
પુસ્તક વિશે માહિતી
- લેખક: ડાહ્યાભાઈ ઝવેરી
- પ્રકાશન વર્ષ:1964
- ભાષા:ગુજરાતી
- વિભાગ: નાટક
- પૃષ્ઠ:538
- પ્રકાશક: ગુજરાત સંગીત નૃત્ય નાટક અકાદમી, અમદાવાદ
- સહયોગી: ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
ડાહ્યાભાઈ ઝવેરી લેખક પરિચય
ગુજરાતી નાટ્યકાર ડાહ્યાભાઈનો જન્મ 19 માર્ચ, 1867માં અમદાવાદમાં થયો હતો. જૈન વીશા ઓસવાળ જ્ઞાતિના શ્રીમંત ઝવેરી પરિવારમાં જન્મેલા ડાહ્યાભાઈએ 1885માં મૅટ્રિક્યુલેશન પરીક્ષા પાસ કરી. ગુજરાત કૉલેજમાં માત્ર એક વર્ષ અભ્યાસ કર્યો હતો. તેમનું પહેલું કાવ્ય ‘આત્મશિક્ષા’ 1883માં ‘સ્યાદવાદ સુધા’ અને ‘સમશેર બહાદુર’માં પ્રગટ થયેલું. 1884માં પ્રથમ પત્નીનું અવસાન થતાં તેમને શ્રદ્ધાંજલિરૂપે ‘ચંપાસ્મરણ’ કાવ્ય લખ્યું.
અમદાવાદની મિશન હાઈસ્કૂલમાં 1884ના અંતમાં ડાહ્યાભાઈને શિક્ષક તરીકેની નોકરી મળી. સંસ્કૃત સાહિત્યની સાથે તેમણે પિંગળ અને કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. સંસ્કૃતના શિક્ષક તરીકે તેમની ખ્યાતિ પામ્યા. 1889માં યોજાયેલી એક કાવ્યસ્પર્ધા માટે ‘નેમીરાજુલ’ની જૈનકથા ઉપરથી ‘પ્રેમીને પત્ર’ નામનું 900 પંક્તિનું કાવ્ય લખ્યું.
ડાહ્યાભાઈને નાટકો જોવાનો શોખ હોવાથી તેમની દોસ્તી કેશવલાલ શિવરામ અધ્યાપક સાથે થઈ હતી. પાછળથી ડાહ્યાભાઈ કેશવલાલની દેશી નાટક સમાજ નામની કંપનીમાં ભાગીદારી બન્યા. 1891–92માં તે નાટક કંપનીના સંપૂર્ણ માલિક બન્યા.
નાટકો ડાહ્યાભાઈના જિંદગીના મુખ્ય કાર્ય બની ગાય હતા. યુવાન ડાહ્યાભાઈ નાટકના વ્યવસાયમાં પડતાં પિતા સાથે કંકાસ થયો અને ઘર છોડી દીધું. ‘ઝવેરી’ અટકનો ત્યાગ કરીને ‘દલાલ’ અટક કરી નાખી. આર્થિક તંગી વચ્ચે પણ નાટક અને રંગભૂમિની સેવા કરી. તેમણે રચેલાં નાટકો સૌપ્રથમ દેશી નાટક સમાજ દ્વારા ભજવાતાં. તેમણે અનેક નાટકો લખ્યાં, ભજવાવ્યાં અને ઉચ્ચકોટીની સંસ્કાર-પ્રવૃત્તિ તરીકે તેની સ્થાપના કરી.
નાટકો : શાકુન્તલ (1880); સતી સંયુક્તા (1891); સુભદ્રાહરણ (1892); ભોજરાજ (1892); ઉર્વશી અપ્સરા (1892); વીર વિક્રમાદિત્ય (1893); રામરાજ્યવિયોગ (1893); સતી પાર્વતી (1894); ભગતરાજ (1894); કેશર-કિશોર (1894-95); ભોજરાજ (1895); મ્યુનિસિપલ ઇલેક્શન (1895); અશ્રુમતી (1895); રામવિયોગ (1897); સરદારબા (1897); ઉમા દેવડી (1898); તરુણભોજ (1898); ભોજકુમાર (1898); તારાસુંદરી (1898); વીણા-વેલી (1899); વિજયાવિજય (1900); ઉદય-ભાણ (1901); મોહિની ચંદ્ર (1903); વિજય–કમળા (1898–1904; એક અંક ડાહ્યાભાઈએ અને બે અંક છોટાલાલ ઋખદેવ શર્માએ લખેલા.)
ઉપરનાં નાટકો પૈકી ‘શાકુન્તલ’ સિવાયનાં બધાં ભજવાયેલાં છે. ‘અશ્રુમતી’, ‘વીણા-વેલી’, ‘ઉમાદેવડી’ અને ‘સરદારબા’ ખૂબ લોકપ્રિય નાટકો છે. આ નાટકોમાંથી થયેલી આવકમાંથી એક લાખ રૂપિયા ડાહ્યાભાઈએ દુષ્કાળ રાહત ફંડમાં આપ્યા હતા. તેમની આ પ્રવૃત્તિની ખૂબ ચર્ચા થઈ હતી.
ગુજરાતી નાટકની રચના અને ભજવણીમાં ડાહ્યાભાઈનાં નાટકોએ ક્રાંતિકારી સુધારા કર્યા. નાટકોમાં એ સમયના પ્રશ્નો મૂકીને તેમની પંક્તિ ‘નાટક દુનિયાનું દર્પણ રૂડું, ગુણદોષ જોવાનું’ ચરિતાર્થ કરી.
1893-1894માં ડાહ્યાભાઈએ શેઠ ચીમનલાલ નગીનદાસની સહાયથી અમદાવાદમાં પહેલવહેલું આનંદભુવન થિયેટર બાંધ્યું. મુંબઈમાં ‘અશ્રુમતી’ નાટક ખૂબ જ લોકપ્રિય થતા નાટક કંપનીને ધન અને પ્રસિદ્ધિ બંને મળ્યા. ડાહ્યાભાઈએ પોતાનું સ્વતંત્ર ઝવેરી થિયેટર મુંબઈમાં બંધાવ્યું. આજ સમયમાં અમદાવાદમાં શાંતિભવન થિયેટર બંધાવ્યું.
ડાહ્યાભાઈએ પોતાના નાટકોમાં લોકગીત અને લોકકથાઓનો ખૂબ ઉપયોગ કર્યો હતો. ગીતોને લયબદ્ધ કરવાનું અને યુગલગીતો મૂકવાની પ્રથા તેમણે શરૂ કરી હતી. તેમના ધના દેસાઈ અને ધમલા માળીના રમૂજી પરંતુ ખલનાયક પાત્રો લોકપ્રિય બન્યા હતા. નાટ્યમંચ પરથી આનંદ મળે તેવા સટીક સંવાદો લખવાની પ્રથા તેમણે શરૂ કરી.
જયંતિ દલાલ સંપાદિત ‘શ્રી નવીન ડાહ્યાભાઈનાં નાટકો’ મણકો 1-2-3 ગુજરાત સંગીત નાટ્ય અકાદમી તરફથી 1970ના અરસામાં પ્રકાશિત થયા હતા.