Read Online Gujarati Pravasvarnan eBooks | RekhtaGujarati

પુસ્તક વિશે માહિતી

શિવલાલ ધનેશ્વર લેખક પરિચય

કચ્છ જિલ્લાનું મુંદ્રા તેમનું વતન. આરંભિક પાંચ ધોરણ સુધીનું શિક્ષણ ઉત્તરસંડામાં મેળવ્યું. શાળા બંધ થતાં શિક્ષણ અધૂરું મેલ્યું. અમદાવાદ જઈ ત્યાં ટ્રેનિંગ કૉલેજમાં અભ્યાસ શરૂ કર્યો, પણ મહીપતરામનો ઠપકો મળતા અભ્યાસ છોડી દેવાતજ ગામમાં ગામઠી નિશાળ કાઢી. ત્યાંથી ઘોઘા જઈ કન્યાશાળામાં જોડાયા. 1869માં મુંબઈ ગયા. પહેલાં કન્યાશાળામાં, પછી છાપખાનામાં નોકરી કરી. 1871માં ‘પ્રાસ્તાવિક કાવ્ય’ નામક માસિક અને કાવ્યસર્જનની શરુઆત, 1875 કચ્છના રાજ્યકુટુંબના શિક્ષક, 1887માં કચ્છના મહારાજા સાથે ઇંગ્લેન્ડના પ્રવાસ, કચ્છના કાયદાઓના અભ્યાસ કરી અંજારમાં પછી 1894થી મુંદ્રામાં ન્યાયાધીશ તરીકે એમ વિવિધ કામગીરી બજાવી. 1899માં અર્ધશતક જેટલું આયુષ્ય જીવી વતન મુંદ્રામાં અવસાન પામ્યા.

એમની કાવ્ય પ્રવૃત્તિના મંડાણ 1871માં,‘પ્રાસ્તાવિક કાવ્ય : અંક-1’નું એમણે પ્રકાશન કર્યું ત્યારથી થયા. તેમનાં પ્રાસંગિક અને ઈશ્વરપ્રીતિનાં કાવ્યો ઉપર મધ્યકાલીન કવિઓની અસર વર્તાય છે. તેમની પાસેથી ‘શ્રીનાથજીની પેઢીમાં રૂ. 72,000 ચોરી થઈ તે વિશે તથા તે ચોરી પકડવામાં શેઠ લક્ષ્મીદાસ ખીમજીએ જે યત્ન કર્યા તે વિશે’ (1871) અને ‘સોક્યનું સાલ : 1-2’ એ પ્રાસંગિક પદ્યરચનાઓ ઉપરાંત કચ્છના મહારાજા સાથે કવિએ કરેલા મહાબળેશ્વરના પ્રવાસને નિરૂપતી, અલંકારસૌંદર્ય હોવા છતાં રાજા અને અંગ્રેજોની અતિસ્તુતિ તેમ જ અનાવશ્યક વિગતોને કારણે શિથિલ બનવા પામેલી કાવ્યકૃતિ ‘પ્રવાસવર્ણન’ (1886) અને આશ્રયદાતા રાજાની સ્તુતિ કરતી ‘કચ્છભૂપતિ વિવાહ વર્ણન’ (1885) આદિ પદ્યરચનાઓ મળે છે.

એમણે કરેલા અનુવાદોમાં - તુલસીકૃત ‘રામચરિતમાનસ’નું ભાષાંતર ‘રામાયણ’ (1875), મહાકવિ કાલિદાસ કૃત ‘મેઘદૂત’(1898)નું પૃથ્વી અને સ્રગ્ધરા છંદમાં ભાષાન્તર, કાલિદાસાદિ સંસ્કૃત કવિઓની કૃતિઓને છપ્પા-દોહરામાં ઉતારતી રચના ‘કાવ્યકલાપ’ (1872) અને ‘શૃંગારતિલક’, ‘શૃંગારાષ્ટક’, ‘વૈરાગ્યશતક’ અને ‘હંસદૂત’ આદિ અન્ય અનુવાદ સમાવેશ પામે છે. જીવનના અંતકાળે ‘મહાભારત’નો અનુવાદ કરવા ઉદ્યમરત થતા તેમણે ‘વિરાટપર્વ’નું ભાષાંતર આરંભ્યું હતું. તેમના પર  ધર્મેન્દ્ર માસ્તરે કવિ ‘શિવલાલ ધનેશ્વર - જીવન અને કવન’ નામે ચરિત્રપુસ્તક લખ્યું છે.