પુસ્તક વિશે માહિતી
- લેખક: ઝવેરચંદ મેઘાણી
- આવૃત્તિ વર્ષ:1939
- પૃષ્ઠ:188
- સહયોગી: ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
ઝવેરચંદ મેઘાણી લેખક પરિચય
ઝવેરચંદ મેઘાણીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં થયો હતો અને તેમનું મૂળ વતન અમરેલી જિલ્લાનું બગસરા ગામ હતું. પોલીસમાં હોવાના કારણે તેમના પિતાની સતત બદલીઓ થયા કરતી, તેથી બાળ મેઘાણીને સૌરાષ્ટ્રની ભૂમિ તથા લોકસંસ્કૃતિના સંસ્કાર પ્રાપ્ત થયા, જે આગળ જતાં તેમના સાહિત્યસર્જન માટે ફળદ્રુપ જમીન બની ગયા. તેમનું પ્રાથમિક શિક્ષણ સૌરાષ્ટ્રનાં અલગ અલગ ગામડાંઓમાં થયું. માધ્યમિક શિક્ષણ તેમણે વઢવાણ કૅમ્પ, બગસરા, અને અમરેલીમાં મેળવ્યું હતું. 1912માં મૅટ્રિક કરી તેઓ જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાંથી અંગ્રેજી અને સંસ્કૃત વિષયો રાખીને 1918માં બી.એ. થયા. ત્યાર બાદ ભાવનગરમાં ખંડસમયના શિક્ષક તરીકે પણ તેમણે થોડો સમય સેવા આપી. કૌટુંબિક કારણોસર તેઓ વધુ સારી કારકિર્દી માટે કલકત્તા ઍલ્યુમિનિયમના કારખાનામાં નોકરી કરવા ગયા, જેના વ્યાસંગે ત્રણેક મહિનાનો ઇંગ્લૅન્ડ પ્રવાસ પણ તેમણે કર્યો. 1921માં વતનની મોહિનીને વશ થઈ બગસરા આવ્યા અને 1922માં ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકમાં તંત્રી તરીકે જોડાયા ત્યારથી પત્રકાર તરીકેની તેમની કારકિર્દીનો આરંભ થયો. સ્વાતંત્ર્યની ચળવળના ઉત્તેજક વાતાવરણમાં 1930માં તેઓએ બે વર્ષનો જેલવાસ પણ ભોગવ્યો. 1932માં ‘ફૂલછાબ’ સાપ્તાહિકમાં જોડાયા પણ નૈતિક મતભેદોને કારણે ત્યાંથી છૂટા થઈ તેમણે ‘જન્મભૂમિ’ દૈનિકમાં ‘કલમ અને કિતાબ’ કૉલમમાં લખવાનું શરૂ કર્યું.
સૌરાષ્ટ્રની ભૂમિનું ખેંચાણ, તેની લોકબોલી, લોકગીતો, લોકકથાઓમાં રમમાણ રહેતું મેઘાણીનું રસિક હૃદય ધીરે ધીરે પુખ્ત થયું હતું. કૉલેજકાળ દરમ્યાન કપિલભાઈ ઠક્કરનો સહવાસ, ગાંધીજીના આચાર-વિચાર પ્રત્યેની લગની તથા વાજસૂર વાળા જેવા લોકસાહિત્યકારની મૈત્રીથી મેઘાણીનું સાહિત્યવિશ્વ ઘડાયું હતું. તેમનાં સાહિત્યિક સર્જનને કારણે તેઓ ‘સૌરાષ્ટ્રી શાયર’ તથા ગાંધીજીએ આપેલા બિરુદ ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે ઓળખાયા. સૌરાષ્ટ્રનાં લોકગીતોની લઢણ, દોહા–સોરઠા, બંગાળનાં બાઉલ, રવીન્દ્ર સંગીત, બંગાળની લોકકથાઓના મિશ્ર પરિપાકરૂપે તેમની કવિતાએ એક આગવું રૂપ ધારણ કર્યું હતું.
‘વેણીનાં ફૂલ’ (1923), ‘કિલ્લોલ’ (1930) તેમના બાળકવિતાઓના સંગ્રહ છે. તેમના અન્ય કાવ્યસંગ્રહો વિશે સંક્ષિપ્તમાં માહિતી આપતાં જયંત ગાડીત કહે છે કે, “કવિને રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાવનાર ‘યુગવંદના’(1935)માં વીર અને કરુણ રસવાળાં, લોકલય અને ચારણી છટાવાળાં રાષ્ટ્રભક્તિનાં, પીડિતો પ્રત્યેની અનુકંપાનાં, અન્ય કાવ્યો પરથી રૂપાંતરિત કે સૂચિત એવાં ‘કોઈનો લાડકવાયો’ જેવાં કથાગીતો અને આત્મસંવેદનનાં કાવ્યો છે. ‘એકતારો’(1947)નાં 47 કાવ્યોમાં કાવ્યત્વ કરતાં પ્રચારલક્ષિતા વિશેષ છે. ‘બાપુનાં પારણાં’(1943)માં ગાંધીજીવિષયક કાવ્યો છે. ‘રવીન્દ્રવીણા’(1944)માં રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યસંગ્રહ ‘સંચયિતા’નાં કાવ્યો પરથી રચાયેલાં રૂપાંતરિત કે અનુસર્જનરૂપ કાવ્યો છે.”
વાર્તાલેખનમાં રસનું ગુંફન અને તેને રસાળ શૈલીમાં કઈ રીતે આલેખન કરવું તેની હથોટી મેઘાણી પાસે છે. આની શરૂઆત તેમણે ટાગોરની ‘કથા ઓ કાહિની’ પરથી રૂપાંતરિત ‘કુરબાનીની કથાઓ’ (1922) પરથી કરી. તેમનું મૌલિક લખાણ તો છેક 1931થી શરૂ થયું. તેમની મહત્ત્વની બાસઠ વાર્તાઓ આપણને ‘મેઘાણીની નવલિકાઓ ભાગ 1 અને 2’ (1931, 1935) તથા ‘વિલોપન’ (1946)માં આપણને મળે છે. જેલમાં સજા પામેલા ગુનેગારોનાં ચરિત્રો ‘જેલ ઑફિસની બારી’(1934)માં આલેખાયેલા છે. રવિશંકર મહારાજને મોઢે સાંભળેલી ચરોતરના બારૈયા-પાટણવાડિયા કોમના માણસોની માણસાઈની વાત કરતી કથાઓ ‘માણસાઈના દીવા’(1945)માં સંગૃહીત છે. ‘પ્રતિમાઓ’ (1934) અને ‘પલકારા’(1935)માં વિદેશી ચલચિત્રો પરથી રૂપાંતરિત પંદર વાર્તાઓ છે. ‘દરિયાપારના બહારવટિયા’ (1932) એશ્ટન વુલ્ફના પુસ્તક ‘ધ આઉટલૉઝ ઑવ મૉડર્ન ડેઝ’ની સત્યઘટનાત્મક વાર્તાઓ પરથી રૂપાંતરિત ચાર બહારવટિયાઓની કથાઓનો સંગ્રહ છે.
આ ઉપરાંત મેઘાણી પાસેથી આપણને સાદ્યંત સુંદર, સફળ નવલકથાઓ મળે છે. ‘નિરંજન’ (1936), સોરઠી જીવનને સામયિક સ્થિત્યંતરમાં કેદ કરતી ‘સોરઠ તારાં વહેતાં પાણી’ (1937), અતિશય પ્રસિદ્ધ નવલકથા ‘વેવિશાળ’ (1939), તે ઉપરાંત ‘તુલસીક્યારો’ (1940), ‘પ્રભુ પધાર્યા’ (1943) તથા અધૂરી રહી ગયેલી ‘કાળચક્ર’ (1947) પણ તેમની પાસેથી મળે છે.
લોકસાહિત્યના આ પ્રેમી પાસેથી લોકકથાઓની છાંટવાળી નવલકથાઓ પણ મળે છે. ‘સમરાંગણ’ (1938), ‘રા’ગંગાજળિયો’ (1939), ‘ગુજરાતનો જય ભાગ 1–2’ (1939, 1942) તેમની યશસ્વી નવલકથાઓ છે.
રૂપાંતરમાં સિદ્ધહસ્ત મેઘાણીએ રૂપાંતરિત તથા પ્રેરિત નવલકથાઓ પણ આપી, જેમ કે, ‘સત્યની શોધમાં’ (1932) અપ્ટન સિંકલેરની ‘સેમ્યુઅલ ધ સીકર’ કૃતિ પરથી અને ‘બીડેલાં દ્વાર’ (1939) એ જ લેખકની ‘લવ્ઝ પિલ્ગ્રિમેઇજ’ કૃતિને આધારે લખાયેલી છે; તો ‘વસુંધરાનાં વહાલાંદવલાં’ (1937) વિક્ટર હ્યૂગોની ‘ધ લાફિંગ મૅન’ પરથી અને ‘અપરાધી’ (1938) હૉલ કેઇનની ‘ધ માસ્ટર ઑવ મૅન’ પરથી પ્રેરિત કથાઓ છે.
લોકસાહિત્યમાં સતત વિવિધ રૂપે સંશોધન, સંપાદન કરનાર આ સાહિત્યકારે લોકસાહિત્યને જનફલક પર મૂકી આપીને ખૂબ મોટા ગજાનું કામ કર્યું છે. સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરી ફરીને જાણકાર વડીલોને વીનવી વીનવીને તેમણે જે કથાઓ, વાતો, ગીતો ભેગાં કર્યાં તેનું સંપાદન અલગ અલગ રૂપે નામે તેમણે કર્યું.
‘ડોશીમાની વાતો’ (1923), મેઘાણીને લોકસાહિત્યકાર તરીકે પ્રસ્થાપિત કરનાર ‘સૌરાષ્ટ્રની રસધાર, ભાગ 1થી 5’ (1923, 1924, 1925, 1927, 1927), ‘સોરઠી બહારવટિયા’ના ત્રણ ભાગ (1927, 1928, 1929). આ સંપાદનો થકી મેઘાણીએ જાણે આખીયે સૌરાષ્ટ્રની ભૂમિ અને તેના જનસમુદાયને શબ્દોમાં આબેહૂબ કંડારીને વિશ્વ સમક્ષ મૂકી દીધો, અમર કરી દીધો. ‘કંકાવટી’ ભા. 1–2(1927, 1928)માં ચમત્કારી વ્રતકથાઓ, ‘દાદાજીની વાતો’ (1927) અને ‘ડોશીમાની વાતો’ની વાર્તાઓને સમાવી એમાં બીજી વધુ વાર્તાઓ ઉમેરી પ્રગટ કરેલા ‘દાદાજી અને ડોશીમાની વાતો’ની વાર્તાઓમાં તથા ‘રંગ છે બારોટ’(1945)ની બાળભોગ્ય વાર્તાઓ, ‘સોરઠી સંતો’ (1928) અને ‘પુરાતન જ્યોત’ (1938) બિનસાંપ્રદાયિક લોકસંતોની જીવનકથાઓ તથા ‘સોરઠી ગીતકથાઓ’(1931)માં અંગ્રેજી ‘બૅલેડ’ને મળતી તેર લોકગીતકથાઓ છે.
‘રઢિયાળી રાત’ ભા. 1થી 4(1925, 1926, 1927, 1942)માં દાંપત્યજીવન, રમકડાં, હાલરડાં, કાનગોપી, વિનોદગીતો, રસગીતો, નવરાત્રિનાં જોડકણાં, સંસારચિત્રો, ઋતુગીતો, કજોડાનાં ગીતો, દિયરભોજાઈનાં ગીતો, ઇશ્કમસ્તીનાં ગીતો, મુસલમાની રાસડા, કથાગીતો, જ્ઞાનગીતો આદિ શીર્ષકો નીચે વર્ગીકૃત થયેલાં ગુજરાતમાં પ્રચલિત લોકગીતોનું સંપાદન છે. ‘ચૂંદડી’ ભા. 1–2 (1928, 1929)માં જુદી જુદી કોમોનાં લગ્નગીતો સંચિત થયાં છે. ‘હાલરડાં’ (1928), ‘ઋતુગીતો’ (1929) ‘સોરઠી સંતવાણી’ (1947) અને ‘સોરઠિયા દુહા’ (1947) તદ્વિષયક ગીતો, ભજનો અને કાવ્યોનાં સંપાદનો છે.
‘લોકસાહિત્ય : ધરતીનું ધાવણ’ ભા. 1–2(1939, 1944)માં મેઘાણીએ પોતે સંપાદિત કરેલા લોકસાહિત્યના ગ્રંથોમાં મૂકેલા પ્રવેશકો, અન્ય સંપાદકોના ગ્રંથોની પ્રસ્તાવનાઓ સંગૃહીત છે. ‘લોકસાહિત્ય-પગદંડીનો પંથ’ (1944) રા.બા. કમળાશંકર સ્મારક વ્યાખ્યાનમાળાના ઉપક્રમે અપાયેલું વ્યાખ્યાન છે, જેમાં પ્રાચીનકાળથી ચાલ્યા આવતા લોકસાહિત્યનો લોકઇતિહાસ છે. ‘લોકસાહિત્યનું સમાલોચન’(1946)માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના ઉપક્રમે અપાયેલાં પાંચ વ્યાખ્યાનો છે.
લેખકના અંગત જીવનનો પરિચય આપતી ત્રણ કૃતિઓ પૈકી ‘પરકમ્મા’ (1946), ‘છેલ્લું પ્રયાણ’ (1947) અને મરણોત્તર પ્રકાશિત ‘લિ. સ્નેહાધીન ઝવેરચંદ’(1948)માં એમના કૌટુંબિક અને સાહિત્યિક જીવનનો પરિચય આપતા 176 પત્રો છે. ‘બે દેશદીપક’ (1927), ‘ઠક્કરબાપા’ (1939), ‘મરેલાંનાં રુધિર’ (1942), ‘અકબરની યાદમાં’ (1942), ‘આપણું ઘર’ (1942), ‘પાંચ વર્ષનાં પંખીડાં’ (1942), ‘આપણાં ઘરની વધુ વાતો’ (1942) તથા ‘દયાનંદ સરસ્વતી’ (1944) એ એમની લઘુજીવનચરિત્રોની પુસ્તિકાઓ છે.
‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’ (1928) અને ‘સોરઠને તીરે તીરે’ (1933) સોરઠનાં ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય અને જીવનનો પરિચય કરાવતા પ્રવાસગ્રંથો છે. ‘વેરાનમાં’(1939)માં પરદેશી સાહિત્યકારો અને સાહિત્યકૃતિઓ પરથી રચેલાં રેખાચિત્રો છે; ‘પરિભ્રમણ’ ભા. 1, 2, 3(1944, 1947, 1947)માં ‘જન્મભૂમિ’ દૈનિકની કટાર ‘કલમ અને કિતાબ’ હેઠળ સાહિત્ય અને જીવન વિશે લખાયેલા લેખો છે; ‘સાંબેલાના સૂર’ (1944) ‘શાણો’ના ઉપનામથી લખાયેલી કટાક્ષ કથાઓ છે.
‘વંઠેલા’ (1934) ત્રણ એકાંકીઓનો સંગ્રહ છે. એ ઉપરાંત કેટલીક નાટ્યરચનાઓ અનૂદિત છે : ‘રાણો પ્રતાપ’ (1923) અને ‘શાહજહાં’ (1927) દ્વિજેન્દ્રલાલ રૉયનાં નાટકોના અનુવાદ છે, તો પદ્યનાટક ‘રાજારાણી’ (1926) રવીન્દ્રનાથ ટાગોરના નાટકનો અનુવાદ છે.
‘એશિયાનું કલંક’ (1923), ‘હંગેરીનો તારણહાર’ (1927), ‘મિસરનો મુક્તિસંગ્રામ’ (1930), ‘સળગતું આયર્લેન્ડ’ (1931), ‘ભારતનો મહાવીર પાડોશી’ (1943) અને ‘ધ્વજ-મિલાપ’ (1943) એ એમના ઇતિહાસગ્રંથો છે.
લોકસાહિત્ય અને તત્કાલીન ગુજરાતી સાહિત્યની સેવા બદલ તેમને 1928માં રણજિતરામ સુવર્ણચંદ્રક, 1946માં મહીડા પારિતોષિક એનાયત થયા હતા. 1946માં રાજકોટ ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખ પણ તેઓ ચૂંટાયા હતા. 1947માં 50 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી બોટાદમાં તેમનું અવસાન થયું હતું.
તેમના માનમાં ભારતીય ટપાલ વિભાગે 14 સપ્ટેબર, 1999ના રોજ ટપાલ ટિકિટ બહાર પાડી હતી.