aa shaher - Free-verse | RekhtaGujarati

આકાશને

ટચલી આંગળીએ

ઊંચકી ઊંચકી

થાકી ગયેલું શહેર

રાત્રે પણ સૂઈ શકતું નથી,

તરફડે છે

કોઈક પશુની આંખની જેમ.

શહેરને મન

નથી રહ્યો ભેદ

સવાર કે સાંજનો.

મશીનમાં બનેલાં એકસરખાં

ખોખાંની પેઠે

ખડકાયે જાય છે સવાર સાંજના આકારો.

ગલીઓમાં ઘૂમ્યા કરે છે

ચિંતાના કૃત્રિમ ઉપગ્રહોના પડછાયા

અને દોડ્યા કરે છે

આકારહીન અવાજો

પાગલખાનામાંથી છૂટેલા શબ્દની જેમ

અથડાયા કરે છે તમને અને

પોલી કરી નાખે છે

તમારી ચામડીને

હાશ,

ત્યાં અયાનક

મિત્રના પરિચિત અવાજ

ટપકી પડે છે

દરિયા વચ્ચેના ટાપુની જેમ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 1991 (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1992