Read Online Gujarati Stree jatina kartavya eBooks | RekhtaGujarati

પુસ્તક વિશે માહિતી

હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા લેખક પરિચય

તેમનો જન્મ 16 જુલાઈ, 1844ના રોજ ખેડા જિલ્લાના ઉમરેઠમાં થયો હતો. તેમણે શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી, ત્યાર બાદ અનુક્રમે કલેક્ટર કચેરીમાં કારકુન, સહાયક નાયબ શૈક્ષણિક નિરીક્ષક, રાજકોટની શિક્ષક તાલીમ કૉલેજના આચાર્ય, 1905માં લુણાવાડા રજવાડાના દિવાન (પ્રધાન), 1912માં, કાપડ મિલના આરંભક, 1919ની ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રમુખપદ ચૂંટણીમાં મહાત્મા ગાંધીને પરાજિત કરી પરિષદના છઠ્ઠા અધિવેશનના અધ્યક્ષ - એમ બહુવિધ કામ કર્યાં. તા.31 માર્ચ, 1930ના રોજ 86 વર્ષની વયે તેમણે પૃથ્વી પરથી ચિરવિદાય લીધી.

તેમની પાસેથી ‘અંધેરી નગરીનો ગાંર્ધવસેન’ (1881) અને ‘બે બહેનો અથવા એક ઘરસંસારી વાર્તા’ (1898) નામક બે નવલકથાઓ, અંગ્રેજી લેખકોએ લખેલા ઇતિહાસને સ્રોત તરીકે રાખી, પાણીપતના યુદ્ધના મેદાન પર લડાયેલી છ લડાઈઓનો અહેવાલ આપતી અને અંધશ્રદ્ધા અને સુધારણા વચ્ચેની સાતમી લડાઈની આગાહી કરતી ‘પાણીપત’ અથવા ‘કુરુક્ષેત્ર’ (1867) અને વિવિધ ધર્મો, નાતભાતના રિવાજો, કજોડાં, બાળલગ્નો વગેરે ધાર્મિક માન્યતા, વિધિઓ, ન્યાયતંત્ર પર કટાક્ષાત્મક વિવેચના કરતી ‘વિશ્વની વિચિત્રતા’ (1913) -.કાવ્યાત્મક કૃતિઓ તેમજ સામાજિક સમસ્યાઓ - સુધારાઓ, નૈતિક મુદ્દાઓ, દુન્યવી ફરજો અને સ્વદેશી હસ્તકલાના પ્રચાર વિશેના લખાણો મળે છે. એમની ખરી સેવા ગદ્યમાં છે. ‘પ્રાચીન કાવ્યમાળા’ના સંપાદક-સંશોધક, કેળવણીકાર અને સાહિત્યકાર તરીકે નોંધનીય ભૂમિકા અદા કરી છે.

હરગોવિંદદાસ કાંટાવાળા વિશેષત: તેમના સંશોધન અને મધ્યયુગીન ગુજરાતી સાહિત્ય પરના સંપાદન કાર્યો માટે જાણીતા છે. 1849 અને 1894ની વચ્ચેના ચાર દાયકાના ગાળામાં નાથાશંકર શાસ્ત્રી અને છોટાલાલ નરભેરામ ભટ્ટ સાથે મળીને મધ્યયુગીન ગુજરાતી કવિઓની કવિતાઓ સંગ્રહિત અને સંપાદિત કરીને 75 સંગ્રહોમાં તેને પ્રકાશિત કરી છે. ‘દેશી કારીગરીને ઉત્તેજન’ જેવો અર્થશાસ્ત્રીય નિબંધ તથા ‘કેળવણીનું શાસ્ત્ર અને કળા’, ‘સંસાર-સુધારો’, ‘લઘુ વ્યાકરણ’, ‘મોટું વ્યાકરણ’, ‘ભૂતળવિદ્યા’ ‘વાચનમાળા’ વગેરે શૈક્ષણિક સાહિત્ય પણ આપ્યું છે.

તેમના સાહિત્યિક પ્રદાનને બિરદાવતા વડોદરા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા સાહિત્યમાર્તંડ પારિતોષિક તેમજ અન્ય ક્ષેત્રકાર્યને બિરદાવતો 1903માં સરકાર દ્વારા રાવ બહાદુરનો ખિતાબ મળ્યો હતો.