maro hath - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારા હાથમાં મશાલ નથી,

પણ મારો હાથ ખુદ મશાલ છે.

જંગલો હાથમાં તીર-કામઠાં લઈને નગર તરફ

આવતાં જોઉં છું...

મારા આદિમ લોહીમાં ભડકા ઊઠે છે.

મકાઈનાં ખેતરોની ચંચળ સપાટી પર

સૂર્યના શતસહસ્ર હાથો લાલઘૂમ ઓકળીઓ આળખે છે.

પવન પડી જઈને પણ આછરે છે.

મારો હાથ ખભા સુધી સળગી રહ્યો છે.

કોઈના કાળા ભમ્મર કેશમાં ઝબોળીને

એને ઠારવાની ઈચ્છાનું ઝાકળ તડકો થઈ ગયું છે હવે.

ઝૂંપડપટ્ટીની પ્રસવપીડાઓ!

મારી આંખમાં થઈને વહો...

લંગોટી પહેરીને એક પગે ઊભેલા પહાડોને

પગ નહિ, પાંખો ફૂટી છે. પાણી જેવી પાંખો,

એને હવે ખળખળતા આવતા સાંભળું છું

નગરની વંધ્ય, ડઠ્ઠર જાંગમાં.

બહુમાળી બિલ્ડિંગોના

શેષનાગની ફેણપર ઊભેલા પોલાદી પાયા કંપી રહ્યા છે.

બંદૂકની નાળમાંથી નીકળતી શક્તિનાં સૂત્રો

પાષાણની દીવાલોને ખણભળાવી નાખે છે.

તેજાબની તરસનું રેગિસ્તાન

થીજી રહ્યું છે.

ઉન્મત્ત પવન મારા શ્વાસમાંથી પ્રગટીને

ઝંઝામાં ફેરવાઈ જતો વાતાવરણ જુએ છે.

બોલિવિયાનાં જંગલી વૃક્ષોનું એકેક પર્ણ થઈને

ચે-ગુવેરાની ડાયરીનાં

રાતા અક્ષરે લીંપેલા છૂટ્ટાં પાનાં

આમતેમ ઊડી રહ્યાં છે.

રાખોડી આકાશના એક ટુકડા પર

હો–ચી–મિન્હનો હાથ

લખ્યે જાય છે ક્રાંતિની કવિતાઓ.

એલેન્દેનું ખૂંખાર પ્રેત

ચિલીની સૂમસામ શેરીઓને

ફરીથી ઢંઢોળી રહ્યું છે.

હાથમાંની સ્ટેનગન મશાલ જેવા લબકારા લઈ રહી છે...

મારો હાથ સળગી રહ્યો છે.

ફેલાતો જાય છે અજવાસ

અજવાસને કેદ કરવાનાં અને અવાજ પર

પાબંદીઓ લાદવાનાં પરિણામ

તાનાશાહીની સંવર્ધિત આવૃત્તિઓએ

જોઈ લીધાં છે.

હવે કોઈ ફૂંક નહિ મારી શકે

મારા હાથને.

મારો હાથ ક્યારેય બૂઝાતી મશાલ છે.

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
  • પ્રકાશક : ગુજરાત લોકાયન
  • વર્ષ : 1981