pankhilok - Dirgh Kavya | RekhtaGujarati

કાન જો આંખ હોય તો શબ્દ એને પ્રકાશ લાગે.

પો ફાટતાં પહેલાં અધઊંઘમાં સ્વરો ચમકે તન્દ્રાતમિસ્રા વીંધી,

ઘેઘૂર વૃક્ષઘટા આખી પ્રકાશનાં છાંટણાંથી ચૂએ જાણે,

પર્ણઝુંડમાંથી ટપકે ‘...પચ્ મુચિ રિચ્ વચ્ વિચ્......’

ક્રિયાપદોની ત્વરિત હારમાળા પંખી પઢી જાય એક્કે શ્વાસે.

ઊઠો, જાગો, ક્રિયારત થાઓ-નું ઇંગિત.

બંધ આંખે વૈયાકરણી પાણિનિશિષ્યોનાં સૂત્રો સ્મૃતિમાં ઠરે.

પાણિનિનો આખોયે પ્રજ્ઞાપ્રાસાદ સાક્ષાત્કરાય.

નાનું અમસ્તું સૂત્ર, તેજનું આચમન, -પંખીએ ગાયેલું?

પંખીએ

પાયેલું?

‘... પચ્ મુચિ રિચ્ વચ્ વિચ્ સિચ્..!' કાનને પરિતર્પતી

દ્યુતિસેર ક્રિયાની, શબ્દની.

આટલા વહેલા પરોઢે વેદિયા હોય તેણે વેદ સંભાળવા ગ્રંથકારે

રૂડા ગ્રંથ રચવા.

કવિને શબ્દો શોધતા આવે. પાણિનિના નિયમોથી બદ્ધ શબ્દો?

કે પછી પંખીના જેવા ટપકતા પ્રકાશના ટુકડા?

શબ્દો જો બોલી શકતા હોત તો કવિને

જરૂર કહેત કે કવિતા બનવાનું અમારું તે શું ગજું?

છુટ્ટા કોશમાં -વ્યાકરણમાં, ભેળા માનવીની જીભ પર

એવા અમે થોડા હતા જેવા કવિતામાં તમે જોયા?

જગત જોતાં શરૂ થાય અમારી મેડક-કૂદંકૂદાં,

રચિયતાના સંદર્ભના ઇશારે અમે વશ, મંત્રમુગ્ધ;

અમે શબ્દો-અવાજો,

અમે મૌનમાં ઝંપલાવીએ;

શમે અમારી અર્થબડબડ

રસોન્માદ છોળમાં.

શબ્દનો દ્યુતિમંત ચહેરો કવિ ભૂંસે, ક્યારેક તો

મહોરોય પહેરાવી દે

પોતાની કવિતાનો ચહેરો ઉપસાવવા.

દાર્શનિક ભલે મૂર્તતા ગાળી અર્ક નિચોવે શબ્દોનો,

કવિનો શબ્દ અર્કઅર્ણવમાંથી ઊપસતી ચારુ કિરણકેશ સમારતી

ઉષામૂર્તિ.

ઉષા! વેદ-કન્યા ‘ઉષા’ માત્ર શબ્દ છે? એક એક શબ્દ, એક એક સંકુલ.

આંખ જો કાન હોય તો તેજને-રંગને સાંભળી શકે.

ઉષાનો રંગ કર્યો સૂર? મધુમાલતીની બહાર, બોગનવીલિયાની

મિશ્ર છોળ,

નાજુક જૂઈ, ટીપકિયાળાં ફ્લૉક્સ, શુકનનાં કાર્નેશન, સૂરજમુખી,

ખુદ સૂર્ય,

સૌ કયા સપ્તકના કયા સૂર?

પ્રકાશના ઉત્સ સમી ઊછળે ઊડે ગીતમાં કોકિલ-કલા,

કાક-કુલ સ્વરોની સંજવારી ફેરવી લે અવકાશ પર,

એક આખું ચકીટોળું છંટકાવ કરી જાય તે પરે ઝટપટ

ગુજબુજનો, રહી રહી અર્ધુંપર્ધુંક ગાયાં કરે

બુલબુલ ‘શ્રીપ્ રભુ!'શ્રીપ્... શ્રીપ્રભુ!' -નાનકડી કાયાના કયાયે

ઊંડાણમાંથી,

ક્યારેક તો સભાનતાથી જાણે, -આખું વિશ્વ એના ગીતના આધારે

સંતુલિત અધ્ધરશ્વાસે-અધશ્વાસે ઊભું હો!

વિહંગોની હારની હારો સૂર્ય-ઉપસ્થાને ઊડયે જાય. ઊભેલાં

અચલ ઝાડવાંના ઊડતા ચપલ ઇશારા.

કૈંક સ્થાવર-સ્થવિર વૃક્ષરાજ અનેક બાહુએ ખોબેખોબા

ઉછાળ્યાં કરે ઉડાડ્યાં કરે કપોત કાબર લેલાં દૈયડનાં ટોળેટોળાં.

સારી રાત પૃથ્વીઊંડાં તરુમૂળ એક-કાન થઈ સુણી રહ્યાં-

પી રહ્યાં-’તાં

માળામાં વિશ્રંભે નીંદરતાં પંખીની ઊપડતી-પડતી

લઘુક છાતીની ધડક, ક્યારેક વચ્ચે વચ્ચે -સોણામાં જાણે

ચઢી આવતી ગભરુ હાંફ.

પંખીપશુમાનવીની બિડાયેલી આંખોની ચોકી

આકાશનાં પલપલતાં નક્ષત્રો કર્યા કરે જાગ્રત, નિતાન્ત નિઃશબ્દ.

-ક્યારેક બ્રહ્માંડનો શ્વાસોચ્છ્વાસ તમે સાંભળી શકો.-

પ્રભાતમાં પર્ણોપર્ણ લચી રહે કલરવે, પૃથ્વીનાં મીંચેલાં જડ પડળોનો

સંચિત સ્વરપુંજ જાણે પાંદડે પાંદડે નાચતો

આખા અવકાશને ચોમેર ભરતો ફુવારા-શો ઊડી રહે.

પૃથ્વીના ભીતરી મૌનનો ભાસ્વત ઉત્સવ જાણે સ્તોત્રછોળે

પ્રત્યેક પરોઢે પંખીલોકમાં અંતિરક્ષે ઊજવાય.

મન જો હૃદય હોય તો તર્ક પણ એને રસગદ્ગદ કરે.

વાચનખાનાની બારીની બહાર નાનકડા

એકાન્ત બાગમાં નળના ખાબોચિયામાં

લીલા પોપટ રક્ત ચંચુ ડુબાવે, પાંખ

ફફડાવે પાણીમાં, જરીક અવાજથી ઊડી જાય.

ઠેકતો તપખીરિયા ડિલને પાંખથી પાંદડાંથી ઢાંકતો

ગભીર ભર્યા ભર્યા અવાજે ભારદ્વાજ હવાને અંજવાસતો

ત્યાં ‘શ્રીપ્ રભુ!’ની વચ્ચે લતાગુલ્મમાં સંતાયેલું પેલું

બોલી રહે સ્વગત: વેઇટ્-એ-બિટ્!' જાણે પોતાને

કૈંક યાદ કરાવી રહેતું હો: વેટ વેટ...વેટેબિટ્!..

(‘જરીક થોભો!’ - ‘લગરીક ખમો તો!') સમય! સમય

શું રાહ જોવા માટે છે કે?

ઘર પાછળના ડુંગરના

પૂછ્યું'તું પેલા ડાહ્યાડમરા થઈને બેઠેલા કો

બધુંય સમજું છું એવી મુદ્રાથી ટગરટગર જોઈ રહેલા,

ગોળમટોળ સંતૃપ્તિધારી શૈલમહાશયને એક વાર:

બેઠા છો તમે કયુંક સત્ય ગોપવી પોતાની ભીતર?

ભરડો સજડ દઈ, સલામત સુરક્ષીને, બેઠા છો અને

મરકે છે મુખ કે -વજ્રકારાગૃહે કેવું

તાળાબંધ સત્ય કરી દીધું અને કૂંચી તેય

ગળીને બેસી ગયો છું. મનને મારા-

હોય જો ધીરજ અરે અધીર મનને-

અવિધ જો હોય લાંબી -ભલે કલ્પનાના -આયુષ્યેય,

જરૂર તો જોઈ શકું, યુગોના પ્રખર પ્રચંડ સૂર્ય-

તાપ, વર્ષાધારા, વાયુઝંઝા, સૌની ઝીંકોની

નીચે એક દિને શૈલમહાશયના

કરડાકીભર્યા ચહેરાની કો બરડ રેખા-

તરડમાં સર્વસૃષ્ટિજયિની સિસૃક્ષાએ અંકુરિત

કરેલા કો લહરાતા રંગરંગી ફૂલ રૂપે

શૈલનું સકલ સત્ય પ્રસ્ફુટિત-પ્રસ્ફુરિત થતું

વિજયપતાકા સમું

પરંતુ અત્યારે તો

દોડમાં સામેલ થાઓ, જગતની અંધદોડ દિવસના અજવાળે

ચાલે તેમાં ઘસડાઓ, ઘડિયાળનું પંખી કલાકે-અધકલાકે

બોલે તે સંભળાયું ન-સંભળાયું. સ્થગિત સમી

આયુષ્યની યાત્રા. બહાર નમતી સાંજ.

ઊંચે ઊંચે સેલારા લેતાં પંખી એકલ ધપ્યે જતાં. જરી રોકોને એને.

આકાશ-પીધેલાં પંખીને પૂછો: કેટલી લાંબી નભ -વાટ?

તેજની છાલકો ઉછાળી પાંખો કહે: ડગલે ડગલે તેજ-ઘાટ.

હૃદય જો મન હોય તો લાગણીને પ્રમાણી શકે.

પડતી રાતે ચોગાનમાં -સીમમાં તોતિંગ વૃક્ષો પર

પાંદડાં વધુ કે વાયસજી, કા-કા-ના શોરનો ગોરંભો

ગગન-મોટો. આખા વડને ઢાંકી દીધો ઊંધી લટકતી વાગોળોએ,

વચ્ચે ચકરાતી ચામાચીડિયાંની અંધ ચિચિયારીઓ.

ચિત્ત તો કઠોર -હૃદય બધાથી સંકોચાય, ઓસવાય;

ચિત્ત એના વાસ્તવને આસ્વાદે. -હૃદય અંતે એની

આગવી સમજથી સ્વીકારે, સ્તો આખા ઊજળા દિવસનું

આંધળું સરવૈયું -ઘુવડને સુપરત કરવાનું.

ક્ષણે અર્ધી પૃથ્વી ભરેલાં નગરો ગામો મહોલ્લા શેરીઓ

ગલીઓ હવેલીઓ મહેલો ઘરો ઘોલકીઓ ઝૂંપડપટ્ટી

જંગલના ગોઠ નેસડા કૂબા માણસોથી ધબકે

આયખાના એક દિવસની પૂંજીથી રળિયાત,

આવતી કાલની આશાને વળ ચઢાવ્યે જાય.

પ્રહરો પ્રલંબાતા, અનુભૂતિપટે અંકિત કંઈ કંઈ થતું.

માનવ-પગલાની પ્રતીક્ષા કરતી ચંદ્રધૂલિ,

ગિરિમાળાઓના અફાટ હિમપટ પર મારદડી રમતા પવનો,

હાંફતા રણનો ફરફરતો લીલો લીલો સ્વાગત રૂમાલ,

સાગરપેટાળે અધખૂલી છીપમાં મીઠું મરકતાં મોતી,

કાન્તાર-અન્ધકાર વચ્ચે તગતગતી વ્યાઘ્ર-આંખો,

એક તારાની બીજા તારાને કિરણ-ચીસ.-

અહીં ઝાકળભીંજ્યો બપૈયાનો આર્ત્ત સૂર રોમરોમે

સંચારિત કરે વિશ્વે વળુંભ્યો જે વિરહ. અધ-

રાતે જાણે મને હું સાંભળી રહું, સારીય સંવિદથી.

કહું? જ્યારે જ્યારે બોલું છું

સમૂહમાં, વર્ગમાં, બાગમાં, ઘરમાં, ગાડીના ડબ્બામાં,

ઝડપભેર ચાલતાં અથવા તો ઝાડ તળે,

મને મારો અવાજ હંમેશાં થોડો પોતાનો લાગ્યો છે?

સામે પાટલી પર બેસીને સાંભળી જોયું છે.-

‘આ માણસ શું કહેવા માગે છે?’

અને કોઈ કોઈ વાર એમ મેં મોં ફેરવી લીધું છે.

અંધકાર-પ્રકાશના કાંઠા પર છાલકે છાલકે ઘૂંટડે ઘૂંટડે ટીપે ટીપે

નિદ્રા -પ્રાણોની વિશ્રાન્તિ -રોમરોમને પાંપણોને ભીંજવી રહે;

નર્યું સાંભળવાનું હવે -બોલવાનું મુદ્દલે નહિ.

‘મારો અવાજ!'- એટલું છતાંય બોલાઈ જાય.

નર્યા મારા અવાજને હવે સાંભળવાનો...

ત્યાં સ્તો આકંઠ નિદ્રા -પ્રાણવિશ્રાન્તિ,

ભારે ભરતીમોજું, અમોઘ જાગરણ-આઘાત

મારા અવાજને -સંવિદને સ્વપ્ન-આકારોમાં વિખેરી વિસ્ફુરાવી રહે.

નર્યો મારો અવાજ સંભળાયાં કરે.

મારી અંદર, જાણે મારી બહાર...

ક્ષણમાં, જાણે ક્ષણ પાર...

અધમધરાતે ‘મે-આઓ' જાગે દૂરદૂર મયૂરનું.

જગવે શોણિતના કણકણે કો ઉત્તાન ગાન

કશાકને વધાવતું, જંપી ગઈ ચેતનાને મોડી રાતે સંકોરે

સારસનો તીવ્ર ઉરસંવેગનો સ્વર, જુદા

પાડી શકો દોર, એવો બેવડ આલાપ, આભ-વલોવતો.

કદી જો બે છૂટા પાડી શકો, એક અહીંનો, અન્ય

તો આવતો અચૂક લોકાન્તરથી, કહો જન્માન્તરથી.

આકાશ પૃથ્વીના ઘાસ પર જરી આળોટી લેવા ઊતરે

અંધારું એવું ઘટ્ટ થાય, એમાં

ગાયત્રી મંત્ર અવતરણ મુહૂર્ત ઊઘડે.

‘...પચ્ મુચિ રિચ્ વચ્ વિચૂ...!’

વેઇટૂ-એ-બિટ્...!'

-ધીર નાનું-શું સરવૈયું. શબ્દોમાં? મૌનમાં?

મૌન કવિનો શબ્દ બને:

હતા પિતા મારે, હતી માતા.

હા, હતી માતાની ભાષા.

હતું વહાલપ-સ્ફુરેલું, પ્રાણપૂરેલું શરીર.

હતું હૃદય -હતો એને કાન, હતો અવાજ.

મારું કામ? મારું નામ?

સપ્રાણ ક્ષણ, આનંદ-સ્પંદ, -એ કામ મારું

માનવતાની સ્ફૂર્તિલી રફતારમાં મળી ગયું છે.

મારા શબ્દ-આકારો જે કંઈ રસવીચિઓ તે હવે અન્ય હૃદયમય.

નામ મારું ભાષામાં ઓગળી ગયું છે.

વેઇટૂ-એ-બિટ્!...

છેલ્લો શબ્દ મૌનને કહેવાનો હોય છે.

અમદાવાદ, ૧૯૭પ; ૧૬/૧૮-૩-૧૯૮૧ (સપ્તપદી)

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ ઉમાશંકર (પૃષ્ઠ ક્રમાંક 97)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2005