પુસ્તક વિશે માહિતી
- લેખક: પ્રીતમ
- આવૃત્તિ:001
- આવૃત્તિ વર્ષ:1962
- ભાષા:ગુજરાતી
- વિભાગ: કવિતા, મધ્યકાલીન સાહિત્ય
- પૃષ્ઠ:195
- પ્રકાશક: સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, મુંબઈ અને અમદાવાદ
- સહયોગી: ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
પ્રીતમ લેખક પરિચય
1718માં રાણપુરના ચૂડા મુકામે જન્મ. જન્મથી અંધ એવા પ્રીતમે રામાનંદી સાધુ તરીકે દીક્ષા લઈને 1761માં ખેડા જિલ્લાના સંદેસર ગામમાં સ્થાયી થયાં. યોગમાર્ગનો અભ્યાસ ઉપરાંત શાસ્ત્રજ્ઞાનની પણ એમની સારી એવી જાણકારી હતી. 1798માં અવસાન.
મુખ્ય અર્પણ પદ અને સાખી સાહિત્યપ્રકારમાં રહ્યું છે. પ્રીતમે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો ઉપદેશ આપતાં અને કૃષ્ણભક્તિ, કૃષ્ણલીલા, તુલસીવિવાહ, મથુરાલીલાનાં પદો તેમજ જ્ઞાનવૈરાગ્યનાં પદો થાળ, આરતી, ગરબી, ગરબા વગેરે પદના વિવિધ પેટાપ્રકારોમાં, જુદા જુદા રાગ-ઢાળમાં અંદાજે 500 ઉપરાંત પદો લખ્યાં છે. તેમણે ‘કક્કા’, ‘મહિના’, ‘તિથિ’ અને ‘વા૨’ આદિમાં પણ પ્રદાન કર્યું છે. જીવ, જગત, ઈશ્વર, માયા આદિનું તાત્ત્વિક સ્વરૂપ સમજાવવા ઉપરાંત સદ્ગુરુ, સંત, સજ્જન, સત્સંગ આદિનો મહિમા ગાઈને મુખ્યત્વે જીવનની ક્ષણભંગુરતા તરફ અંગુલિનિર્દેશ કરીને વૈરાગ્યનો ઉપદેશ આપ્યો છે. ‘જીભલડી તુંને હિરગુણ ગાતાં આવડું આળસ ક્યાંથી રે’ તથા ‘હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો ને’, ‘આનંદમંગળ કરું આરતી હરિગુણ સંતની સેવા’ જેવાં તેમનાં પદો ખૂબ લોકપ્રિય છે.
આ ઉપરાંત ‘સરસગીતા’, ‘જ્ઞાનગીતા’, ‘ભગવદ્ગીતા’, ‘પ્રેમપ્રકાશ’, ‘એકાદશ સ્કંધ,’ ‘ભક્તનામાવલિ’, ‘રણછોડજીના ગ૨બા’, ‘ચેતવણીઓ’, ‘બ્રહ્મલીલા’, ‘જ્ઞાનપ્રકાશ’, ‘સપ્તશ્લોકી ગીતા’, ‘વિનયસ્તુતિ’, ‘બોડાણાના સલોકો’ તેમજ ગરબીઓ, આરતીઓ અને ધોળ વગેરે વિવિધ પ્રકારનું પુષ્કળ સાહિત્ય આપ્યું છે. આમ માત્રા અને ઈયત્તા બંનેની દૃષ્ટિએ પ્રીતમનાં પદો તેમના વિશિષ્ટ અર્પણરૂપે ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર છે. હિન્દીમાં પણ 24 અંગોમાં વહેંચાયેલી 732 જેટલી સાખીઓ એમણે લખી છે.