રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપુસ્તક વિશે માહિતી
- લેખક: મણિલાલ નભુભાઈ દ્વિવેદી
- આવૃત્તિ:002
- આવૃત્તિ વર્ષ:1908
- વિભાગ: પ્રકીર્ણ
- પેટા વિભાગ: તત્ત્વજ્ઞાન
- પૃષ્ઠ:475
- પ્રકાશક: માધવલાલ નભુભાઈ દ્વિવેદી
- સહયોગી: ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
મણિલાલ નભુભાઈ દ્વિવેદી લેખક પરિચય
તેમનો જન્મ 26 સપ્ટેમ્બર, 1858ના રોજ નડિયાદ ખાતે પિતા નભુભાઈ અને માતા નિરધારબેનને ત્યાં થયો. પ્રાથમિક શિક્ષણ દયાશંકર પંડ્યાની ગામઠી નિશાળમાં, 1875માં મેટ્રિક્યુલેશનની પરીક્ષામાં બેઠા, પણ પાછળથી દેશ-વિદેશમાં સંસ્કૃતના પંડિત તરીકે નામના મેળવનાર મણિલાલ સંસ્કૃતના જ વિષયમાં નાપાસ થતાં મેટ્રિક્યુલેશન પરીક્ષામાં નિષ્ફળ ગયા. પછીને વર્ષે જાતમહેનતથી અભ્યાસ કરીને 1876ની મેટ્રિકની પરીક્ષામાં આખી યુનિવર્સિટીમાં બીજે નંબરે પાસ થયા. તે જ વર્ષે શરૂ થયેલી, યુનિવર્સિટીની માસિક રૂપિયા વીસની કહાનદાસ મંછારામ શિષ્યવૃત્તિ તેમ જ બીજી પણ છાત્રવૃત્તિઓ મળી, તેથી કૉલેજમાં જવા માટે પિતાની અનુમતિ મળતાં 1877ની શરૂઆતમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા. 1879માં બી.એ.ની આખી પરીક્ષામાં બીજે નંબરે પાસ થયા અને ઇતિહાસ-રાજનીતિશાસ્ત્રમાં જેમ્સ ટેલર પારિતોષિક મેળવ્યું. કૉલેજમાં ફેલો તરીકે નિમાયા. પિતાના તકાદાને કારણે આગળ એમ.એ.નો અભ્યાસ થઈ શક્યો નહિ; પરંતુ અભ્યાસતૃષા એટલી તીવ્ર હતી કે એમ.એ.ની પરીક્ષામાં અઘરા ગણાતા ઇતિહાસ અને ફિલસૂફીના વિષયોનું સઘન જ્ઞાન મેળવવા માટે અધ્યાપકો પાસેથી અભ્યાસપાત્ર ગ્રંથોની યાદી મેળવીને શ્રમ લઈને તે વિષયોનું ઊંડું પરિશીલન કર્યું. સાથે સાથે સંસ્કૃત નાટકો અને ધર્મશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલતો હતો. 1880માં નડિયાદ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે, 1881ના એપ્રિલમાં તે મુંબઈની સરકારી કન્યાશાળાઓના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર તરીકે, 1885માં ભાવનગર ખાતે નવી સ્થપાયેલી શામળદાસ કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે રહ્યા. ઉપદંશના વ્યાધિને લીધે નાકમાં વ્રણ પડવાથી અને તાળવું તૂટી જવાને કારણે બોલવામાં મુશ્કેલી ઊભી થતાં કૉલેજમાંથી નિવૃત્ત થઈને કાયમને માટે નડિયાદ આવીને લેખનપ્રવૃત્તિ ચલાવી. તે દરમિયાન સંસ્કૃત અને ગુજરાતી પુસ્તકો તૈયાર કરવાની કામગીરી ચાલુ હતી. 1893ના ફેબ્રુઆરીમાં તેમણે વડોદરા રાજ્ય તરફથી પાટણના ગ્રંથભંડારોની તપાસ કરીને 2,619 હસ્તલિખિત પુસ્તકોની વર્ગીકૃત સૂચિ સહિત વિસ્તૃત સંશોધનાત્મક અહેવાલ વડોદરા રાજ્ય તરફથી ‘પ્રસિદ્ધ જૈન પુસ્તક મંદિરસ્થ હસ્તલિખિત ગ્રંથાનામ્ ક્રમપ્રદર્શક પત્રમ્’ (1896) એવા લાંબા શીર્ષકથી પ્રસિદ્ધ થયેલો. પ્રાચ્યવિદ્યામંદિર અને ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝ નામની ગ્રંથમાળાની સ્થાપના થયેલી. આ સંસ્થા માટે એમણે 17 હસ્તલિખિત સંસ્કૃતગ્રંથોનું ભાષાંતર સહિત સંપાદન કરેલું. પછી તે જ વર્ષના ડિસેમ્બરમાં તેમની નિમણૂક વડોદરા રાજ્ય તરફથી સંસ્કૃત ભાષાંતર શોધ ખાતાના નિયામક તરીકે થઈ. આ સંસ્થા પાછળથી ‘ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ’ તરીકે વિકસી. ત્યાં ખટપટો અને વિવાદો વચ્ચે રહીને વિવિધ સંસ્કૃત ગ્રંથોનાં ભાષાંતર–સંપાદનનું કામ કર્યું. 1895માં ભાષાંતર ખાતું બંધ થતાં નડિયાદ આવ્યા. ત્યાં રહીને છેલ્લા શ્વાસ સુધી પોતે સ્વીકારેલા જીવનકાર્યને અનુરૂપ અક્ષરપ્રવૃત્તિ ચલાવી હતી. 1 ઑક્ટોબર 1898ના રોજ નડિયાદમાં તેમનું અવસાન થયું.
અદ્વૈતસિદ્ધાંતને આધારે મનુષ્યજીવનનાં હેતુ અને કર્તવ્યની સાદી પણ શાસ્ત્રીય સમજ આપતા ‘સુદર્શન’ અને ‘પ્રિયંવદા’માંના લેખો, સુધારાની સામે આર્યધર્મ ને ફિલસૂફીનો સબળ પક્ષવાદ કરતા એ જ પત્રોમાંના લેખો, તથા 'સિદ્ધાંતસાર', વેદ, ઉપનિષદો તથા પુરાણોનો રહસ્યસ્ફોટ કરીને પ્રાચીન ભારતીય સંસ્કૃતિની સર્વોપરી શ્રેષ્ઠતા સિદ્ધ કરવા મથતાં એમનાં અંગ્રેજી લખાણો—ત્રણે વિષયો પરના ગુજરાતી નિબંધોનો ‘ગુજરાતી સાહિત્યનો સર્વોત્તમ નિબંધભંડાર’ ગણાતો બૃહત્ સંગ્રહ ‘સુદર્શન ગદ્યાવલિ’ (1919), તો કાવ્ય સાહિત્યમાં ‘શિક્ષાશતક’ (1876)નો નાનકડો સંગ્રહ, ભજનો, ગીતો, ગઝલો, અને વૃત્તબદ્ધ રચનાઓનો સંગ્રહ ‘આત્મનિમજ્જન’ (1895) તથા રમણભાઈએ જેને છેક 1909 સુધીના ગુજરાતી નાટ્યસાહિત્યમાં ‘એક જ આશ્વાસનસ્થાન’ તરીકે બિરદાવ્યું તે ‘કાન્તા’ નાટક અને ‘નૃસિંહાવતાર’માં મૂકેલાં કાવ્યો જેમાં તેમની સમગ્ર કાવ્યસૃષ્ટિ આવી જાય. ‘તૂટેલી દોસ્તી’ નામક પારસીશાઈ શૈલીનાં કાવ્યનાં તેમણે શિષ્ટ રૂપાંતર કર્યાં. એમણે ભવભૂતિનાં નાટકો ‘માલતીમાધવ’ (1880) અને ‘ઉત્તરરામચરિત’ (1882), ‘શ્રીમદ્ભગવદ્ગીતા' (1884, ભાષ્યસહિત ગુજરાતી અનુવાદ), નિશ્ચલદાસરચિત હિન્દી ગ્રંથ ‘વૃત્તિપ્રભાકર’ (1905)નો ગુજરાતી અનુવાદ ઉપરાંત ‘રામગીતા’, ‘હનુમન્ નાટક’, ‘ચતુ:સૂત્રી’, ‘મહાવીરચરિત’, ‘સમરાદિત્યચરિત’ના ગુજરાતી અનુવાદ કરેલા છે. ‘તર્કકૌમુદી’, ‘યોગસૂત્ર’, ‘જીવન્મુક્તિ વિવેક’, ‘સમાધિશતક’, અને ‘માંડુક્યોપનિષદ’નાં એમણે તૈયાર કરેલાં અંગ્રેજી ભાષાંતર–સંપાદન પ્રસિદ્ધ થયાં છે. બૉમ્બે સંસ્કૃત સીરીઝ માટે એમણે કરેલું ‘સ્યાદ્વાદ મંજરી’નું અંગ્રેજી ભાષાંતર–સંપાદન અધૂરું રહેલું, જે પાછળથી આનંદશંકર ધ્રુવે પૂરું કરેલું, તે 1933માં પ્રસિદ્ધ થયું. તેમણે લૉર્ડ લિટનની ‘ઝેનોની’ નામની અધ્યાત્મરસિક અને રહસ્યપ્રધાન નવલકથાનું ગુજરાતીમાં ભાષાંતર ‘ગુલાબસિંહ’ (1897) નામે કરેલું છે. 1882માં પ્રગટ થયેલું ‘કાન્તા’ નાટક મણિલાલની પહેલી સાહિત્યકૃતિ છે. ‘આત્મવૃત્તાન્ત’ એ મણિલાલનું આત્મચરિત્ર છે. જે મણિલાલના મૃત્યુનાં 80 વર્ષ પછી ધીરુભાઈ ઠાકર દ્વારા સંપાદિત થઈને 1979માં પ્રગટ થયું હતું. તેમણે રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, મધ્વાચાર્યનાં ગીતાભાષ્યો સાથે શંકરાચાર્ય, મધુસૂદન સરસ્વતી, આનંદગિરિ, શ્રીધર, અને સદાનંદની ટીકાઓની પરસ્પર તુલના દ્વારા પોતાને થયેલ નિશ્ચયો સમજાવવાની યોજના કરેલી છે.