Read Online Gujarati Vidhyavaridhi Bharavi eBooks | RekhtaGujarati

વિદ્યાવારિધિ ભારવિ

  • favroite
  • share

પુસ્તક વિશે માહિતી

પ્રભુલાલ દ્વિવેદી લેખક પરિચય

તેમનો જન્મ 15 નવેમ્બર, 1892ના રોજ રાજકોટ જિલ્લાના વીરપુર મુકામે પિતા દયારામ અને માતા ફૂલબાઈને ત્યાં થયો. જેતપુરમાં ચાર ચોપડી ભણ્યા. સત્તરમે વર્ષે તેઓ કરાચી ગયા. ડૉક વર્કશૉપમાં ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. 31 જાન્યુઆરી 1962ના રોજ મુંબઈમાં અંતિમ શ્વાસ લીધો.

જૂની રંગભૂમિના બેતાજ બાદશાહ અને વ્યવસાયી રંગભૂમિના ઉત્તરરંગના પ્રતિભાસંપન્ન નાટ્યકાર હોઈ ગુજરાતના ‘નાટ્યમહર્ષિ’ ગણાતા પ્રભુલાલ દ્વિવેદી એમના સમકાલીન અને અનુગામી નાટ્યકારોમાં ગુરુપદ પામ્યા છે. તેમણે ‘ગાડાનો બેલ’, ‘શંભુમેળો’, ‘સંપત્તિ માટે’, ‘વડીલોને વાંકે’, ‘સંતાનોને વાંકે’, ‘સજ્જન કોણ’, ‘એક અબળા’, ‘માયાના રંગ’, ‘સત્તાનો મદ’, ‘યુગપ્રભાવ’, ‘ઉઘાડી આંખે’, ‘સમય સાથે’, ‘સામે પાર’, ‘સોનાનો સૂરજ’, ‘સંસારસાગર’, ‘વૈભવનો મોહ’, ‘દેશદીપક’ નામક સામાજિક; ‘અક્ષયરાજ’, ‘સાગરપતિ’, ‘સાંભરરાજ’, ‘સમુદ્રગુપ્ત’, ‘કુમારપાળ’, ‘માલવપતિ મુંજ’, ‘પૃથ્વીરાજ ચૌહાણ’, ‘સિરાજુદૌલા’, ‘કાલિવાહન’, ‘સમર કેસરી’ નામે ઐતિહાસિક અને ‘સતી વત્સલા’, ‘અહલ્યાબાઈ’, ‘શંકરાચાર્ય’, ‘અરુણોદય’, ‘સત્યપ્રકાશ’, ‘શાલિવાહન’, ‘દેવી સંકેત’ (મૂળ ‘વૈરાટી’નું હોથલ પદમણી), ‘સાવિત્રી’, ‘શ્રવણકુમાર’, ‘વિદ્યાવારિધિ ભારવિ’ આદિ પૌરાણિક નાટક આપ્યાં છે. ‘મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા’, ‘હૃદયના શુદ્ધ પ્રેમીને’, ‘ધનવાન જીવન માણે છે’, ‘નાગરવેલીઓ રોપાવ’, ‘ઝટ જાઓ ચંદનહાર લાવો’, ‘એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી’ જેવાં ગીતો તે સમયે લોકજીભે રમતાં તેમ આજે પણ પ્રચલિત છે.

પ્રભુલાલ દ્વિવેદીએ 60 જેટલાં નાટકો, 22 ફિલ્મોની પટકથાઓ અને 1,500 જેટલાં ગીતો લખ્યાં. આ પ્રદાનને બિરદાવતાં 1961માં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના હસ્તે તેમને ભારતના શ્રેષ્ઠ નાટ્યકારનો ઍવૉર્ડ મળ્યો હતો.