Read Online Gujarati Dharmbhrashtonu Suddhikaran eBooks | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ધર્મભ્રષ્ટોનું શુદ્ધિકરણ

  • favroite
  • share

પુસ્તક વિશે માહિતી

નારાયણ વિસનજી ઠક્કુર લેખક પરિચય

નારાયણ વિસનજી ઠક્કુરનો જન્મ 15 ફેબ્રુઆરી, 1880ના રોજ કચ્છી લોહાણા વિસનજીને ઘેર લાછબાઈને કુખે થયો હતો. શાળામાં ગુજરાતીનો અભ્યાસ કર્યા પછી ખાનગીમાં અંગ્રેજી, સંસ્કૃત ઉપરાંત ફારસી, ઉર્દૂ, મરાઠી અને બંગાળીનો પણ પરિચય મેળવેલો. પુષ્કળ વાંચન અને અવિરત લેખનનો કસબ તેમની કારકિર્દીમાં અત્યંત ફળદાયી નીવડ્યો.

બહોળો વાચકવર્ગ મેળવનાર અને માત્ર લેખનના વ્યવસાય ઉપર જ નિર્વાહ ચલાવનાર થોડા ગુજરાતી લેખકોમાંના એક નારાયણ ઠક્કુરે સો ઉપર પુસ્તકો ઉપરાંત અન્ય અપ્રસિદ્ધ સાહિત્ય પણ આપ્યું છે. તેમની પાસેથી ‘કાવ્ય-કુસુમાકર’(1938) નામે મરણોત્તર કાવ્યસંગ્રહ, ‘માલવકેતુ’ (1927), ‘સંસાર પારિજાત’ અને ‘કૃષ્ણભક્ત બોડાણો’, ‘પરશુરામ’, ‘બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર’, ‘ચાલુ જમાનો’, ‘દગાબાજ દુનિયા’, ‘દેવી દમયંતી’, ‘સાધુ કે શયતાન’, ‘માયા મોહિની’, ‘અનંગ પદ્મા’, ‘ગર્વખંડન’ આદિ નાટકો, ‘આજકાલનો સુધારો કે રમણીય ભયંકરતા’, ‘મુગ્ધા મીનાક્ષી’, ‘કુસુમકંટક અથવા રમણી કે રાક્ષસી’, ‘બાળવિધવા કલ્યાણી’, ‘વિલાયતી વિલાસમાં ફૅશનબાઈ ખલાસ’, ‘ચુડેલનો વાંસો અથવા એક નટીની આત્મકથા’ (બે ખંડ), ‘સંસાર સમસ્યા’, ‘મારી ભયંકર સંસારયાત્રા’, ‘આજકાલનું હિંદુસ્તાન’ (ચાર ભાગ), ‘વીસમી સદીની વસંતસેના’ (બે ભાગ) આદિ સામાજિક નવલકથાઓ,‘પ્લાસીનું યુદ્ધ અથવા ક્લાઇવનું કપટતંત્ર’ (1905), ‘હલદીઘાટનું યુદ્ધ અથવા અકબરનો પરાજય’ (1906), ‘પદ્મિની અથવા ભસ્મીભૂત ચિતોડ’ (1910), ‘હમ્મીર હઠ અથવા રણથંભોરનો ઘેરો’ (1914), ‘અનંગભદ્રા અથવા વલભીપુરનો વિનાશ’ (1918), ‘કચ્છનો કાર્તિકેય અથવા જાડેજા વીર ખેંગાર’ (1922), ‘મહારાણી મયણલ્લા અથવા ગુજરાતની માતા’ (1924), ‘અમર ગર્જના અથવા સુષુપ્તિ અને જાગરણ’ (1930) વગેરે - ઐતિહાસિક નવલકથાઓ, ‘મૃગશીર્ષ અને વેદોમાં આર્યોનો ઉત્તરધ્રુવનિવાસ’, ‘જ્ઞાનેશ્વરી ગીતા’, ‘અમૃતાનુભવ’, ‘વિવેકાનંદ વિચારમાળા’ (પાંચ ભાગ), ‘અમરલાલ ચરિત્ર’, ‘અરવિંદ વિચારમાળા’ (બે ખંડ), ‘નારાયણ ગદ્યગંગા’, ‘ધર્મભ્રષ્ટોનું શુદ્ધીકરણ’, ‘દંપતીશાસ્ત્ર’, ‘હિંદુ સંગઠન’, ‘સૌભાગ્યરાત્રિ’, ‘હિરણ્યગર્ભ હિંદુ’ વગેરે ઇતિહાસ,ધર્મ અને તત્વજ્ઞાનને લગતાં પુસ્તકો, ‘ભારત લોકકથા’ નામે લોકકથાસંચયો, ઉપરાંત પાંચ ઐતિહાસિક વાર્તાઓ ધરાવતી ‘વિશ્વરંગ’ સહિત ‘2500 વર્ષ પૂર્વેનું હિંદુસ્તાન’, ‘ચક્રવર્તી બાપા રાવળ’, ‘બેગમ બાઝાર’ (ત્રણ ખંડ), ‘બાદશાહ બાબર’, ‘નાદિરનો દોરદમામ’, ‘યૌવનચક્ર’ (બે ખંડ), ‘રત્નદેવી’ વગેરે અનેક કૃતિઓ તેમની પાસેથી મળે છે.

સમય જતાં હિંદુત્વને લગતાં પુસ્તકો ‘હિંદુ ગૌરવ ગ્રંથમાળા’ નામે બહાર પાડેલાં. તેઓ લોહાણા કોમનું એક સાપ્તાહિક ચલાવતા, જેના ભાગરૂપે પોતાની કોમના નામાંકિત પુરુષોનાં જીવનચરિત્રો એકત્રિત કરી મોટો ગ્રંથ તૈયાર કરવાનું કામ ઉપાડેલું, પરંતુ હૃદય બંધ પડવાથી મૃત્યુ થતાં તે કાર્ય અધૂરું રહેલું. તેમણે મરાઠી, હિંદી, ઉર્દૂ અને બંગાળીમાંથી કેટલાક અનુવાદ પણ કરેલા.