Read Online Gujarati Bhalanna Pad eBooks | RekhtaGujarati

ભાલણના પદ

  • favroite
  • share

પુસ્તક વિશે માહિતી

ભાલણ લેખક પરિચય

અવટંકે ત્રવાડી, જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ અને સંસ્કૃત પ્રકાંડ પંડિત, ભક્તિરસ-વાત્સલ્યરસના કવિ અને ખાસ તો 'આખ્યાનના પિતા' તરીકે સુખ્યાત, પુરુષોત્તમ તરવાડી એવા મૂળનામધારી ભાલણ મૂળે પાટણ વતની, સંભવતઃ વ્રજભાષાના સારા જાણતલ, શ્રીપત કે શ્રીપતિ અને બ્રહ્મપ્રિયાનંદજી તેમના ગુરુ હોવાની શક્યતા. જીવનના પ્રારંભિક વર્ષોમા બિનસાંપ્રદાયિક દેવભક્ત અને ઉત્તરકાળમાં રામભક્તિ ભણી ઢળાવ, કવિ ભીમ પુરુષોત્તમનો ગુરુ તરીકે નિર્દેશ - જે ભાલણ હોવાનો સંભવ. તેમના બે પુત્રો - ઉદ્ધવ અને વિષ્ણુદાસે પણ સાહિત્યિક પ્રદાન કર્યાંનો ઉલ્લેખ છે.

ગુજરાતી ભાષાને ‘ગુર્જર ભાખા’ તરીકે પહેલી વખત ઓળખાવનાર ભાલણે ગુજરાતી કવિતામાં કડવાંબદ્ધ આખ્યાનોમાં સ્થિર પાયો નાખવાનું મહત્ત્વનું કાર્ય કર્યું છે. જો કે, પૌરાણિક વિષયોને લઈ રચાયેલાં એમનાં આખ્યાનોમાં મૂળ કથાને વફાદાર રહેવાનું વલણ વિશેષ છે. એટલે પ્રેમાનંદની જેમ પ્રસંગને રસિક રીતે બહેલાવવા તરફ ને પ્રત્યક્ષીકરણ તરફ કવિનું ઝાઝું લક્ષ્ય નથી. એને કારણે રસની જમાવટ, વર્ણનો કે ભાષા એ દરેકમાં તેઓ પ્રેમાનંદ જેવી સિદ્ધિ દાખવતા નથી. ભાલણે તો ‘કડવા’નો એકમ લઈ, એમાં ભિન્ન ભિન્ન દેશીઓનો પ્રયોગ કરી, વસ્તુ તરીકે મહાભારત-રામાયણ અને અન્ય પુરાણોમાંથી કથાનકો પસંદ કરી લોકો સમક્ષ ગાઈ શકાય એ રીતનો કાવ્યબંધ સાધી આપ્યો.

પ્રથમ ભક્ત પશ્ચાત્ કવિ એવા ભાલણે પૌરાણિક કથાઓમાંથી વસ્તુ લઈને એણે કેટલાંક આખ્યાનો લખ્યાં છે. ભાલણની પ્રાપ્ય કૃતિઓનો અભ્યાસ કરતાં એની શક્તિની દૃષ્ટિએ ત્રણ કક્ષાની કૃતિઓ જોવા મળે છે : ‘શિવભીલડી સંવાદ/હરસંવાદ’, ‘જાલંધર આખ્યાન’, 'દુર્વાસા આખ્યાન', 'મામકી આખ્યાન', ‘દ્રૌપદીવસ્ત્રાહરણ’–અપૂર્ણ આદિ સામાન્ય કક્ષાની, ‘મૃગી આખ્યાન’, ‘રામવિવાહ/સીતાવિવાહ’, ‘ધ્રુવાખ્યાન’, ‘રામાયણ’ - તૂટક, ‘દશમસ્કંધ’ આદિ મધ્યમ કક્ષાની, તો ‘નળાખ્યાન’ (પહેલું), ‘સપ્તશતી’, ‘કાદંબરી' આદિ ઉત્તમ કક્ષાની કૃતિઓ છે. તૂટક રૂપે મળતા 15 કડવાંના ‘દુર્વાસા-આખ્યાન’માં ભાલણની છાપ નથી અને ‘સીતા હનુમાન-સંવાદ’ની હસ્તપ્રત ઉપલબ્ધ નથી એટલે એ બે કૃતિઓ ભાલણની હોવાનું શંકાસ્પદ છે.

પદોમાં રચાયેલી કૃતિઓમાં ભક્તિરસવાળી 2 સવિશેષ ધ્યાનાર્હ કૃતિઓ ‘દશમસ્કંધ’ (‘રુક્મિણીવિવાહ’ અને ‘સત્યભામાવિવાહ’ કૃતિઓ કવિએ અહીં સમાવી લીધી છે) અને ‘રામબાલચરિત’ છે, ઉપરાંત ‘કૃષ્ણવિષ્ટિ’, ‘કૃષ્ણબાલચરિત’, ‘રામવનવાસ’, ‘રેંટિયા-ગીત’, ‘મહાદેવના સાતવા૨’ કવિની અન્ય પદરચનાઓ મળે છે.

બાણભટ્ટ રચિત ગદ્યરચના ‘કાદંબરી’નો પદ્યાનુવાદ, ‘નૈષધીયચરિત’ના શ્લોકોનો તેમજ ત્રિવિક્રમના ‘નલચંપૂ’ના અંશોનો ‘નળાખ્યાન’માં ગુજરાતી અનુવાદ, ‘દુર્ગાસપ્તશતી’ પદ્યાનુવાદ, ‘સપ્તશતી’ અને ‘ભાગવત-દશમસ્કંધ’માંના અનુવાદ તેમજ રામાયણનો સૌપ્રથમવાર અનુવાદ કરી સૌપ્રથમ ગુજરાતી ભાષાના અનુવાદક તરીકે તેઓ ખ્યાત થયા છે. આમ, ભાલણ આખ્યાનકાર, પદકાર અને અનુવાદક એમ ત્રણ સ્વરૂપોમાં ગુજરાતી સાહિત્યની બૃહદ્ સેવા આપી ગયા છે.

ભાલણકૃત કૃતિઓના અન્ય અભ્યાસુઓ દ્વારા થયેલાં સંપાદનોમાં - ‘દશમસ્કંધ’ (સં. હ૨ગોવિંદ દ્વા. કાંટાવાળા, ઈ. સ. 1915), ‘કાદંબરી’ (સં. કે. હ. ધ્રુવ, ઈ. સ. 1916), ‘ભાલણકૃત બે નળાખ્યાન’ (સં. રા. ચુ. મોદી, ઈ. સ. 1924), ‘ભાલણનાં પદ’ (સં. જેઠાલાલ ત્રિવેદી, ઈ. સ. 1947), ‘કાદંબરી’ (સં. કે. કા. શાસ્ત્રી, ઈ. સ. 1953), ભાલણકૃત ‘ધ્રુવાખ્યાન’ અને નાકરકૃત ‘મોરધ્વજાખ્યાન’ (સં. ભાનુસુખરામ નિ. મહેતા), ‘નળાખ્યાન’ (સં. કે. કા. શાસ્ત્રી, ઈ. સ. 1975); ‘ભાલણનાં ભાવગીતો’ (સં. ધીરુભાઈ ત્રિ. દોશી, ઈ. સ. 1980) આદિ મળી આવે છે.