kshmapna – - Free-verse | RekhtaGujarati

ક્ષમાપના –

kshmapna –

રમણીક અગ્રાવત રમણીક અગ્રાવત
ક્ષમાપના –
રમણીક અગ્રાવત

ક્ષમા કરજે પૃથ્વી

ડગલે પગલે પીડું તને

તારે ખોળે ઊંઘું, જાગું, હરુંફરું

કરું કોઈ પણ આચરણ

છેવટે તને, તને પીડું

માતા, ક્ષમા કરજે.

ક્ષમા કરજે આકાશ

હું લઘુ, મારી પહોંચ લઘુક

તાગી શકું તારી ઊંચાઈ

ડઘાયેલો તાકી રહું વત્સલ વૈરાટ્ય

મારી તૃચ્છતાના ડાધ સંતાપે તને

પિતા, ક્ષમા કરજે.

ક્ષમા કરજે વાયુ

પળેપળ ગ્રહું તારી તાજગી

નિઃશ્વાસે કરું પ્રતિપળ દૂષિત તને

છિદ્રેછિદ્ર કરે પ્રફુલ્લ તું

હરતાં ફરતાં બસ મલિન કરતો રહું

ત્રાતા, ક્ષમા કરજે

ક્ષમા કરજે અગ્નિ

તારી તાવણી કરે શુદ્ધ સઘળું, તું શુદ્ધિદાતા

દ્વેષાગ્નિ મારો બધું સંતાપતો

ઇર્ષાગ્નિ નિશદિન ધીકતો

ક્રોધાગ્નિ સ્વયં ઉત્પાત સઘળું પ્રજાળતો

ઉદ્ગાતા, ક્ષમા કરજે.

ક્ષમા કરજે જળ મને તું.

દૂભવ્યું ડગલેપગલે તને

કેવું સ્ફટિકશું તારું નિષ્કલંક ઝરણસ્વરૂપ

મારા એક એક સ્પર્શે રહે ખરડાતું

કેવી અવદશા તારી કરી

વિધાતા, ક્ષમા કરજે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2009 (પૃષ્ઠ ક્રમાંક 62)
  • સંપાદક : રાજેશ પંડ્યા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2012