harishchandr prakti uth - Free-verse | RekhtaGujarati

હરિશ્ચન્દ્ર...પ્રકટી ઊઠ...

harishchandr prakti uth

મોહંમદ ઇસ્હાક શેખ મોહંમદ ઇસ્હાક શેખ
હરિશ્ચન્દ્ર...પ્રકટી ઊઠ...
મોહંમદ ઇસ્હાક શેખ

હરિશ્ચન્દ્ર,

હવે અસત્ય પ્રતિષ્ઠ થયું છે

સત્યના માથે!

તું પુનર્જન્મ લે તો

લોકો,

તને ગળે ટૂંપો દેશે.

હવે તો સત્ય છુંદાવાનું

ને રૂંધાવાનું લખ્યું છે

અનેક ને માથે.

ટોળેબંધ શૃગાલોની જમાત વચ્ચે

ધડા વગરની વાત શોભે નહિ.

તારે આત્મહત્યા કરવી હોય તો

ભાગી છૂટ

મુલકમાંથી દૂર દૂર...

જ્યાં હોય સૂરજ

જ્યાં હોય ચાંદ

જ્યાં હોય રાજ

જ્યાં હોય તાજ

* * *

ઈશુને ગોળીએ વીંધું,

ગાંધીને ખીલે ઠોકું

–ના મંગલમંત્રથી પણ

તેઓ હવે

વ્રજ્ આવી ગયા છે.

* * *

હરિશ્ચન્દ્ર,

હવે તો નવા નવા તરીકા શોધાઈ ચૂક્યા છે :

સત્યને નામે ફેલાય એક અફવા

તેને ફેલાવે નપાવટ વખા

માનસિક ત્રાસ અપાય

ને આમ તારે પળેપળ મરવાનું

તું શહીદ–‘સાચનો શહીદ’ ના ગણાય

તારી શહીદીનો યશ મળે જૂઠી બબાલને

* * *

હરિશ્ચન્દ્ર,

તેઓ કહે છે : બધો કરમનો દોષ

તારામતીને વિષના ઘૂંટડા ગળે ઉતારવા પડે

પણ કરમનો દોષ

કરોડોની કતારો ભૂખે મરે,

પણ કરમનો દોષ

તે પછી લોકોએ કર્યા કિયા કરમ?

અમને નડિયાં કોનાં ધરમ-કરમ?

અધર્મીઓને ધરમ?

એમને નથી કશો ધરમ,

એમને નથી કશી શરમ,

શરમને વેચીને ઉપજાવે પૈસા

પૈસો એમનો ધરમ, પૈસો એમનો બાપ,

ક્યો દુર્વાસા એમને આપે શાપ?

* * *

સંતોએ સહેવાના વીંછીના ડંખ

વીંછી સંતોને ચટકા ભરે,

છતાં વીંછીને ડંખ ભરાય,

એના તો ડંખ સહેવાય!

–પણ જો તમે પથ્થર ઉગામો તો

કહેવાય છળ!

અને એમને ખન ખન ગોપાલનો

સહેજ અમથો રણકાર સાંભળવા મળે તો

કૂતરાની ખોપરીમાં માણસના રક્તનું

બૂંદે બૂંદ ચૂસી

એમનાં હાડકે હાડકાંને ચૂસી ખાવા

તૈયાર છે.

માટે કહુ છું હરિશ્ચન્દ્ર,

હવે આત્મઘાત કર્યે નહિ ચાલે,

ભાગવું નહિ પાલવે,

આત્મવિશ્વાસની ચિનગારી બની,

એમાં પ્રસ્વેદનાં સરોવર ઉમેરી,

ક્રાંતિની જવાળા બની,

પ્રકટી ઊઠ નર-સિંહની જેમ!

ગત-જન્મ પુનર્જન્મને છાપરે મૂકી

જન્મે જ...

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 90)
  • સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
  • પ્રકાશક : ગુજરાત લોકાયન
  • વર્ષ : 1981