Dagh - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાળા ન્હોર

અને

તીક્ષ્ણ ચાંચ વડે

મને ચૂંથે છે સભાનતા

કોઠે પડેલું

ઉપેક્ષાનું જળ

ગટ્ ગટ્

પેટમાં

ધુબાક્ દઈ એવું વાગે કે

મારી હયાતીનો જીર્ણશીર્ણ પડદો

હલી ઊઠે સળંગ.

હિલ્લોળાવા માંડે

અમાનવીય વ્યવહારના ભારે રોલર નીચે

ચગદાઈ ગયેલા

મારા દારુણ ઇતિહાસનો વિકૃત ચહેરો.

ચેતના પર અંકિત

ડાઘ

હું જેમ ભૂંસવા મથું

એમ એમ

મંજાઈને

વધુ ઝગારા મારી ઊઠે!

સ્રોત

  • પુસ્તક : તરજુમો (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સર્જક : મધુકાન્ત કલ્પિત
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2008