siddhrajni ek anubhuti - Dirgh Kavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સિદ્ધરાજની એક અનુભૂતિ

siddhrajni ek anubhuti

કિશોરસિંહ સોલંકી કિશોરસિંહ સોલંકી
સિદ્ધરાજની એક અનુભૂતિ
કિશોરસિંહ સોલંકી

જસમા જસમા

ચાલી આવ મારી પાછળ પાછળ......

અત્યારે શિયાળાનો કૂણો કૂણો તડકો

પીતો હશે તારા રૂપને ઘૂંટડે ઘૂંટડે

ને તું ખુલ્લું આકાશ ઓઢી

ધરતીની રેતમાં ઓકળીઓ પાડતી

બાવળના થડ પાસે ફૂંકતી હશે ચૂલો.

ચારેય દિશાએ પખી બનીને ઊડતી હશે

કલરવ કરતી

ને પવન ડોલતો હશે

ફૂલોની પથારીમાં પડ્યો પડ્યો

ઝાકળનાં બુંદ ઘાસના મખમલ ભર્યાં પલંગમાં

બેસીને હાલરડાં ગાતાં હશે સૂરજનાં

ત્યારે તુ સરસ્વતીના વહેણને ઘડામાં ભરી

ચાલી આવતી હશે રૂમઝૂમ રૂમઝૂમ

ને ઝાકળ ભીનું ઘાસ તારા ચરણ સ્પર્શ કરીને

થતુ હશે પાવન

નદીની વેળુ'માં તારાં પગલાંને સાચવતાં હશે સારસ

પાણીમાં પડતા તારા પ્રતિબિંબને પીઠ ઉપર બેસાડી

ફરતી હશે માછલીઓ

ને છીપલાં જોતાં હશે તારી રાહ ચાતકની જેમ

જસમા,

બધાંજ હશે સદ્ભાગી તને પામીને.

‘તું આવશે’ની પ્રતીક્ષા

મારા મહેલના ઊગમણા ઝરુખે

ઊભી છે ખડે પગે અદબ વાળીને

શેરડીની ગાંઠમાં આંખ ફૂટે

એમ તું ફૂટી નીકળે છે

મારી નિષ્પલક આંખે.

પાટણના ખૂણે ખૂણે ભાસે છે ભેંકારતા

અવારનવાર ખાલીખમ ડોકિયાં કરે છે બારીઓ

ને કૂતરાઓના ગળામાં બેઠો બેઠો

ભસ્યા કરે છે સમય મારા પડછાયાને

ભૂલા પડેલા મુસાફર જેવા ટગમગતા તારલા

નદીના પાણીમાં ઊતરી આવ્યા છે ફિરસ્તાની જેમ

વેળુમાં ડાકલાં વગાડતો અંધકાર ધૂણે છે બેઠો બેઠો

ને સ્મશાનો ચૂપચાપ ઊભાં થઈને લાગ્યાં છે ચાલવા

દેવતાની ધૂણી જેવું કણસે છે વાતાવરણ

બે તમરાં પણ અહીં એકમેકને કરી શકે છે પ્રેમ

ઊંઘના ઘરમાં આળોટે છે પ્રજા

નગરના કાંગરા ઉપર પહેરા ભરે છે સંત્રીઓ

ઘુવડના અવાજમાં ગળતી જાય છે રાત

મારા આવાસે

શત શત ઝુમ્મરોમાં સળગી રહ્યા છે સૂરજ

બધામાં હું શેાધુ છુ તને જસમા

કયાં છે તું?

મારી ચારે બાજુ પ્રશ્નના થઈને છવાઈ જાય છે તે કોણ?

ચંદ્રનો પ્રકાશ થઈને રેલાઈ જાય છે તે કોણ?

આકાશમાં વાદળ થઇને ઘેરાઈ જાય છે તે કોણ?

ધરતી જેનાં પગલાં ચૂમે છે તે કોણ?

વિખૂટા પડેલા હરણની જેમ ભટકુ છું

તારા ઊગાડેલા ઘનઘોર જંગલમાં.

એકાએક બૂમ પાડી ઊઠું છુ

તો મારો અવાજ મને ભોંકાય છે

–એકલવ્યના બાણની જેમ

તોય તારા નામના કુરુક્ષેત્રમાં

લડી રહ્યો છું એકલો એકલો.

મારી આંગળીઓના ટેરવે

લબકારા લેતા સર્પના સિસકારા જેવો દિવસ

તને કંડારે છે આરસપહાણમાં

તારી આંખોમાં સળવળતી વ્યાકુળતા

મને વીંટળાઈ વળે છે વેલની જેમ.

યુદ્ધનો તો અંત નથી

તારા રચાતા કોઠાઓના દ્વારે ઊભો ઊભો

તારી પ્રતીક્ષા કરું છું

અથવા

કોઈ પંખીની કપાયેલી પાંખે

ઊડી આવું છું તારી પાસે...

તું બેઠી હોઈશ

ફાટેલાં કપડાંમાં તારા રૂપને સીવતી

ઓલાયેલા ચૂલામાં ભુંગળીથી ફૂંકતી

ઓળ્યા વિનાના અવાવરું

વાળમાંથી લીખો વીણતી

અથવા તો

સરસ્વતીનાં શીતળ જળને તારા ગવનમાં ગૂંથતી

ને કમખાની કસો વચ્ચે કસાયેલી કાયાને

બતકની જેમ પાણીમાં ઝબકોળતી

અથવા તો

આવતીકાલને આંબાની ડાળે બાંધી પારણામાં ઢબૂરતી

અણિયારની ડાળે લટકતા સુઘરીના માળામાં સ્થિતિને સેવતી

કંઠેરના જાળામાં મધમાખીની જેમ મધને સાચવતી

કીડીના દરમાં દાણાને ખોતરતી

અથવા તો

કાગડાના માળામાં ઇંડાં મૂકી

માંજરીઓમાં કોયલની જેમ ટહુકતી

તું બેઠી હોઈશ.

પાવડાથી ખોદાતી માટીની જેમ હું ખોંપાઈ જાઉં છું

અને તારા માથે મૂકાઈ ને

ઉલેચાતો રહું છું સતત

તારી કામ કરવાની તાજગીમાં રોપાઈ જાઉં છું

વૃક્ષની જેમ

તારાં પગલાંમાં તણાયા કરે છે મારી નજર

વહેતા પાણીમાં તણાતા તણખલાની જેમ.

તારા જમણા હાથની બંગડીઓનો ભીનો રણકાર

તારા પગનાં ઝાંઝરનો રેતાળ અવાજ

તારી ચીંથરેહાલ સાડીના છેડાનો ધૂળીયો ફરફરાટ

તારા પ્રસ્વેદભીના ભાલમાં એગળતો કુંકુમ ચાંદલો

ને તાકી રહેલા સૂરજની કામી દૃષ્ટિ

જસમા જસમા

શી રીતે બધું તું સહી શકે છે?

જસમા!

તું એક ઓડણ

હું એક રાજા

બે વચ્ચેના લોહીયાળ અવકાશમાં સબડું છું

તારાં થાકેલાં પોપચાં ઊંચકાય છે

ને ઊઘડે છે સ્વર્ગનાં દ્વાર

તારી અલ્લડતાના આંગણે લ્હેરાય છે તુલસીની કાયા

ને હું તો કેદ છું તારી કલ્પનાની દીવાલો વચ્ચે.

તું હડી કાઢીને દોડે છે

ને હું તારી આગળ મુઠ્ઠીભર માટી થઈને વેરાઈ જાઉં છું

તું જુએ છે

ને હું નજર થઈને પથરાઈ જાઉં છું

તું મલકે છે

ને હું હાસ્ય થઈ ને વિસ્તરી જાઉં છું

તું ઊંઘે છે

ને હું તારા સ્વપ્ન પ્રદેશમાં પ્રવેશવાનાં વલખાં મારું છું,

નથી સહી શકતો

થાકેલી રાત હાથ લંબાવી તને બાહુપાશમાં લે છે તે.

જસમા

વિહ્વળ સમયને ભૂંસી નાખ તારા હાથે

ને

ભીંજવી દે તારા અધરોષ્ઠથી.

નદીના શીતળ જળમાં છલ્લક છલક

છલકાતી ચાંદનીને બંધ કરી દે તારી પાંપણોમાં

લચકાતા વાયુની આંગળી પકડીને

મારા અનિદ્રાના હરિયાળા પ્રદેશમાં ચાલી આવ

ને

ઘૂઘવાતા સાગરનાં મોજાંના અવાજને

ઢાંકી દે તારા પાલવમાં

રાત્રિના ખંડેરમાં પડઘાતો

તારા ઝાંઝરનો ધ્વનિ

મારી શય્યામાં સહસ્ર સાપણો થઈને લબકે છે,

સરસ્વતીની વેળુમાં

બેઠેલાં બગલાંની હારમાં ઊડી આવ જસમા

તને ખબર છે?

નદીને પણ લોકો ‘કુંવારકા’ની ગાળથી સંબોધે છે

વેદનાને ક્યા વૃક્ષની ડાળે ટીંગી શકાય?

નદીએ તો હજી નથી જોયો

ઘૂઘવાતા દરિયાનો દેશ!

એની આંખોમાં તો યુગોથી નર્તન કરે છે

ભીલડી વેશે પાર્વતી

આમાંની એકેય વ્યથાનો ડૂમો ગળે બાઝે છે ખરો?

અમે તો વસીએ છીએ ગરવી ગુર્જરને હૈયે

તો છે અમારી પૃથ્વીનુ સ્વર્ગ, જસમા!

જ્યારે જ્યારે વસંત આવે છે અમારા બારણે

ત્યારે પોશ પોશ આંસુડાં ફૂટી નીકળે છે

વૃક્ષોની ડાળીએ.

મારા વૈશાખી ઉકળાટ પર

અષાઢના પહેલા વરસાદ થઈને તૂટી પડ

ને સૂકાતા કાંઠે લીલું લીલું ઘાસ થઈને

ઊગી નીકળ, જસમા!

આવ ચાલી આવ

મારી પાછળ પાછળ

સરસ્વતીના તીરે સારસી બનીને.

જસમા!

મને ખબર છે

ખોદાતા તળાવની માટીના કણ કણમાં

સાચવી રહી છે તારું સતીત્વ

તારી પાંપણાની પછવાડે ઘૂઘવતા સૂકકા દરિયામાં

તરફડીયાં ખાઈ રહી છે માછલીઓ

દરિયા વચ્ચે ફરફરતા લીલા આમ્રવૃક્ષની નીચે

ચાંદનીએ ચણ્યો છે પેાતાનો સોનેરી મહેલ

એની ચારે દિશામાં પવને ગોઠવી દીધો છે પહેરો

ધરતી ઉપર ચત્તાપાટ સૂઈને કાન માંડતાં

ક્યાંકથી સભળાય છે ખટાક્...ખટાક્... ચાલતા

હીંડોળાનો અવાજ

અવાજના કિનારે બેઠેલો ચાંદો

ધીમે ધીમે ફિક્કો થતો જાય

ને તેના ઉપર એઢાડી દેવાય અંધકારની ચાદર

ચાદરના તારે તારમાં ઝગમગતી રાત

ઊડતી ઊડતી બની જાય શ્વેત પરી

એની પાછળ પાછળ લંબાતી મારી નજરને

વાગી જાય સમયની ઠોકર

ને લાચાર બનીને વળી જાય પાછી

ત્યારે

વહેલી સવારનું લાલ લાલ આકાશ આવીને

અપહરણ કરી જાય તારું

તુ મલકાતી મલકાતી

સાત અશ્વના રથમાં બેસી

ઉપડી નીકળે સૂરજદેવનાં ચરણુ ચૂમવા

નફ્ફટ સૂરજ તને સંભોગતો રહે સતત

તું તારી જાતને સંભોગાવતી રહે સતત

આમ ને આમ

તારું સતીત્વ રખાત બનીને

વર્ષોથી

ગીરવે મૂકાચું છે

એનું તને ભાન છે ખરુ, જસમા?

જસમા!

પહેલા કૂકડાનું સવાર બોલે

ને

સળવળવા માંડે તગારાં ને પાવડા

બાવળની શૂળો વિનાની ડાળનું દાંતે ઘસાય દાતણ

સરસ્વતીનું નીર છલકે ચહેરે

ત્રણ ઈંટોવાળા ઊભેલા ચૂલા ઉપર મૂકાય

આખા દિવસનું આંધણ,

પછી તો

ખખડાટ

હાકોટા

સૂચનાઓ

ધમકીઓ

જવું આવવું આવવું જવું જવું આવવું આવવું જવું

ને ધીમે ધીમે ઊતરતી સાંજ

ઓલવાઈ જતો સૂરજ

પોતાના સતીત્વનું ભજવાવા લાગે નાટક

ને ગોદડાના ગાભા વીણતી વીણતી

ચાલી જતી રાત

ફરી એનો પાછો આવતો સૂરજ

-નિત્યક્રમ

જસમા!

મારા સ્વપ્નની મહારાણી

તારે રીતે જીવવાનું હોય?

તું તો સતી છે

તો

સૂકકાભઠ્ઠ દેશમાં

વહેવડાવી દેને નારિયેળના પાણીની નદીઓ

એક નજરે

સહસ્રલિંગ તળાવનાં ફોડી નાખને પાતાળ

આરાધી દે શંકર ભગવાનને તે

ગંગા લઈને ચાલી આવે અહીં સુધી

અથવા તો

તુ બની જા

અષાઢી વાદળી

ને વરસી પડ મારા રાજમાં મૂશળધાર!

વર્ષોથી પાણી પાણી રટતા પપીહા

દટાઈ ગયા છે ધરતીમાં

એમને કાઢીને છાંટી દે તારી સંજીવની

ને ઉડાડી દે ખુલ્લા આકાશે

પાટણની ઇંટે ઇંટને બનાવી દે સુવર્ણમય

ને શાંતિનાં ભરી દે સરોવર

મારા રાજની પ્રજાને કુશળક્ષેમનો આપી દે શાપ

ને દુનિયાનેય બતાવી દે પરચો તારા સતીત્વનો.

જસમા

આમ ને આમ

સમયના ખડકાતા જાય છે ડુંગર

ને મારો હાથ પંપાળ્યા કરે છે તલવારનું કાંડું

મારે તારા સતીત્વનું શબ નથી ચૂંથવું

પણ તુ તો ખંજર થઇને ભોંકાઈ જાને

મારા ડાબા ફેફસામાં.

હવે તો

કદીક કદીક

અશ્વ પર નીકળું છું તો લાગે છે કે,

હું નથી

રાજ નથી

કાજ નથી

પાટણ નથી

પ્રજા નથી

નગર નથી

ડગર નથી

બધુ ખખડે છે ખાલી ખાલી

મારા મન જેવું.

કહે

કોને કહું વ્યથા?

બધું ઠરી ગયું છે શિયાળાની મખમલી ઠંડીમાં

એટલે તો થાય છે, જસમા

કે

સહસ્રલિંગ તળાવની પાળ થઈને બંધાઈ જાય તું

તો એમાં છલોછલ પાણી થઈને સમાઈ જાઉં હું.

(પ-૬-૭૮ * ૧-૭-૭૮)

સ્રોત

  • પુસ્તક : વિન્યાસ (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સંપાદક : કિશોરસિંહ સોલંકી
  • પ્રકાશક : શ્રીમતી ગિરાબેન સોલંકી
  • વર્ષ : 1981