રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપુસ્તક વિશે માહિતી
- લેખક: પ્રહ્લાદ પારેખ
- સંપાદક: વાડીલાલ ડગલી
- આવૃત્તિ:001
- આવૃત્તિ વર્ષ:1962
- પૃષ્ઠ:36
- પ્રકાશક: પરિચય ટ્રસ્ટ, મુંબઈ
- સહયોગી: ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
પ્રહ્લાદ પારેખ લેખક પરિચય
જાણીતા ગુજરાતી કવિ, ગદ્યકાર, બાળવાર્તાકાર અને બાળગીતકાર. તેમનો જન્મ ભાવનગરમાં અને તેથી તેમનું પ્રાથમિક–માધ્યમિક શિક્ષણ પણ ભાવનગરની જાણીતી દક્ષિણામૂર્તિ શાળામાં થયું હતું. શિક્ષણ દરમિયાન સંસ્થાના દૃષ્ટિસંપન્ન સંચાલક નાનાભાઈ ભટ્ટ અને આચાર્ય હરભાઈ ત્રિવેદીની અસર નીચે તેમના સાંસ્કારિક ઘડતરનો પાયો નખાયો. 1930માં આઝાદીની ચળવળમાં જોડાવા તે સમયના અન્ય સ્વાતંત્ર્ય સૈનિકોની સાથે સાથે તેમણે પણ અભ્યાસત્યાગ કર્યો હતો અને જેલવાસ પણ વેઠ્યો હતો. જેલવાસ પછી ફરી પાછા દક્ષિણામૂર્તિમાં જોડાઈને તેની વિનીતની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા, પછી ગૂજરાત વિદ્યાપીઠમાં વધુ અભ્યાસાર્થે જોડાયા. 1933માં ‘શાંતિનિકેતન’ જઈ ચાર વર્ષ તેમણે કેળવણી લીધી અને ત્યાં રવીન્દ્રનાથના સાંનિધ્યે એમના કાવ્યસર્જનને પ્રેરણા આપી અને તેનું ફળ ગુજરાતી સાહિત્યને મળ્યું. 1937માં વિલેપારલેની પ્યૂપિલ્સ ઑફ સ્કૂલમાં શિક્ષક તરીકે તેમણે ફરજ બજાવી અને બીજે જ વર્ષે ભાવનગરની ઘરશાળામાં જોડાયા. એ પછી 1945થી તે છેવટ સુધી મુંબઈની મૉડર્ન હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે તેમણે નવી પેઢીનું સંમાર્જન કર્યું.
તેમનાં સર્જન–કવનની નોંધ પ્રસાદ બ્રહ્મભટ્ટ આ પ્રમાણે લે છે :
“એમના કાવ્યસંગ્રહ ‘બારીબહાર’ (1940)માં ગાંધીયુગની સાહિત્યધારાથી જુદી પડતી નવીન કાવ્યધારા વહે છે. એમની કવિતાનું મુખ્ય લક્ષણ છે : બહિર્મુખી રાષ્ટ્રચેતના કે સામાજચેતનાને સ્થાને કવિતામાં પ્રસ્થાપિત થયેલી સૌંદર્યચેતના. ‘સરવાણી’(1948)નાં કાવ્યો પણ ‘બારીબહાર’ની બીજી આવૃત્તિમાં સામેલ કરવામાં આવ્યાં છે. પ્રકૃતિપ્રેમ તથા માનવપ્રેમ એ એમની કવિતાના મુખ્ય વિષયો છે. એમની કવિ તરીકેની સિદ્ધિમાં ગીતોનો ફાળો વિશેષ છે. એમનાં ગીતોમાં ધ્યાનાકર્ષક છે લયસમૃદ્ધિ અને ભાવની ઇન્દ્રિયગ્રાહ્ય રજૂઆત. એમની સમગ્ર કવિતાનું બીજું મુખ્ય લક્ષણ છે સૌંદર્યાભિમુખતા. કરુણમંગલ ગદ્યકથા ‘ગુલાબ અને શિવલી’(1938)માં એમણે ભાઈબહેનના શૈશવજીવનનું મનોવૈજ્ઞાનિક નિરૂપણ કર્યું છે. મિસીસ લૉરા ઇન્ગોલ્સ બાઇલ્ડરની ગદ્યકથાનો કવિએ ‘રૂપેરી સરોવરને કિનારે’ (1962) નામે, તો સ્ટિફન ઝ્વાઇગની નવલકથાનો ‘અજાણીનું અંતર’ નામે અનુવાદ પ્રગટ કર્યા છે. ‘શિસ્તની સમસ્યા’ (1962) એમની પરિચયપુસ્તિકા છે. ‘રાજકુમારની શોધમાં’ અને ‘કરુણાનો સ્વયંવર’ નામે દીર્ઘ બાળવાર્તાઓ તથા ‘તનમનિયાં’ નામક બાળકાવ્યોનો સંગ્રહ અદ્યાપિ અપ્રગટ છે.”