રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપુસ્તક વિશે માહિતી
- લેખક: કાન્ત
- વિભાગ: પ્રકીર્ણ
- પૃષ્ઠ:12
- સહયોગી: ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
કાન્ત લેખક પરિચય
‘કાન્ત’ના ઉપનામથી જાણીતા બનેલા મણિશંકર રત્નજી ભટ્ટ ગુજરાતી ભાષાના કવિ, નાટ્યકાર, નિબંધકાર અને ધર્મચિંતક હતા. કાન્તનો જન્મ મોતીબાઈની કૂખે 20 નવેમ્બર, 1867ના રોજ થયો હતો. માંગરોળ, મોરબી અને રાજકોટમાંથી પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મેળવ્યા બાદ બી.એ. લૉજિક અને મૉરલ ફિલૉસૉફી સાથે મુંબઈથી બી.એ. કર્યું.
સુરતમાં શિક્ષક તરીકે 1889માં જોડાયા હતા ત્યારબાદ વડોદરાના કલાભવનમાં 1890-1898 દરમિયાન કામ કર્યું. કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક અને ઉપાચાર્ય તથા એની અંગભૂત ટ્રેનિંગ કૉલેજના આચાર્ય તરીકે રહ્યા.
કૉલેજકાળમાં કાન્ત અજ્ઞેયવાદી હતા જોકે બાદમાં તેઓ થિયૉસૉફી આકર્ષાઈને ઈશ્વરના અસ્તિત્વને માનતા હતા અને ભક્તિની જરૂરિયાતોને સ્વીકારતા થયા. સ્વીડનબૉર્ગીય ખ્રિસ્તી ધર્મના સ્ત્રીપુરુષના આત્માના મિલનના વિચારથી આકર્ષાઈને તેઓએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો.
1898થી 1923 સુધી કાન્તે ભાવનગર રાજ્યમાં શિક્ષણાધિકારી તરીકે અને પાછળથી દીવાનની ઑફિસમાં કામગીરી બજાવી. તેમનો જ્ઞાતિમાંથી બહિષ્કાર કરવામાં આવતા પોતાના ધર્મને લઈને પ્રાયશ્ચિત પણ કર્યું હતું જોકે જીવનના છેલ્લાં શ્વાસ સુધી ખ્રિસ્તી ધર્મને તેઓ છોડી શક્યા ન હતા. 16 જૂન, 1925ના રોજ તેમનું અવસાન લાહોરથી રાવલપિંડીની વચ્ચે ટ્રેનમાં થયું હતું.
કાન્તની કવિતાઓનું સંપાદન ‘પૂર્વાલાપ’ના નામે રા.વિ. પાઠકે 1923માં કર્યું હતું. આની કવિતાઓમાં અંગ્રેજી કવિતાઓના પ્રભાવ હેઠળ વિકસેલી અર્વાચીન ગુજરાતી કવિતાઓનું આધુનિક અને પુખ્ત સ્વરૂપ જોવા મળે છે. કાન્તે એક નવી શરૂઆત કરી હોય તેવું સ્પષ્ટ દેખાય છે. કાન્તની સર્જનશક્તિનું જોઈ કોઈ શ્રેષ્ઠ ઉદ્દાહરણ હોય તો તેમણે તૈયાર કરેલા ‘ખંડકાવ્ય’ છે. કાન્ત ‘ખંડકાવ્ય’ એટલાં ઉત્તમ છે કે ગુજરાતી સાહિત્યમાં તે માનદંડ બન્યા છે.
‘વસંતવિજય’, ‘ચક્રવાકમિથુન’ અને ‘દેવયાની’ – એ કાન્તના ઉત્તમ ખંડકાવ્યો છે. કાન્તના નવ ખંડકાવ્યો મળે છે પરંતુ તેમના ઊર્મિકાવ્યો ઘણાં છે. તેમણે પોતાના જીવનમાં બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને મોટા ભાગના ઉર્મિકાવ્યો લખ્યા છે. કાન્તની ‘ઉપહાર’, ‘ઉદગાર’, ‘વત્સલનાં નયનો’ અને ‘સાગર અને શશી’ જેવી રચનાઓ ગુજરાતી ભાષાનું ઘરેણું છે.
ભાવનગરના મહારાજા ભાવસિંહજીની સૂચનાથી કાન્તે ચાર નાટકો લખ્યાં હતા. તેમાંથી બે નાટકો ‘સલીમશાહ અથવા અશ્રુમતી’ (અપ્રસિદ્ધ) અને ‘દુ:ખી સંસાર’(1915) ડાહ્યાલાલ શિવરામ કવિ સાથે મળીને લખ્યા હતા. ‘સલીમશાહ’ તેમણે જાતિના વાડાઓ અને તેમની વચ્ચેના વૈરને તોડવા માટે મહેનત કરતી પ્રતાપપુત્રી અશ્રુમતી અને સલીમશાહના પ્રેમની કરુણ કહાણી વર્ણવી છે. સ્વદેશીના સ્થાને તમામ દેશનો સ્વીકાર કરવાની અને હિંદુ-મુસ્લિમ વચ્ચેની એકતા વધે તેવી ભાવના સાથે ‘ગુરુ ગોવિંદસિંહ’ (બે નાટકો, 1924) નાટક લખ્યું છે.
‘રોમન સ્વરાજ્ય’(બે નાટકો, 1924) નામનું નાટક રાજાશાહીની સામે નાગરિકોના રાજનો જે નવો અને અસરકારક વિચાર આવ્યો તેની છે. ‘દુ:ખી સંસાર’ એક સામાન્ય સંસારચિત્ર માત્ર છે. કાન્તના નાટકોમાં પણ સાહિત્ય સારી રીતે જળવાયું છે.
કાન્તે લખેલા પાંચ સંવાદો ચિંતનાત્મક છે. કલાપી-કાન્ત(1923)ના સંવાદો ચિંતનાત્મક નિબંધો છે. આ ઉપરાંત ‘કુમાર અને ગૌરી’ (1910) તથા ‘હીરામાણેકની એક મોટી ખાણ’(બીજી આવૃત્તિ, 1912)માં કાન્તના લાક્ષણિક વિચારો વ્યક્ત થયા છે.
દલપતરામ વલ્લભદાસ પાઠકના જોડિયા નામથી પ્રસિદ્ધ થયેલી ‘ખરી મોહોબત અથવા ગુલબાસનું ફૂલ’(1882)ના કેટલાક પદ્ય-અંશોમાં લગ્નેતર પ્રેમને આલેખવામાં આવ્યો છે. આ કાન્તની કિશોરાવસ્થાની વાર્તા છે.
દુનિયા અને ખાસ કરીને યુરોપના શિક્ષણનું વિસ્તૃત અવલોકન કરતો ગ્રંથ તેમણે ‘શિક્ષણનો ઇતિહાસ’(1895) લખ્યો છે. ‘દિનચર્યા’ (1900) સ્વતંત્ર પુસ્તિકા રૂપે છપાયેલો નાનકડો નિબંધ છે. કાન્તે સાહિત્ય વિવેચન પણ કર્યું છે. જે કલાપીના ગ્રંથોની પ્રસ્તાવના અને બીજા કેટલાંક નિબંધો-વ્યાખ્યાનો રૂપે જોવા મળે છે. ‘બ્રિટિશ અને હિંદી વિક્રમ’ (1914-1919) તથા ‘ધ હાર્ટ ઑવ્ ઇન્ડિયા’ (1915) નામના સામયિકો કાન્તે ચલાવેલાં. આ સામયિકો અને અન્યોમાં એમનાં સ્વતંત્ર, છૂટાછવાયેલાં અને અનુવાદિત ગદ્યલખાણો જોવા મળે છે. ‘પ્રસ્થાન’ જ્યેષ્ઠ 1983 (1927)માં કાન્તની બે આત્મકથાત્મક નોંધો છપાયેલી છે. તેમાં, ‘કાન્તમાલા’(1924)માં ને અન્યત્ર કાન્તનો વિપુલ પત્રરાશિ પ્રગટ થયેલો છે.
કાન્તે અંગ્રેજીમાંથી અનુવાદ કરીને 10 ગ્રંથો પ્રકાશિત કર્યા હતા. ‘લગ્નસ્નેહ અને તેનાં વિશુદ્ધ સુખો’ (1897) વગેરે સ્વીડનબૉર્ગીય ગ્રંથો બાઇબલનાં પ્રકરણો તથા ‘ઍરિસ્ટોટલનું નિકોમિકિયન નીતિશાસ્ત્ર’ (1912), ટાગોરની ‘ગીતાંજલિ’ (1919 – મહારાણી નંદકુંવરબાના નામે) જેવા સુંદર કૃતિઓનો અનુવાદ તેમણે કર્યો છે.
કવિ કાન્તે કલાપીના અવસાન બાદ 'કલાપીનો કેકારવ' નામનો કાવ્ય સંગ્રહ 1903માં પ્રગટ કર્યો. જેમાં 1892થી 1900ની વચ્ચે કલાપીએ લખેલી કવિતાઓનો સમાવેશ કરાયો છે.