gharnari aag - Free-verse | RekhtaGujarati

ઘરનારી આગ

gharnari aag

દિલીપ ઝવેરી દિલીપ ઝવેરી
ઘરનારી આગ
દિલીપ ઝવેરી

હું કંઈક જુનવાણી વિચારનો છું

આગની જગા ચૂલામાં હોવી જોઈએ

ગોખલે મૂકેલા કોડિયામાં હોય

કે ફાનસમાં

હા, પુરાતન શૈશવકાળે વનેવન વણઢાંકી ભલે ફરતી હશે

કે ઘાસનાં મેદાનોમાં રોમાંચિત કૈશોર્યની અરૂપ અબોલ

મૂંઝવણોથી આળોટી હશે

કે સાક્ષાત્ પરાકાષ્ઠાએ પહોંચેલા

ઉત્તુંગ પર્વતશિખરથી ધસમસતા

લાવાને વળગીને

મુક્તછંદ રતિલયમાં નાચી ઊઠી હશે.

પણ હવે જ્યારે

લાવાનાં કટાયલાં પતરાં બન્યાં છે

ને વનોનાં સડેલાં વળિયાં

ને ઘાસનાં દળદરી છાપરાં

હેઠળ

આખા દાડામાં

માંડ એક ટંક

ભોંયે ભેગાં બેસી

એક ગોબાળા ઠામડે

બે પાંચ કોળિયા ઠાલવી

રૂખા વાળ સૂકી આંખો ભીના વાંસા ગંધાતી બગલો

ને ચીમળાયેલા પેટમાં

રોજ રોજ મ્હોરી ઊઠતી

આગની પિતરાઈ

ભૂખના અધૂરા ઓરતા ભરવાના હોય

ટાણે

લાજ શરમ છાંડી

લૂગડાં ઉતારી

સરેઆમ રસ્તે દોડતી

શેરીએ શેરીએ આથડતી

ગોકીરા કરતી

આગ

છિનાળને બાવડેથી તાણી જટિયાં ઝાલી ધૂળથી ઢાંકી

ભાંભરતીને બાંધી દો. મસાણમાં

ખાંડી લાકડાં ખડકી

સાવ એકલી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતા ચયન 1993 (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1995