પુસ્તક વિશે માહિતી
- લેખક: ગોપાલદાસ
- સંપાદક: પ્રભાશંકર વાઘજી મહેતા
- અંક:રાસલીલામૃતશ્લોકો સાથે
- પ્રકાશન વર્ષ:1943
- ભાષા:ગુજરાતી
- પૃષ્ઠ:73
- સહયોગી: ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
ગોપાલદાસ લેખક પરિચય
મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કવિ. ઈ. સ, ૧૬૪૯માં હયાત હતા. અવટંકે અડાલજા. પિતા ખીમજી નારણદાસ. જ્ઞાતિએ મોઢ વણિક. સોમરાજના શિષ્ય. સુરતના વતની હોવાનું કહેવાયું છે પણ તેનો આધાર સ્પષ્ટ થતો નથી. પાછળથી અમદાવાદ આવી વસેલા જણાય છે. ઘણા સંદર્ભોમાં ગોપાળદાસ તરીકે ઉલ્લેખાયેલા આ કવિની સઘળી કૃતિઓમાં ‘ગોપાળ’ ‘દાસ ગોપાલ’ એવી નામછાપ મળે છે. ૨૩ કડવાંમાં ગુરુશિષ્યસંવાદ રૂપે રચાયેલી એમની ‘ગોપાળ-ગીતા/જ્ઞાનપ્રકાશ’ (૨ચના: ઈ.૧૬૪૯) શાંકરવેદાંત અનુસાર જગતની ઉત્પત્તિ, એનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ, બ્રહ્મ આદિને દૃષ્ટાંતોની મદદથી સરળ રીતે ને ક્યાંક વિસ્તારથી વર્ણવતી, આપણી જ્ઞાનગીતાઓની પરિપાટીની કૃતિ છે. એમની ૧૮ સાખીઓમાં પણ અજ્ઞાનીઓ પર હળવા ઉપાલંભો કરી સરળ ભાષામાં અને લોકગમ્ય દૃષ્ટાંતાદિથી જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવ્યો છે. રૂપકોનો આશ્રય લેતી ‘બુદ્ધિવહુને શિખામણ’ તથા સત્સંગમહિમા, જ્ઞાનવૈરાગ્યબોધ, કૃષ્ણભક્તિ વગેરે વિશેનાં ઘણાં મુદ્રિત-અમુદ્રિત પદો ‘ગોપાલ’ નામછાપથી મળે છે તે આ કવિની જ રચનાઓ હોવાનું સમજાય છે.
