ame tame! - Free-verse | RekhtaGujarati

અમારી ત્વચા અને માંસમજ્જાથી

તસતસતા તમારા ચહેરા,

કેવા લોભામણા-છેતરામણા લાગે છે?!

હવે તો અમે છે માત્ર કંકાલો!

ક્યાં સુધી શોષ્યા કરશો અમારાં,

હવા વિહીન હાડકાંનાં અંધ પોલાણો?

સત્તાના ચબરખિયાં દુકૂલોથી ઢંકાયેલ,

તમારા પ્રત્યેક અંગમાંથી

ટપકી રહ્યું છે પરૂ...

તેની દુર્ગંધથી સડી ચૂકેલ અમારાં અસ્થિને,

આમ તો કબરની શી જરૂર છે?

કાન છે: ચીટકી રહ્યા છે માત્ર ‘કલે મોડેલ’ બની.

હાથ છે, ઉપડે પણ છે, મરશિયા ગાવા!

એમ તો પગ પણ છે.

રેશનિંગની અનંત કતારમાં,

આજીવન ઊભવા માટે!

હૃદયની કોઈ ખાતરી નથી.

સંવેદનાઓના શબને,

મરેલી ધોના ચામડામાં લપેટી,

અંદર કો’ક સ્થલે ઊંડેઊંડે દાટી...

એક વાત કરું?

આવા અમને ક્યાં સુધી જાળવ્યા કરશો?

જીવની જેમ?

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
  • પ્રકાશક : ગુજરાત લોકાયન
  • વર્ષ : 2010