girnarni yatra - Dirgh Kavya | RekhtaGujarati

ક્ષિતિજમાં કંઈ મેઘ સમો રમે,

નજર માંડી જહીં દિનરાત મેં,

અહીં ઉભો પડછંદ પ્હાડ એ-

નમન હો ગરવા ગિરનારને. ૧

ગઢ હજુ ભર ઉંઘમહીં પડ્યું,

રગ રગે મુજ ચેતન કો ચડ્યું;

ઉગી ઉષા મુજ આભ-આંગણે,

ગિરિચડાણ ઉંઘને ગણે. ર

પ્રહર નહીં પાછલી રાતના,

પ્રહર પુણ્ય, ઉજાસ પ્રભાતના.

ચડી જવું દિન ઉગતાં બહુ,

પ્રખર તાપ શિરે શીદને લઉં? ૩

જીવન-જોમ ચડે સ્હવારનાં,

દિન ચડ્યે ચડવાં વસમાં થતાં.

ચડી જવા ઉગતાં ગિરિરાજ ને;

વીતવવી સ્મરણો મહીં સાંજને. ૪

મેં સ્વપ્નમાં સુંદર આળખ્યો'તો,

ને મોહમાં મેરૂસમો ગણ્યો' તો,

અપ્સરા-ક્રીડન-શૈલ ક્યાં, ને;

આભને યે ભરતો ગિરિ ક્યાં? પ

ઉડી જતી કોમળ કલ્પનાઓ,

જોઈ તને રૈવત આંખ સામો;

ક્યાં વ્હેંતીયાં ને મહાકાય ક્યાં આ,

પૂરાય શું માનવ કલ્પનામાં? ૬

પિપીલિકાનાં ગણ જેમ જાય;

અનન્ત લોકો ઉરમાં સમાય;

પાતાલ ભેદે પદ, ઊર્ધ્વ-મૂર્ધા,

વિરાટનાં દર્શન આજ લીધાં. ૭

જો પ્રકૃતિ-તાંડવ-રાસ આહીં;

ને માનવીના ઇતિહાસ આહીં;

પથ્થરે પથ્થર પ્રાણવંતો,

એક સાક્ષી યુગ કૈં સ્મરન્તો.

પડળ આંખથકી ઉતરી ગયાં,

અમર દર્શન આજ મને થયાં,

પણ પ્રભો! ચડતાં ક્યમ ક્ષોભ આ,

જીવન શું મુજથી જીરવાય ના?

અગર શું કંઈ કાળ રટ્યાં છતાં

વિરલ યોગ થતાં જન થંભતાં?

ક્ષણિક ક્ષોભ-હવે ખમવું નહિ,

ગિરિ ઉભો-જઇને શમવું તહીં. ૧૦

ચડી જઇશ હવે ભર મોદમાં,

શમીશ હું મુજ માતની ગોદમાં,

ગહન સાદ હવે શ્રવણે પડ્યા,

પરમ ઉન્નત પંથ મને જડ્યા. ૧૧

નજર દોરતી પરંપરા,

પગથિયાં નથી, સ્વર્ગ સીડી આ,

ચડી ગયા અહીં પુણ્યશાળી કો,

સરલ રાહ કરી સદાયના. ૧ર

ઉભા લઈ ડોળી ખભે તળેટીમાં,

પણે પૂછે કો ઉંચકી લઈ જવા;

ના, ભાઈ. છે વાર હજુ મને તો,

છો ને પછી આખર એજ રસ્તો. ૧૩

ના પાંખ આપી પ્રભુએ છતાં યે,

છે પાય તો પંથ નહીં જણાયે;

ને ભાર ભાથાં નહીં બાંધવાં ત્યાં:

ક્હો ને પછી થાક મને નડે શા? ૧૪

મહા પ્રયાણે મુજ સંગ લીધી.

જે એકલીને મુજ સાથી કીધી,

દોરનારી દૃઢ હાથમાં આ;

છે ડાંગ ત્યાં તો પગલાં ડગે ના. ૧પ

કલ્લોલતાં પંખી મને વધાવે,

ને વાદળીઓ મુજ સંગ આવે;

ના પુણ્ય આવે પળ ફરીને,

ચડું હવે ફાળ ભરી ભરીને. ૧૬

પગ હવે મુજ વેગથી ઉપડે,

પ્રકૃતિનો કંઈ કેફ મને ચડે;

અટકું ના વચમાં વિરામ જ્યાં,

ચડી જવું બસ એક તાનમાં. ૧૭

ઘડી ઘડી ઘન ધુમ્મસ ઘેરતાં-

ઘડીકમાં ગિરિશૃંગ ગળી જતાં;

ઉઘડતાં ઘનઘોર ઉંડાણ જયાં,

ક્યમ ઉભાય અગાધ આભમાં? ૧૮

અવનીથી કદિ ઉચ્ચ ભૂમિ કો,

નજર આવરતાં ઘન ધુમ્મસો;

જરીક ઝાંખી થતી નહિ થતી,

તુરત ત્યાં સ્મૃતિમાત્ર રહી જતી. ૧૯

ક્ષણિક આવરણે નવ હું ડરૂં,

તિમિર પાર જવા ડગ મેં ભર્યું;

ઘડીકમાં ઉગશે રવિરાજ જ્યાં,

તિમિર ઓસરશે મુજ પંથનાં. ર૦

ના, ના, હશે સ્વાગત ગિરિનાં,

છંટાય જોને મુજ પંથ જ્યાં ત્યાં;

ને પંથ થાક્યો ગણી પાઠવ્યાં ના,

શુ સ્નાન અદ્ભુત સીંચનોનાં? ર૧

‘સદા-વ્રતો’ સ્વાગતનાં નિસર્ગે,

મંત્ર મૂક્યો ગિરનારશૃંગેઃ

ને કૈંક સંતો વ્રત ઝીલીને

યાત્રાળુને સ્વાગતથી નિમંત્રે. રર

ભૂલ્યો, મારે અહીં થોભવાનું,

મારે હજુ દૂર બહુ જવાનું;

ને જોઇ લેવું દિન એક મ્હાંય,

અનન્ત શે અંજલિમાં સમાય? ર૩

મધ્યાહ્ન થાશે પછી પ્હાડ બાળશે,

સંધ્યા થતાં અંધી બધે છવાશે;

પુગાય ના માતની આરતીમાં,

રે ચાલને જીવ! પછી વિસામા. ર૪

અધવચે શિર ઉપર ઉભો,

ખડક ભૈરવનો ભય પ્રેરતો;

તહીં ચડી પડતું મૂકતાં મળે,

નૃપતિનું પદ ભાવના ફળે. રપ

પ્રકૃતિ પૂજનમાં પણ વાસના,

મનુજને ઉડવા અવકાશ ના;

પતન પામરતા ક્યમ લે વરી?

પ્રભુ, પ્રભુ, જનતા જડ કાં કરી? ર૬

નૃપતિનાં પદની પરવા નથી,

ફરી ફરી તપ આદરવાં નથી;

નૃપતિયે અહીં આખર આવીયા,

અમર ભર્તૃહરિ તણી ગુફા. ર૭

ચડી ગયો મુજ ધૂનમહીં કહીં,

ફફરતી ધ્વજ કોટની જો રહી;

ભવનથી ભરચક્ક કોટ એ,

નગર જો ગિરનાર તણું દીસે. ર૮

અખૂટ લક્ષ્મી, સઘળે સમૃદ્ધિ,

ને શિલ્પીઓની બહુ સૂક્ષ્મબુદ્ધિ;

જૈન કેરાં ધન મંદિરો આ,

ચાલો અહીં ચેન મને પડે ના. ર૯

ખંડીયેરો કંઈ કાળ જૂનાં,

આજે પડ્યાં પણ સાવ સૂનાં;

શું પથ્થરોમાં પગલાં પડે ના?

મ્હેલ તો રાણકદેવડીના. ૩૦

અપ્સરા આભથી ઉતરીને,

વાસો વસી શું ગિરિના ઉછંગે?

શું વ્યોમને વીંધતી વીજળી એ;

ઉભી હશે રાણક અટારીયે? ૩૧

સૌંદર્ય ને શૌર્ય મહાસતીનાં,

સ્મરી સ્મરીને ઉર સ્નેહભીનાં,

ફૂંકે ઉરાડે ગિરનાર એવી,

સૌરાષ્ટ્રની રાણક એક દેવી. ૩ર

નમું તને, નમું, પ્રાણ પ્રેરજે,

કઠણ અંબ તણાં ચડાણ છે;

નવ હવે પળ એક ગાળવી;

ક્ષણ મહીં મુજ માત ભાળવી. ૩૩

ઉતરતી અહીંથી વનવાટ આ,

વિકટ પ્હાડ, બધે ઘન શી ઘટા;

કહીં કહીં વન વાનર હુંકતા,

કંઈ બખોલ ભરી દીપડા પડ્યા. ૩૪

ગહન મોહક સુંદર પંથ એ,

પથિક ને પગલે પગલે દમે;

પ્રકૃતિ પૂજનમાં ઢળવું નહીં;

કઠણ ધ્યેય, વને વળવું નહીં. ૩પ

કુદી જઉં જ્યમ કો કવિકલ્પના,

પગ દઉં જઇ આભઅગાસીમાં;

ચરણમાં તુજ મસ્તક ઢળે,

શરણ, મા, મુજ જીવન ફળે. ૩૬

દિગ્મૂઢ ઊભો, ઉર ભરાય,

અંબાર તારા નહીં જીરવાય;

મા, ચિત્ત શાંત જરી થવા દે,

મા ગોખ તારે જરી જંપવા દે. ૩૭

છું ગોખમાં કે ઉડતો હવામાં,

શાં ચિત્ર દોર્યાં મુજ આંખ સામાં!

પણે ગિરિનાં ફલકે પડ્યો જો;

શું કોતર્યો કોટ બહુ રૂપાળો! ૩૮

ને ઉઘડ્યાં નેત્ર પણે ગિરિનાં,

તો ભર્યાં નિર્મળ નીર ચશ્મા;

દેખાય ના શું મુજ બિંબ એમાં;

કાંકરી શું પડશે નહીં ત્યાં? ૩૯

જો શહેરની સુંદર છાંટ છાંટી,

રસાળ સોરઠની સપાટીઃ

ત્યાં સાપ જેવી સરતી સરિતા,

ને નીર જો સાગરનાં ઝગે ત્યાં. ૪૦

નજર આમ જરી વળતી ત્યહાં,

કંઈક ઉન્નત શૃંગ હજુ ઉભા;

સરલ સૌમ્ય નથી પ્રદેશ એ,

વિકટ અવધૂત પંથ છે. ૪૧

ગુરૂ મછંદર વંચિત ભેખથી,

જગવીયા જઇને અહાલેકથી;

અડગ યોગી તપ્યા તપ અહીં;

ગગનમાં ટુક ગોરખની રહી. ૪ર

અહીં કમંડલ જાગતી ધુણી,

વસમી જો ગુરૂદત્ત તણી અણી;

તહીં રહી ટુક કારમી કાળકા,

ભીષણ ભવ્ય શિરો ગિરનારનાં. ૪૩

ઝળહળે નભ રવિ ડૂબતાં,

ધણધણે ગિરિ, ઘંટ બધે થતા,

ઝીલીશ ઝાલરના ઝણકાર, મા;

ઝણેઝણે મુજ જીવન-તાર, મા. ૪૪

મા, કંઠ મારો અહીંયાં રૂંધાય,

મા, આરતી ના મુજથી ગવાયઃ

મા, આંખમાં અમૃત ઉભરાય;

મા, ઝાંખી યે શું મુજને થાય? ૪પ

મા, દર્શને હું તુજ દ્વાર આવ્યો,

મા, ભાન ભૂલ્યો, ભવમાં ભમાવ્યો;

મા, બંધ ક્યારે છુટશે, મને ક્હે;

મા, પાંખ ક્યારે ફુટશે મને, ક્હે; ૪૬

મા, દૈત્ય જેવાં દુરિતો દમે જ્યાં;

મા, પૂરજે પ્રાણ સદા મને ત્યાં

મા, બાળ તારી બળ યાચતો આ,

તું આદ્યશક્તિ જગની જનેતા. ૪૭

સરસ્વતી ના, સ્તુતિ શી કરું હું?

મા, અલ્પ જીવનને ધરું હું;

અબોલ અર્ધ્ય તને ધરીને;

નમું, નમું, માત, ફરી ફરીને. ૪૮

ઉતરવાં બહુ સ્હેલ સદા હશે,

ઉતરવા અહીંથી પગ ના ખસે;

ગગન-ચુંબિત ગિરનાર ક્યાં?

ખરી પડું ફરીને ક્યમ ભોમમાં? ૪૯

સ્રોત

  • પુસ્તક : ગજેંદ્રનાં મૌક્તિકો (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2004
  • આવૃત્તિ : 2