suwarnmrig - Dirgh Kavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સુવર્ણમૃગ

suwarnmrig

રાજેશ પંડ્યા રાજેશ પંડ્યા
સુવર્ણમૃગ
રાજેશ પંડ્યા

સૂરજ ઊગે તે પ્હેલાં ચણ ચણવાને પંખી

નીસર્યાં છે માળામાંથી બ્હાર રે

પંખીની પાછળ રામ અને સીતા વન જવા

નીસર્યાં છોડીને રાજ-દ્વાર રે

ઝાંખા રે થયા છે ઊંચા મ્હેલ ઊંચાં માળિયાં

સૂનાં રે થયાં છે જાળી-જાળિયાં હો જી

એટલે આઘે રે ઊભા રહી છેલ્લીવારુકી

નજર નાંખીને નિહાળિયા હો જી

પાછળ મેલીને સુખ સાહ્યબી અપાર

બધી પાછળ મેલી દઈ હેતપ્રીત રે

આગળ વધે તો વન બધે અડાબીડ

એમાં સોંસરવું જવું કંઈ રીત રે

કોઈ કોઈ પંખીએ ચાંચોમાં ઝાલ્યાં તણખલે

ઝળહળ ઝળહળે સોનું ચારેકોર જી

એનાં અજવાળે પગ માંડતાં માંડતાં ચાલ્યાં

વનને મારગ સુધા-દોર જી

પેલું વન વટાવી દઈને ડાબે

જમણે બીજવન ભણી ડગ ભરતાં

ત્રીજે વન રાતવાસો કરી

પછી પરભાતે ચોથા વનમાં મુકામ કરતાં

કોરમોર ઊંચા ઊંચા ડુંગરા ને

વચોવચ હિલ્લોળાતાં હરિયાળાં ઝાડ

પડખે સેલ્લારાં લેય ઝરણાં ને

ઝરણાંને કાંઠે કાંઠે ચંદનની વાડ

વાડની વચાળ રૂડી મઢુલી રચાવી

વાવ્યા આંગણામાં અમરા ને ડમરા

જૂઈ ને ચમેલી ચંપો મધમધ થાય

એની ગંધથી ખેંચાય વનભમરા

ઝાડની ફરતી વેલ વીંટળાતી જોઈ

સીતા રામ એમ વીંટળાવા જાય

નેણ ભરી નીરખતાં સારસની જોડ

બેઉં ઉરમાંહ્ય હરખ ’માય

આભમાં ઊગે છે જ્યારે પૂનમનો ચંદ

એનાં અજવાળાં પોયણીને પાન પડે

સપનાંમાં હોઈ એવો અનુભવ થાય

ઝીણાં ઝાકળના ભણકારા કાન અડે

એક ’દીની વાત છે: પ્રભાત થાતાવેંત

એક હરણ ખેંચાઈ આવ્યું ફળિયે

હીરા અને માણેક ટાંકેલ એની શીંગડી

ને રૂપલું મઢેલ એની ખરીયે

સાવ રે સોનાની કાયા ઝગમગ થાય

અને નાભિએ કસ્તૂરી કાંઈ મહમહે

આવરો બાવરો ઘડી અહીં ઘડી ક્યાંય

ઘડી આધો ઘડી ઓરો આવી રહરહે

નાના નાના કૂદકા ભરેને ત્યારે

પાયના ઘુઘરા વાગે છે ધમધમ

ડોકીને હલાવી ડાબેજમણે વગાડે

ગળે બાંધેલ ઘંટડી રણઝણ

આવાં આવાં કંઈ કંઈ નખરાં નૌતમ કરી

મનમાં લગાડી એણે માયા

અજબ કામણ એનાં ટાળ્યાં નવ ટળે

ઘડી સાવ રે સોનાની જેની કાયા

માયા રે લગાડે એવી કંચનની કાયા

કાંઈ અરસપરસ, બન્યાં એક રે

કાયા અને માયા બેય પાડયાં રે પડે નોખાં

એવાં ઓતપ્રોત એકમેક રે

હરણ હણવાને રામ જાવ તમે ઝટ

ઝટ લાવો એની કાંચળી કંચનની

કાંચળીનો કંચવો હરખબેર પે’રું

તઈં એષણા ટળે રે મારા મનની

સોનાની કાયા રે કાંઈ હોય નહીં કોઈને

હોય આપણી જેવા હાજચામ રે

કંચન-કથીર તમે એક કરી માનો

ભેદ જોનારની આંખનો તમામ રે

લોભ ને લાલચ જ્યારે આંખમાં ડોકાય

ત્યારે કથીરે કંચન જેવું લાગે

શમણાં લાગે છે સાવ સાચાં પણ

ભમણા, આંખ ખોલ્યે દૂર દૂર ભાગે

પે’લા કેવાં અછોવાનાં કરતા’તા તમે

મારો પડતોંક ઝીલી લેતા બોલ રે

મનમાં ચીતવ્યું હોય એય તમે

ઝટ દઈ હાજર કરતા અણમોલ રે

રાજપાટ સંધુ મેં મૂક્યું સરયૂને તીર

થયો વનમાં આવીને વનવાસી

હવે વનકુળ પે’રવાં ને કંદમૂળ ખાવાં

આવા ઓરતા રાખ્યેથી થાય હાંસી

વનના ધરમ ભલા નિભાવવા આપણે

કોઈ જીવનીયેં કરવી હાણ જી

સંઘળાંય જીવ તમે બરોબર માનો

લો સ્વારથથી કોઈનાયેં પ્રાણ જી

વનના ધરમ તમે નિભાવજો

હું તો મારે નિભાવીશ મનના ધરમ રે

મૃગયાને મશે કરો આટલુંક કામ

જરા સ્મરો વીર ક્ષત્રીના કરમ રે

એક વાર મૃગયાને કાજ ગયા દશરથ

બીજી વાર રામ પણ જાશે?

હરણ વરાંસે બાપે માર્યો માનવીને

હવે રામબાણે કોણ રે વિંધાશે?

સોનાનું છે તીરલું ને રૂપલાં કામઠી લઈ

હરણ હણવાને જાય વીર રે રામૈયા રામ

ડુંગરા ડોલ્યા ને ડોલ્યાં ઝાડ, પાન થરથર્યાં

ઊલટાં વહ્યાં છે નદી નીર રે રામૈયા રામ

આગળ હરણ કૂદે પાછળ શ્રીરામ

મૂકે દોટ એને ઝાલવા રામૈયા રામ

સોનાનું હરણ તઈં સોનાવરણી સીમ થઈ

જોજનજોજન લાગ્યું ફાલવા રામૈયા રામ

ઘડીમાં દેખાય અહીં ઘડીમાં સંતાય ક્યંહી

ઘડીમાં કરે છે કાળા કોપ રે રામૈયા રામ

ઘડીમાં ધરે છે રૂપ વિધવિધ બહુરૂપી

વળતી ઘડીએ અલોપ રે રામૈયા રામ

હરણ તો ભાળ્યું ભળાય હો રામૈયા રામ

હરણ ઝલાય નહીં હાથમાં

હરણ અડાબીડ વન હો રામૈયા રામ

હરણ કંઈ આવે નહીં બાથમાં

હરણને કેટલાય પગ હો રામૈયા રામ

પગ બધા બની જાય પાંખ રે

અહીં જોઉં તહીં જોઉં ચારેકોર જોઉં

લાવું જોવા માટે કેટલીક આંખ રે

રણમાં દેખાય જેમ બપોરી વળાએ

કોઈ તરસ્યાં પ્રાણીને કાંઈ પાણી

વનમાં દેખાય એમ મારિચની મરીચિકા

આઘે આઘે લઈ જાય તાણી

જોત રે જોતામાં બહુ આઘે બહુ આઘે

જોયા વનરા તે વનના છેડા રે

હો રામનાં બાણ વાગ્યાં રે

પેલે પેલે તીર વીંધી ઝાડિયું

ને બીજે તીર હરણને કાળમુખાં તેડાં રે

હો રામનાં બાણ વાગ્યાં રે

તાકીને માર્યું છે તીર નાભિની સોંસરવું

ને કસ્તૂરીની કૂંપિયું વીંધાઈ રે

હો રામનાં બાણ વાગ્યાં રે

પડતા મેલ્યા છે એણે પ્રાણ તત્કાળ

ત્યાં તો થઈ જોયા જેવી કંઈ નવાઈ રે

હો રામનાં બાણ વાગ્યાં રે

કંચનની કાયા ભોંય પડતાંમાં થઈ ગઈ

લોખંડની જેવી કાળીમેંશ રે

હો રામનાં બાણ વાગ્યાં રે

જીવમાં હોય છે જીવ ત્યાં સુધી સોનાનું તેજ

પછી ખાલી ખોટા પડી રેય વેશ રે

હો રામનાં બાણ વાગ્યાં રે

સોનાના હરણની કામના સીતાને

છેક સોનાની લંકામાં ખેંચી ગઈ રે

હરણ વિખૂટી પડી હરણીની જ્યમ

પોતે પિયુથી વિછોઈ ત્યમ થઈ રે

સોનામૃગ કાંચળીનાં કોડ શું કર્યાં

કે મળી સોનાની લંકા આખેઆખી

જોવા જેવું જેટલું જે હોય તે સંતાડ્યું

અહીં સોનાનાં ઢાંકણ નીચે રાખી

ચકાચૌંધથી આંખો અંજાઈ જાતી

ને કાળાં અંધારાં ઊતરે આસપાસમાં

પીળા અને કાળા રંગ લબકારા લેય

લીલા રંગ બધા છૂટ્યા વનવાસમાં

કનકના કોટ કરે ચળકારા ત્યારે

વાગે ભણકારા હરણની ચીસના

ચીસના અવાજ વીંટળાઈ વળે નખશિખ

લે ભરડાઉં મરણની ભીંસના

રામ રામ રટણ કરું કઠણ કરી મન

ત્યાં તો હરણ હરણ જઉં બોલી

એવું તે શું થયું, દુઃખ કોને જઈ કહું

રહું કોના રે આધારે મન ખોલી

એક રે બાણેથી બેઉં વીંધાઈ ગયા રામ

એક મૃગ અને બીજી તારી હંસલી

હંસલી વિલાપ કરે અશોકવાડીમાં

અને વન વન વલવલે મૃગલી

મૃગલીએ ખોયો એનો કાળિયાર

એમ સતી સીતાએ ખોયા છે સરીરામ રે

રામના રખોપાં જેને ઊઠી ગયા હોય

એની વાડિયું ભેળાઈ જાતી આમ રે

આપણી લાલસા ભોળા જીવનો લે ભોગ

ભોગલાલસાથી ભોગવાતા આપણે હો જી

બેય રે બાજુથી વેરે કરવત એમ

પછી ઈંધણાં ઓરાઈ જાતાં તાપણે હો જી

સાચી અગનિપરીક્ષા કહેવાય

તાપ તપી લેવા જેના પળેપળ જી

હૈયાંની ભઠીમાં તપી બુધ શુધ થાય

ખરા કંચનની જેવી નિરમળ જી

એવા અગનિ તાપીને બા’ર નીસર્યાં સીતાજી

લેવા આવ્યાં ત્યાં તો ફૂલનાં વિમાન રે

સીતાને મળ્યા છે એના રામ

પણ હજી ઓલી મૃગલી ભટકે છે રાનેરાન રે

સ્રોત

  • પુસ્તક : પરબ - ઑગસ્ટ 2011 (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : યોગેશ જોષી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2011