘાતાં મારાં પગલાંના અવાજ.

ઊલી ગઈ ફીયા ભરેલ આંખ આંસુની હેલ.

મેલી ચડ્ડી ને તૂટેલાં બાંયવાળા ખમીસથી લીંટ લૂછવાની વેળા...

ખરી ગઈ છે.

બાળપણમાં દોરાયેલ ધિક્કારની લીટી ઘાટી થઈ છે.

સહસ્ત્રાર્જુન–શો બે હાથથી લઉં વિશ્વને બાથમાં.

પગલાંમાં માપી લઉં બલિના બોલ

આંખમાં આભનો ચકરાવો,

ઉન્નત મસ્તકમાં

આગ-તેજાબ-વાયોલન્સ-વિદ્વતા પણ.

રે ધિક્કારના દેવ

દિન શોધ્યા કરું

મારાં ક્યા અંગ-ઉપાંગ પર લખાઈ છે અસ્પૃશ્યતાની ઋચાઓ!

એટલે તો મને અસ્પૃશ્ય નામ આપનાર

પૂછૂં તને :

ક્યાં છે તે વખતે તેં આપેલ નામ?

જેણે મને આજીવન પીડ્યો છે.

સ્રોત

  • પુસ્તક : અક્ષરા (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સંપાદક : યોસેફ મૅકવાન
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયા
  • વર્ષ : 2007