રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપુસ્તક વિશે માહિતી
- લેખક: રામનારાયણ પાઠક 'શેષ'
- વિભાગ: પ્રકીર્ણ
- પૃષ્ઠ:324
- પ્રકાશક: ગુજરાત વિદ્યાપીઠ , અમદાવાદ
- સહયોગી: ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
રામનારાયણ પાઠક 'શેષ' લેખક પરિચય
ગુજરાતી ભાષાના વિચક્ષણ કવિ, વાર્તાકાર, વિવેચક, નિબંધકાર અને અભ્યાસુ. તેમનો જન્મ ધોળકા જિલ્લાના ગણોલ ગામે થયો હતો. પિતાની શિક્ષક હોવાના નાતે સતત બદલીઓ થયા કરતી હોવાથી તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિવિધ સ્થળોએ થયું હતું. તેમનું ઉચ્ચ શિક્ષણ ભાવનગર તથા મુંબઈમાં થયું હતું. 1904માં તેઓ મૅટ્રિક થયા હતા. 1908માં તેમણે તર્કશાસ્ત્ર અને મૉરલ ફિલૉસૉફીના વિષયો સાથે પ્રથમ વર્ગ સાથે બી.એ.ની પદવી હાંસિલ કરી હતી. ત્યાર બાદ તે જ કૉલેજમાં તેઓ દક્ષિણા ફેલો તરીકે નિમાયા હતા. 1911માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એલ.એલ.બી. થયા. અમદાવાદમાં વકીલાત શરૂ કરી, પણ ક્ષયરોગનું નિદાન થતાં 1912માં સાદરામાં સ્થિર થઈ વકીલાત કરી. 1918-19નો સમયગાળો અત્યંત કપરો હતો તેમના માટે. તેમની પત્નીનું અણચિંત્યુ મરણ અને દીકરીનું પણ દુઃખદ અવસાન થયું અને પોતે ટાઇફોઇડની લાંબી બીમારીમાં સપડાતાં વકીલાત બંધ કરવી પડી. 1920માં ઇન્દુલાલ યાજ્ઞિકના આગ્રહથી તેમણે ગુજરાત કેળવણી મંડળમાં જોડાઈ જે.એલ. ન્યૂ ઇંગ્લિશ સ્કૂલનું આચાર્યપદ સ્વીકાર્યું. ગાંધીજીના અસહકાર આંદોલનને લીધે સાત માસ પછી શાળા છોડી તેઓ અસહકાર આંદોલનમાં જોડાયા. ત્યાર બાદ 1921માં તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા.
1928 સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં તેમણે પ્રમાણશાસ્ત્ર અને ભાષા-સાહિત્યના અધ્યાપક તરીકે કામ કર્યું. વિદ્યાપીઠમાં તેઓએ ‘પ્રસ્થાન’ માસિકના તંત્રી (1925–1937) તરીકે સેવા આપી અને એથી તેઓ વિદ્યાર્થીઓમાં ‘ગાંધીયુગના સાહિત્યગુરુ’ તરીકે ઓળખાયા. વિદ્યાપીઠ છોડ્યા પછી ‘પ્રસ્થાન’ની નિઃશુલ્ક સેવા કરતાં એમણે ખાનગી ટ્યૂશનોથી આજીવિકા ચલાવી. દરમિયાન ગાંધીજીના વિવિધ સત્યાગ્રહોમાં ભાગ લીધો. એક વખત જેલ પણ વેઠી. 1935માં મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા ત્યારથી 1952 સુધી ત્યાં તથા અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કૉલેજ, ગૂજરાત વિદ્યાસભા, મુંબઈની ભવન્સ કૉલેજ, તથા ભારતીય વિદ્યાભવનમાં જુદા જુદા સમયે અધ્યાપક તરીકે તેમણે કામગીરી કરી. 1953માં આકાશવાણી મુંબઈના સલાહકાર પણ રહ્યા. 1946માં રાજકોટ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ તેઓ નિમાયા હતા.
તેમને 1943માં મોતીસિંહજી મહીડા પારિતોષિક, 1956નું સાહિત્ય અકાદમીનું પારિતોષિક, ત્યાર બાદ નર્મદ સુવર્ણચંદ્રક પણ એનાયત થયા હતા.
‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’ (1933), ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’ (1938), ‘કાવ્યની શક્તિ’ (1939), ‘સાહિત્યવિમર્શ’ (1939), ‘આલોચના’ (1944), ‘નર્મદાશંકર કવિ’ (1936)ને સમાવતો ‘નર્મદ : અર્વાચીન ગદ્યપદ્યનો આદ્ય પ્રણેતા’ (1945), ‘સાહિત્યાલોક’ (1954), ‘નભોવિહાર’ (1961) અને ‘આકલન’ (1964), ઉમાશંકર જોશી સાથે સંપાદિત કરેલો આનંદશંકર ધ્રુવના ‘કાવ્યતત્ત્વવિચાર’ (1939), ‘સાહિત્યવિચાર’ (1942), ‘દિગ્દર્શન’ (1942) અને ‘વિચારમાધુરી’ : 1 (1946) એ ગ્રંથો; પોતે સંપાદિત કરેલ આનંદશંકર ધ્રુવના ‘આપણો ધર્મ’ની ત્રીજી આવૃત્તિ (1942) તથા ગોવર્ધન પંચાલ સાથે સંપાદિત કરેલો ‘રાસ અને ગરબા’ (1954)માં એમના નાના યા મોટા ઉપોદ્ઘાતો છે. નરસિંહ મહેતાને નામે ચડેલા ‘ગોવિંદગમન’નું નરહરિ પરીખ સાથે કરેલું સટીક સંપાદન (1923) પાઠ્યક્રમની જરૂરિયાતને વશ વર્તીને થયેલું, પરંતુ એવા જ હેતુથી થયેલાં ‘કાવ્યસમુચ્ચય’ ભા. 1–2 (સટીક, 1924) તથા ‘કાવ્યપરિચય’ ભા. 1–2 (નગીનદાસ પારેખ સાથે, 1928) વગેરે તેમનાં વિવેચનો, અભ્યાસ આલેખો, તથા ઉપયોગી સંપાદનો છે.
આ ઉપરાંત મમ્મટકૃત ‘કાવ્યપ્રકાશ’ : ઉલ્લાસ 1થી 6નો રસિકલાલ પરીખ સાથે કરેલો અનુવાદ (1924) એક પ્રમાણભૂત ને પ્રાસાદિક અનુવાદ છે.
‘પ્રાચીન ગુજરાતી છંદો – એક ઐતિહાસિક સમાલોચના’ (1948) અપભ્રંશકાળથી દયારામ સુધીની પદ્યરચનાની શાસ્ત્રીય સમીક્ષા છે. ‘બૃહત્ પિંગલ’ (1955) એ તેમનું અતિશય ઉપયોગી તથા પુરસ્કૃત પુસ્તક છે. એમાં વેદકાળથી આધુનિક સમય સુધીના ડિંગળ, દિંડી, ગઝલ, બ્લૅન્ક વર્સ વગેરે સમેત છંદોનો ઇતિહાસ, છંદોનાં સ્વરૂપ, અને એમનાં આંતરબાહ્ય કલેવરમાં થયેલા ફેરફારો, છંદનાં માત્રા, યતિ, આદિ ઘટકોની કેટલીક કૂટસમસ્યાઓ, વિવિધ છંદોની ક્ષમતાઓ, વગેરે સર્વ બાબતોને શાસ્ત્રીય ભૂમિકાએ સૂક્ષ્મતાથી ને સવીગત, સાધકબાધક દલીલો સાથે ચર્ચતો એક શકવર્તી આકરગ્રંથ બની રહે છે.
રા.વિ. પાઠક પોતાને કવિજીવ માનતા હતા. 1921માં ‘જાત્રાળુ’ ઉપનામથી લખેલા ‘રાણકદેવી’થી એમની કાવ્યયાત્રાનો થયેલો આરંભ છેક 1955માં લખાયેલા ‘સાલમુબારક’ સુધી ચાલુ રહ્યો. પહેલા કાવ્યના ‘જાત્રાળુ’ અને પછીથી એક વખત પ્રયોજાયેલા ‘ભૂલારામ’ સિવાય એમણે કાવ્યો માટે મુખ્યત્વે ‘શેષ’ ઉપનામ રાખ્યું. તેમની પાસેથી આપણને ‘શેષનાં કાવ્યો–1’ (1938), ‘શેષનાં કાવ્યો–2’ (1951) મળે છે.
આ બે સંગ્રહો વિશે રમેશ ર. દવે લખે છે કે, “આ સંગ્રહો વિષયના વૈવિધ્યથી નહીં પણ રૂપબંધ, છંદોવિધાન, શૈલી, અને કાવ્યબાનીના વૈવિધ્યથી ધ્યાન ખેંચે છે. ગુજરાતી પ્રાક્તન અને અદ્યતન કાવ્યપરંપરામાં પોતીકા પ્રયોગો કરનાર ‘શેષ’ની કવિતા સભાન ઘડતરનું પરિણામ હોઈ ‘કાવ્યજ્ઞની કવિતા’ તરીકે ઓળખાઈ છે. ‘શેષ’ ગાંધીયુગને અનુરૂપ જીવનમાંગલ્યનું ગંભીર ગાન કરે છે તે સાથે હાસ્યકટાક્ષવિનોદની રચનાઓ આપે છે, પ્રસન્નદામ્પત્યના રસિકચાતુરીના સંવાદો રચે છે તે સાથે વિરહના શાંતકરુણ સૂરો પણ રેલાવે છે, સ્વભાવોક્તિ સમાં વાસ્તવચિત્રણો કરે છે તેમ ઉપમાચિત્રોની કલ્પનારંગી શૈલી પણ યોજે છે, સૂક્ષ્મ ચિંતનાત્મકતાની સાથે ઊંડી ભાવાર્દ્રતા વ્યક્ત કરે છે અને આ રીતે કવિતામાં પોતાની આગવી મુદ્રા અંકિત કરે છે.”
‘શેષનાં કાવ્યો’ની સત્તર રચનાઓ અને અન્ય ચાલીસ કાવ્યોને સમાવતો મરણોત્તર સંગ્રહ ‘વિશેષ કાવ્યો’ (1959) પણ આપણને મળે છે.
કવિતાની જેમ વાર્તામાં પણ પ્રયોગશીલતા દાખવનાર આ સર્જકનું વાર્તાક્ષેત્રે ઐતિહાસિક પ્રદાન છે. 1923થી ‘દ્વિરેફ’ના ઉપનામે લખેલી અને ત્રણ સંગ્રહોની કુલ ચાલીસ વાર્તાઓ આપનાર આ લેખક ગુજરાતી વાર્તામાં સીમાચિહ્નરૂપ કામ કરી આપે છે. તેમની પાસેથી આપણને ત્રણ વાર્તાસંગ્રહો અનુક્રમે, ‘દ્વિરેફની વાતો’ ભા. 1 (1928), ‘દ્વિરેફની વાતો’ ભા. 2 (1935), અને ‘દ્વિરેફની વાતો’ ભા. 3 (1942, સંવ.ત્રી.આ. 1961) મળે છે.
તેમની અનૂદિત નાટ્યરચનાઓ અને નાટ્યાંશોને પણ સમાવતા મરણોત્તર સંગ્રહ ‘કુલાંગાર અને બીજી કૃતિઓ’ (1959) પણ આપણને મળી આવે છે.
આ સમર્થ સર્જકે નિબંધમાં પણ ખૂબ કામ કરી ગુજરાતી પ્રજાની સામે મૂક્યું છે. ‘સ્વૈરવિહારી’ ઉપનામથી તેમના લખાયેલા નિબંધો ‘સ્વૈરવિહાર’ ભા. 1, 2 (1931, 1937)માં ગ્રંથસ્થ થયા છે તથા તેમના અન્ય ગંભીર નિબંધો ‘મનોવિહાર’ (1956)માં ગ્રંથસ્થ છે.
પ્રમાણશાસ્ત્રના અધ્યાપક તરીકે તૈયાર કરેલી ‘પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા’ (1922), આચારધર્મનું નિરૂપણ કરતી ‘નિત્યનો આચાર’ (1945), અને યુરોપીય વાર્તાઓનો અનુવાદ ‘ચુંબન અને બીજી વાતો’ (નગીનદાસ પારેખ સાથે, 1924, બી.આ. ‘વામા’ નામે) એ એમના અન્ય ઉલ્લેખનીય ગ્રંથો છે. આ સિવાય ‘કાવ્યશાસ્ત્ર’ અને ‘આનંદમીમાંસા’ પરની લેખમાળા જેવી એમણે આપેલી કેટલીક ઉપયોગી સામગ્રી ગ્રંથસ્થ થઈ નથી.