hinduoni paDti - Dirgh Kavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હિંદુઓની પડતી

hinduoni paDti

નર્મદ નર્મદ
હિંદુઓની પડતી
નર્મદ

ભાગ ૧લો :

સરસ્વતીની આરાધના.

(રોલાવૃત્ત)

સરસ્વતી વરદાઈ, આઈ હૂં આવ્યો પાસે.

ભુઠો પડ્યો છૂં માત, વાત હૂંથી કયમ થાશે?

બાળક ભરઉલ્હાસ, આશ રાખી છૂં આવ્યો,

વિવેકનૂં નથિ ભાન, માન પૂજન નથિ લાવ્યો.

તવ પ્રસાદે થયાં રુડાં રામાયણ ભારત;

તેવું કરવે કાંઇ, આંહિ હૂં છૂં બહુ આરત

ઐં બીજથી સાધ્ય, આદ્યશક્તી વાગીશા;

પડે પાસ તવ પાય, થાય પ્હાણા પણ લીસા.

નજર મીઠિ તવ જોઉં, સ્હોઉં હૂં રણમાં શૂરો.,

કૃપા પ્રસાદી પાઉ થાઉં હૂં પંડિત પૂરો.

(આ) જીભ કહાડું છૂં બહાર, સાર મંતરનો લેવા;

ખડ્ગ ખમાશે કેમ, અરે ભૂલૂં છૂં સેવા!

હાથ મસ્તકે થાપ, જાપ તારો જપું ખોજે;

દોષ માવડી કાપ. આપ વર જાચૂં રોજે.

વિચાર તારા આલ, ચાલ તારાં વાહનની;

નર્મદ પર કર વ્હાલ, તાલ આવે ગાયનની.

પ્રવેશક

હિંદુદેશના હાલ, થયા છે ભૂંડા આજે;

સત્તા મોટી ખોઈ, નીચું તે જોએ લાજે.

ઉડાવતો જે બ્હાર, થયો છે તે લાચારે,

ખાને જે આબાદ, ખરાબીમાં તે ભારે.

બ્રાહ્મણ પંડિત જેહ, ખપે છે મૂરખમાં તે;

ક્ષત્રી શૂરા જેહ, ખપે છે કાયરમાં તે.

વળી ઘણા નહિં એહ, રહી છે થોડી જાતો;

વૈશ્ય થયા નિર્વંશ, હશે સંકર કો ન્યાતો,

શૂદ્ર થયા છે વૈશ્ય, કમાઈને વેપારે;

પણ વિદ્યાવણ મૂઢ, દુઃખિ છે ગુરુને મારે.

રહ્યા એમ બે વર્ગ, શૂદ્ર ને બ્રાહ્મણકેરા;

મૂરખ બંને તોય, રેહ જ્યમ ગુરુ ને ચેલા.

રહ્યા એમ બે વર્ગ, તેહમાં પણ નઈ ન્યાતો;

પ્રાંત કર્મ અભિમાન, મૂર્ખતા કારણમાં તો.

પરસ્પરે નહિં સંપ, અદેખા મદથી પૂરા;

ઊંચ નીચના ભેદ, પાળવે રહે તે શૂરા.

વિપ્ર આળસૂ રેહ, ખાઈને ખોરૂં કરતા;

જન્મથિ પામી માન, નથી કોથી તે ડરતા;

ભાવિક ભોળા લોક, મૂર્ખ તે માને સાચૂં;

જે જે વિપ્રો કહે, કામ જેનું નહિઁ કાચૂં.

ભમાવિ ધુતવાકાજ, શાસ્ત્રનાં બ્હાનાં આપે,

ગુરૂતણૂં લઈ માન, રોપમાં પાપો કાપે.

પરંપરાથી માન, શુદ્ર તો દેતા આવ્યા;

પરંપરાથી માન, વિપ્ર તો લેતા આવ્યા.

બંને વ્હેમી મૂર્ખ, પરંતુ શૂદ્રો ઝાજા;

શૂદ્ર ખવાડે રોજ. ખાય ખાંતે મ્હારાજા.

ભોળાભાવિક એક, બિજા તો લુચ્ચાલોભી;

એક વળી ધનવાન, બિજા જુજ ભણતાં રોપી.

ભણિ નામાં હીસાબ, શૂદ્ર તો રહે સંતોષી;

કરતા કુળઉદ્યોગ, બાયલા જાણે ડોસી.

નહિં બીજો અભ્યાસ, કામ વેપારનું જોએ;

તેમાં પણ સાહસીક, કદી કોઇકજ હોએ.

લખે વાંચે તેહ, શુદ્ધ પુરૂં ના કોઇ;

ડાહ્યા પણ નહિં ચતુર, ઠગાઈ રહે તે રોઈ.

વરા કરીને મોટ, ધંનને ખરચી નાખે;

ભોળા આપી દાન; તૃપ્ત વિપ્રોને રાખે.

વિપ્રતણો તૃતિયાંશ, ભણેલો જો જોવાએ;

ભણ્યો ખરો નવ ગણ્યો, વ્હેમિ ધર્માંધ થાએ.

કરે આત્મવીચાર, ધર્મની વાતો ભાખે;

દેશલાભમાં કાંઈ, કાળ શ્રમ તે ના નાખે.

‘ભક્ત પેઠું બહું જ્યાંહ, સ્હેજ ઘર તો બહું વંઠયૂં.’

કેહેવત છે તે ખરી, એથિ સુખ પૂરૂં ગંઠ્યૂં;

મુકી પૃથ્વીની વાત, સ્વર્ગની કરવા માંડી;

થઈ બપોરે રાત, જુવાનીમાં વહુ રાંડી.

પરસ્પરે કરિ વાદ, શૂદ્રને બહૂ ભૂલાવ્યા;

અજ્ઞાની નિજ ભાઇ, સાથ લઈ ઊંચા થાપ્યા.

નહીં દેશની કોઇ, વાત જાણે નિજ ઘરની;

ગામ બ્હાર નવ જાય, સૂણે નહિ સાચી પરની.

રીતે સંબંધ, ગોર જજમાનતણો છે;

નવ તૂટે ઝટ બંધ, જુનો તે સખ્ત ઘણો છે.

વિપ્રશૂદ્રની રીત, ખરી હિતકારી તેવી.

કારણ તેનું આમ, ભણે નહિં પૂરા કોઈ,.

જોય સારાસાર, ઘણા જણ રહે છે મોહી.

ધર્મશાસ્ત્રનો વાંક, વાંક આગળના દ્વિજનો;

દેશકાળનો વાંક, વાંક હમણાંના જનનો.

શિખી શકે શું શૂદ્ર, શિખે અંતર શો બેમાં?

કરશે સેવા કોણ, વધુ શકતી તેઓમાં?

મના કરી કે શૂદ્ર, ભણે નહિં વિદ્યા કોઈ;

વેદશાસ્ત્રમાં ગંમ, હોય શી શૂં લે જોઈ?

રંક બચારા મૂર્ખ, થાય શી રીતે સામાં?

વૈશ્ય ક્ષત્રિયે લીધ, હકો સમજી પોતામાં.

વૈશ્ય ક્ષત્રિ બે જાત, રાજસંબંધે રહેતી;

થઈ જવનથી લોપ, પ્હાડની થઈ ગઈ રેતી.

ગયા એમ જજમાન, કોણ પૂછે ગોરોને?

વૃત્તિ ગયેથી રોય, આપવું શું મ્હોડાંને?

પેટ ફિકરથી રોજ, જવનની સેવા શોધી,

કર્યો વિદ્યાભ્યાસ, થયા વ્હેમી ને ક્રોધી,

પછી ઘણાકે ખૂબ શૂદ્ર પર જોર ચલાવ્યું.

બનાવી દઈ જજમાન, કામ પોતાનું કાઢ્યું.

દેશકાળને જોઈ, માણસો વરતે જે જે;

પામે સુખ સંપત્ત, માન ધન વિદ્યા સ્હેજે.

કેટલાક વિદ્વાન, હાલ સંસ્કૃતમાં છે તે;

દળદરમાં રીબાય, કોય પૂછે નહિં તેને;

નથી લોકનો વાંક, વાંક તે વિદ્વાનોનો;

જાય કાં પરદેશ, જહાં બહુ ખપ તેઓનો?

મુકી ધર્મનું મીષ, જાય પંડીતો અહિંના;

બિજા દેશનીમાંહિ, માન ધન પામે બહુ ત્હાં.

જ્હાં જેનું છે કામ, તહાં તે સૂખી સ્હોએ;

‘ધોબી તે શૂં કરે, જહાં જન નાગાં હોએ,

સંસ્કૃતની સાથ, ભણે બીજી ભાષાઓ;

એક દિશિ ના રહે, સૂખડૂં પાંમે તેઓ.

ભણ્યો કમાએ જુજ, ઘણૂં અભણ્યો ડાહ્યો નર;

પ્રસંગ પર આધાર, ભણીને ગણવા ઊપર.

કુટે શાસ્ત્રિયો પેટ, પુરાણી મોજો મારે;

પુરાણિનો બહુ ખપ્પ, શૂદ્રમાં જારે તારે.

રીતે બે મૂર્ખ, વિપ્ર ને શૂદ્ર જણાએ;

ધરે અસલની રીત, નવૂં તે લે નહિં કાંએ.

વળગી રહે છે લોક, જુની વાતોને જારે;

કેમ દુખિ ના હોય, સમો બદલાયો તારે?

પૂર્વ લોક અજ્ઞાન, થયા ગ્રંથો તે યોગ્યજ;

પૃચ્છક જન છે હાલ, હવા ગ્રંથોએ યોગ્યજ;

કરિ પૂર્વને વર્જ, નવું રચવું અનુકુળ તે;

તોડિ નાખિ સહુ બંધ, છુટો લેવી ઘટતી તે.

છુટ બહુ લેવા કાજ જરુર ભણવાની જાણું;

એક વગરનું શૂન્ય, ભણ્યાવણ નર્મદ માનૂં;

વિદ્યાસંબંધી પડતી

કરે કો અભ્યાસ, પૂરતો તન મન દઈને;

કામ જેટલૂ લેઈ, બેસિ રેહ સંતોષે તે.

કરે કો અભ્યાસ, કારખાનાં કયમ લાવે?

વિના હુનર વેપાર, દ્રવ્ય તે ક્યાંથી આવે?

વિના દ્રવ્ય તે કેમ, શાસ્ત્રનાં શોધન થાયે?

વધે વિદ્યા કેમ, કેમ જિજ્ઞાસા વાધે?

વધે પુસ્તકો કેમ, થાય વિદ્વાનો ભેગા;

બતાવતા ઉપાય, વ્હેમ પર મારી છેકા?

વળી ભણેલા કોક, હોય તે ફૂલાએ છે,

ભૂલી ફરજ નિત તેહ, મૂર્ખને ભટકાવે છે.

અજ્ઞાની ને અંધ, જંન બે સરખાં ચાલે.

જેમ દોરવે અન્ય, તેમ તે અહિતહિં હાલે.

ઘણો છેહ દે ચતુર, ભણ્યો નિજ, લાભેજ જોયે;

પડે ખાડમાં અંધ, બાપડાં જખમી રોયે.

પડે નહીં વિશ્વાસ, પરંતૂ કરવો પડતો;

અપંગડાં શૂ કરે, વાટમાં નડતાં દડ તો.

શ્હેર શેરની પઠે, ગામને ખાઈ જાયે;

ગામ ખવાડે રોજ, નહીં કંઈ તે મન આણે;

અભણ્યા કેરૂં ધંન, ભણ્યો તે લૂંટી લેતો.

જેમ ભમાવે છે એહ, તેમ તે મનમાં લ્હેતો.

મનુએ શિક્ષા દીધ. પક્ષપાતેજ ન્યાયે;

સરે વિપ્રનાં કાજ, બિજા પર સખ્તી થાયે.

કરે મશ્કરી ખૂબ, ભણ્યો મૂરખની રોજે;

ધિક્કારીને પડે, તૂટિને તે પર ફોજે.

અભણ્યો રહે ગૂલામ, ભણેલાને થઈ તાબે;

જેનામાં નહિં રામ, જન તે ધબ્બા ખાયે.

ધનમાનને કાજ, ભણ્યાએ પંથ ચલાવ્યા;

અભણ્યા ભોળા જંન, તેમણે માનજ આપ્યા.

#

ભાગ બીજો : પ્રેમશૌર્ય

(મારા નવા ઘરના દરવાજા ઉપર મેં પ્રેમશૌર્ય શબ્દો લખાવી તેની નીચે ગુલાબનું ફૂલ ને કલમ કહડાવ્યાં છે. ઉપરથી મેં વિષય ઉપર લખ્યું છે.[...] વિષય તૈયાર કરવામાં મેં ટાડનું રાજસ્થાન, ફારબસની રાસમાળા, ડફની મરાઠાની બખર, એલફીન્સ્ટન ને માર્શમનનું હિંદુસ્તાન વગેરે પુસ્તકો રાતદાહાડો બેસીને ઉપરઉપરથી વાંચ્યાં હતાં. -નર્મદ)

(રોલાવૃત)

નિર્ગુણને લહિ સગુણ, સ્મરી શ્રીરામતણા જય;

પ્રેમશોર્ય યશ ગાઊં, ભગાડી મનમાંથી ભય.

ઓગણિસ્સેં તેવીસ, કારતક સૂદ પ્રતીપદ;

પ્રેમશૌર્ય સબરસ, લાહું હૂં અહીં પદેપદ.

પ્રેમશૌર્યગુણ ગાઉં, અહીં તહિં યશ દેનારા;

દેશીજનને કાજ, દિસે જે થંડાગારા.

થંડા મોળા એહ, દિસે બહુ કાયર બ્હીકણ;

માર ખાય બહુ તેહ મુકી દઈ પૂરવનું પણ.

તન મન રોગી જંન, સનેપાતે બક્તા બહુ;

ખોઈ દેશ ને ધંન, રાંડવા ગંડૂ થઈ સહુ.

ઘણા ઘાથિ ઘાએલ થયા છો પૂરા ભાઈ;

હજિ કરવૂં છે જુદ્ધ, વ્હેમની સામાં ધાઇ.

ઘણું કહેવું ના જોગ, ગમે તેવા પણ મ્હારા;

ઉપાય કરવા જોગ, બને તેવા જે સારા.

હારિ બેસવૂં જ, રીત છે ઘણી નકારી;

દુખમાં ધીરજ આશ, પ્રથમ ધરવી છે સારી.

થવાનું તે તો થાય, તોય પણ ઉદ્યમ કરવો;

છે જંનસ્વભાવ, એથિ ભવસાગર તરવો.

મરો જિવો કે ખમો, તોય પણ ઉદ્યમ કરવા;

અપાય થાએ એહ, તોય કરવા ગરવા;

વૈદ્યરાજ બહુ મથી, ‘સાચવો’ એવું કહે જ્હાં;

દુબળો બુટ્ટી દિયે, ઉઠે સ્હેજે મરતૂં ત્હાં.

તેમ હું પામર રંક, સુઘાડું સ્હેજે મનને;

પ્રેમ શૌર્ય સદગૂણ, જિવાડે મરતા જનને.

માત્ર જિવાડે એમ, નહીં પણ પુષ્ટ કરે છે;

પછી હિંમત કે તેહ, જેથિ જન રણે લડે છે.

લડતાં પડતા કોક, ઘણા લે જસનો લ્હાવો;

પ્રેમશૌર્યમાં સત્વ, ઘણું છે પીઓ કહાવો.

કહાવો કહો કહો સુરા, સુરા પણ સુધા સમોવડ;

પિઓ પિઓ રસ, કસે લઇ જસ તડભડ,

પ્રેમવનાં શૂં અહીં, તહીં શું પ્રેમવનાંનૂં;

પ્રેમ પ્રેમમય જગત, પ્રેમથી મુક્તી માનું.

ઉત્પતિ સ્થિતિ તેહ, પ્રેમથી થયાં કરે છે;

પ્રેમ જગતનું તેજ, એથિ સહુ ચળકી રહે છે.

ઈચ્છા આકર્ષણ, મૂળ વેદાન્ત કહે છે;

હું કહું બે તત્ત્વ પ્રેમમાં નિત્ય રહે છે.

સાધુ સંત કવિ ભક્ત, જ્ઞાનિ તપ કરતો જોગી;

પ્રેમશૌર્યથી થાય, ચિદાનંદકેરો ભોગી.

ધર્મ અર્થ ને કામ, મોક્ષ મળતાં પ્રેમે;

મનવચકર્મે એહ, ખરો દાખવવો નેમે.

તુજ મુજ પ્રેમે જાય, થાય મ્હારૂં ને મ્હરૂં;

પછી સાહ્ય ને શૌર્ય, કરૂં શત્રુને મારૂં.

પ્રેમથકી છે શૌર્ય, શૌર્યથી પ્રેમ મચે છે;

સ્વર્ગ મૃત્યુ પાતાળ પ્રેમ શૌર્ય દીપે છે.

પ્રેમ શૌર્ય ના હોત, જગત ના તેજી મારત;

સ્વાભાવિકને કેમ, પુષ્ટ ના કરવાં આરત?

મનુશાદેહમાં પ્રેમ, દેશનો સહુથી ઊંચો;

સમજિ દાખવે જેહ, તે નર જાણો ઊંચો;

ગયૂં ગમે ત્હાં હોય, ઘેર આવ્વું જન તાકે;

એવો ઘર પર પ્રેમ, મ્હારું મ્હારું સહુ ભાખે.

એમ કહે જે જંન, માતબર હોએ ઝાઝૂં;

પશુ પણ નહિં પાપાણ, હુનાથી હૂં તો દાઝૂં.

એવાંને ધિઃકાર, માન આપે ત્હેને પણ;

પલીત રાખસ તેહ, વસે નહિં કોઇને મન.

નીજ ભૂમિ છે માત, પ્રેમ તેસૂં સ્વાભાવિક;

થોડા જાણે હોય, જાણે ત્હેને તો ધિક.

દેશ-ભક્તિ-અભિમાન, જેહ રાખે તે માણસ;

ઢોર જાણે કાંઇ, ભણે માણસ શૂં જસ જસ?

છે સઘળા નિજ ભાઈ, દેશ ભૂમિ સહુની મા.

હોય જહાં સમજ, થાય ત્યાં જસની સીમા;

સુખી દેશ કહેવાય, હોય જો સુખિયાં ઘર જન;

સુખિયાં ઘર જન તહાં, જહાં પ્રેમી શૂરાં મન.

પ્રેમશૌર્યની વાત, સૂણવી કરવી ભાવે;

(પણ) બ્હાર કહાડતાં તેહ, જનો ઝાઝા અળસાએ.

કાયર બ્હીકણ થાય, પછી ઝાઝા રીબાએ;

એવી હાલત હાલ, લોકમાં તો દેખાએ.

કરડે માકણ જૂ, વળી કાંટો બહુ સાલે;

તોય કરે ઉપાય, મરે વ્હેમોને ભાલે.

ઈશ્વરથી નવ ડરે, શાસ્ત્રશિક્ષાથી પણ તે;

વ્હેમ લાજથી ડરે, એહવાં જનનાં મન છે.

સુધારવી સ્થિતિ નીજ, એહ આજ્ઞા ઈશ્વરની;

સ્વભાવ સહુનો તેમ, તેવિ ઇચ્છા મુનિવરની.

એમ છતે દુખ ખમે, વ્હેમનાં બંધનથી જે;

કાં ગણાએ તુચ્છ, દાસ નીચા પશુથી તે?

તજતાં વ્હેમી વર્ગ, લહો જનમોત આવ્યૂં;

ધિ:ક ધિઃક નર નાર, રિબાવ્યું જો છે ભાવ્યૂં.

ઇશે આપ્યું શૌર્ય, દુખમાંથી નીકળવા;

નીકળતાં ખમિ દુ:ખ નીકળે સુખમાં ફરવા.

મરવાથી જો બિહે, જાય નહિં રણમાં કોઈ;

લોકમારથી ડરે, રહે જન રોજ રોઈ;

ખમો શરીરે દુઃખ, રિબાઓ ધન વણ વારૂ;

ખપો ઘેલમાં તોય, મરો સદ્કીર્તી સારૂ.

મૂર્ખ હતા શું તેહ, ટહાડ તડકો બહુ વેઠી;

તજી ધંન પ્રિય જંન, નાખિ રણમાં દેહ હેઠી.

ઉપદેશક શું મૂર્ખ, ખમ્યાં દુખ ઝાઝાં જેણે;

કર્યો જંનને બોધ, નહિં ધન છે બહુ તેને.

તજતાં વ્હેમો જંન, વેઠશે દુખ દારુણ પણ;

પ્હેલ કરતાં તેહ, સૂણશે સંધેથી ‘ધંન'.

સમજુક શૂરો તેહ, દુઃખને લેસ ગણે નહિં;

દુ:ખ ખમે તે શૂર, માન પામે અંતે સહિ.

સમજે નહિં જન તેહ, દોષ સાહસનો બોલે;

પણ ફળ જવ શુભ જોય, વાહ કહિ આંખો ખોલે.

જસમાં જીવવું ઠીક, ઘણા એવા મળિ આવે;

જસમાં મરવું તેહ, અંશિ થોડાંને ભાવે.

મરણ મનુશને છે જ, ગમે ત્યારે પણ ભાઇ;

મરવું યશમાં કેમ, બતાવીને મર્દાઈ?

મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે;

કનક કામિની તજી, સજી રણમાં જઈ હાલે.

મર્દ તેહનૂં નામ, ડરે નહિં રણે જવાથી;

હોંસે ચ્હડે તોખાર, ડગે નહિં રિપૂ મળ્યાથી.

મર્દ તેહનૂં નામ, મરે પણ પણ નવ મૂકે;

ધીર ધરી શૂરભેર, તાક્યું નીશાન ચૂકે.

મર્દ તેહનૂં નામ, સિંગથી શૂર વધારે;

તોપ ભડાકા કરે, તેમ તે ધસે પુકારે;

મર્દ તેહનૂં નામ, ચળકતાં શસ્ત્રો જોઈ;

ઉછળી કરતો હાથ, કીર્તિ ઉજળી પર મ્હોઈ.

મર્દ તેહનૂં નામ, લોહીની નદિયો દેખી;

ધડ માથા ને હાડ, કાંપતો નહિં જે ટેકી.

મર્દ તેહનૂં નામ, સાથિ સામૂં નવ જોએ;

જુક્તિ સાથ બળથકી, લડતો રૂડો સ્હોએ.

મર્દ તેહનું નામ, રડે નહિં ઘાવ લિધાથી;

પડ્યો પડ્યો પણ કહે, હાડ શત્રૂને અહાંથી.

મર્દ તેહનૂં નામ, ભોગવે શ્રમે રળેલૂં;

સિંહ સરીખો તેહ, ખાય નહિં ઘાસ પડેલૂં.

મર્દ તેહનૂં નામ, દેશિ સારૂ લડિ મરતો;

જુગ જુગ જાગે જાગ, નામ પોતાનું કરતો.

ઉઠો ઉઠો રે ભાઈ, ડરો નહિ વ્હેમ મમતથી;

મારીને લપડાક, છુટા પડિ રહો ગંમતથી.

એક એક પછિ એક, એમ મંડળ વધિ જાએ;

પ્રથમ પામે દુ:ખ, કોઈ સાથી નવ થાએ.

એક વીરનૂં કામ, સાથી સહુ સ્હેજે મળતા;

પણ તે કહાં છે રામ, હાય વ્હેમો બહુ નડતા.

કદી મળ્યો નહિ સાથ, તો શું બ્હી જોયાં કરવું;

પ્રભુ સમરી ને હામ, ભિડી સહુનું દુઃખ હરવૂં.

સૂધૂં કરતાં ઉધૂં, કદી વેળાએ થાએ;

જ્ઞાનિ કહાડે વાંક, દૈવનો વાંક મનાએ.

ઉપરા ઉપરી હાર, તમે ખાધી છે ભારે;

થયાછ બહુ કમજોર, કારિ લાગ્યા છે ઘા રે.

વાત ખરી છે તોયે, બેસ શું રોયાં કરવૂં;

શુરવીરનૂં કામ, ફરીથી લડતાં મરવું.

મળે જો લડતાં યશ, સફળ સઘળો શ્રમ થાએ;

મરણ થાય તોપણ, જગત સહુ કીર્તિ ગાએ.

હાર જીત છે બાજી, જાણિ મરદો રાચે;

રણ શોધતાં રેહ, મરણ જેને તુછ સાચે.

સુઘડ સુંદરી નાર, મર્દ પર થાય ફિદા બહુ;

જંગગર્દ જે મર્દ, તેહસૂં પરણે તે સહુ.

જેણે લીધા ઘાવ, તેહને જન બહુ ગાએ;

ગુલામડા કાએર, ધિઃકથી મુઆ ગણાએ.

ધિઃક થાએ ભાઈ, જગતમાં તમને માટે.

જુઓ જુઓ નિજ હાલ, કહૂં છૂં સારાં માટે.

રોજ રિબાઓ છો જ, સ્વદેશી પરદેશીથી;

છુટની વાતોમાંહ્ય, કેમ રહો છો સુસ્તીથી?

બાળક બૈરાં વૃદ્ધ, ગણાએ જે લાચારે.

દાસપણાંમાં તેહ, પિડાએ છે રે ભારે.

ભાંય ધંનની સાથ, સહૂ સુખસતા ગઈ ને;

જોયાં કરવૂં જોગ સાથ, આપણે મરદે બ્હીને?

સ્વતંત્રતા ને હક્ક, ના ખોવાં હૂંપણથી;

માણસોનો ધર્મ, લહો સાચું દૃઢ મનથી.

‘નહીં ખોઈશું હમે, હમારા હક જિવ જાતે;'

લડી રાખશૂં તેહ, છોકરાંઓને માટે.

‘સાચવશૂં ધરિ ટેક, મરીશું સાચવતાં કે;'

‘લડે છોકરાં તેમ લડી તે હક લઈ રાખે.’

ઠામ ઠામ હરદમ, ભણાશે એવું ક્યારે?

દરબારોની વાત, ઝાઝિ ચરચાશે ત્યારે.

વધશે બહુ વેપાર, ભણ્યા જન થાશે જ્યારે;

તન મન થાશે પુષ્ટ, મુકાશે વ્હેમો ત્યારે.

સ્વતંત્રતાને કાજ, શૌર્ય ના કહાડે જે કો;

પામે નહિ કદિ સૂખ, અહીં તહિં સાચૂં તે કો.

વિના શૌર્ય નહિં તુટે, જાતિનાં બંધન મ્હોટાં;

વિના શૌર્ય નહિં ઘટે, પુજાના ઠાઠો ખોટા.

વિના શૌર્ય નહિં વધે, સ્નેહ સાચા દેશીમાં;

વિના શૌર્ય નહિ ઐક્ય, થાય કોદી દેશીમાં.

વિના વાણીનું ઐક્ય, વિના કહું ઐક્ય ધરમનૂં;

રાજઐક્ય વણ જોર, નકામું દેશીજનનૂં.

કરવા સારૂ ઐક્ય, પ્રેમ ને શૌર્ય ગજાવો;

ફેરફાર કરિ દઈ, પછી સ્થિરતામાં આવો.

પ્હેલે વિદ્યાભ્યાસ, કરો શ્રમ લઈને ભાઈ;

સમજી સારાસાર, સારને લેજો સ્હાઈ.

સદવસ્તૂનું ગ્રહણ, કરંતા વિઘનો નડશે;

પ્રેમિ શૂર ત્યાં થજો, એટલે રસ્તો જડશે.

સત્ય વાત પર પ્રેમ, રાખિને રહેશો દૃઢ થઈ;

સત્સુખકેરા ભોગ, ભલા ભોગવશો સહુ સહિ.

વ્હેમયવનની સાથ, સુધારાદિત્ય લડે છે;

ભર્ત ખંડમાં જુદ્ધ, કહૂં ચોમેર મચે છે.

વ્હેમી બહુ ગુજરાત, તહાં સૂધારા પક્ષી;

સેનાનીમાં એક, કવી નર્મદ છે લક્ષી.

પ્રેમશૌર્યમાં મગ્ન, હાલ કડખેદ બન્યો છે;

ઝંપલાવવા રણે, વાલ તે જોઈ રહ્યો છે.

દાખવવાને હાથ, નથી રણરંગભૂમી કો;

દેશ-સમય-જનરંગ, જોઉ છું મૂળે ફીકો.

નથી સેન તૈયાર, એક પણ વાતે હમણાં;

નથી પ્રેમ ને નેમ, શૌર્યનાં તો છે સમણાં.

તો પછિ હોએ કેમ, ભલાં હિંમત ને સાહસ?

એમ રહૂં છૂં હાલ, લડ્યા વણ હોએ શો જસ?

ભાગ ૩જો : આશા

(રોલાવૃત.)

પ્રેમશૌર્યથી લડી, રળો સદકીર્તી સ્થાઈ;

પૂર્વકાંડમાં કહ્યું, ઉઠો વ્હેલા સહુ ભાઈ.

ભલો ઉંચો ઉદ્દેશ, કીર્તિ કિલ્લો લેવાનો;

કૃતાર્થ જેથી અહીં, પછી થઈયે ઝટ માનો.

હતો તમારો દેશ, નથી તે આજ તમારો.

દાસપણામાં સૂખ, કુલીનો શૂં વિચારો.

ગમે તેહવો ત્રાસ, દેશિ રાજ્યોથી હોએ;

નીજ વડિલોનો લહી, ઝાઝું તો જન નવ રોએ.

કુસંપ ઘરમાં હોય. તોય સહુ ભેગા થાએ;

જારે ઘર હક સૂખ, લૂટવા પરજન આવે.

સ્વાભાવિક તોય, અંગબળ મળે તેથી;

કુસંપ નિકળ્યો બ્હાર, ફાવ્યું ત્રીજાનૂં જેથી.

દેશિરાજથી સૂખ, દેશિ પરજાને હોએ;

તનમનધનબળ તેહ, સર્વના સંધે સ્હોએ.

પ્રેમ શૌર્ય છે શસ્ત્ર, કીર્તિ કિલ્લો લેવાનાં;

ગાતાં ગુણ બળ તેહ, ભર્યાં છે ઝાઝાં પાનાં.

રામબાણ શસ્ત્ર, કીર્તિ અર્થે વાપરતાં;

આશાને લહિ વાઘ, જીતો ઉસકરૈ લડતાં.

અમર અમર છે આશ, મનુષપ્રાણીને જારે;

હારિ બેસવું કેમ, કેમ ના લડવૂં ત્યારે.

નથી લોભ ઉદ્દેશ, ભલો છે ખોયૂં લેવે;

આશ ફળે નવ કેમ, મુકી મિથ્યા શું દેવે?

કદી ફળી નહિ તોય, લાભ શૂં નથી બિજા રે;

એથી જીવે જંન કરે છે કામો ભારે.

ફળે જનને તોય, ફળે તેના વારસને;

ફળે એને તોય, ફળે એના વારસને.

સદઉદ્દેશે આશ, ફળે કોદી સિદ્ધાંતે;

કાં નવ કરવો શ્રંમ, મોત થાતાં લગિં ખાંતે.

આવ્યો યશ, એમ ભણકારા થાએ;

એથી ચડતું શૂર, લડતાં યશો સુહાએ.

હાર થાય તેથકી, મળે નહિ ઝટ સુખ સાજે;

તોપણ મોટો લાભ, જગતમાં કીર્તિ ગાજે.

*

દિવસ હતો છે રાત, વળી પાછો દી ઉગશે;

તનમનધનબળ તેહ, ફરીથી બ્હાર નિકળશે.

કસરત કરશે પુરુષ, નિરોગી પુષ્ટ થશે બહુ;

સ્ત્રિયો તેમની સાથ, હવા રૂડી લેશે સહુ.

વિદ્યા કળા અનેક, ઉદ્યમે વધતાં જાશેઃ

ધંન આવશે તેમ, દેશિઓ સૂખી થાશે.

કરવો વિદ્યાભ્યાસ, ઉંચી સંગતિમાં રહેવૂં;

ચડવાના ઊપાય, જેથિ સુખ ઊંચું લેવું.

કુટુંબ ઉજળૂં સ્હોય, ક્લેશ કંકાસ દિસે નહિ;

પ્રેમી નર ને નાર, સુખે બહુ કામ કરે સહિ.

બાળલગ્ન નહિં થાય, સ્વયંવરથી પરણાશે;

સમજૂ સ્ત્રીથી બાળ, સુઘડ રીતે ઉછરાશે.

નીતિબંધનો તૂટે પરસ્પર જમવું થાશે;

મૈત્રી વધશે તેમ, સંપથી બહુ રહેવાશે.

જશે જંન પરદેશ, નવું ત્હાં જઇને જોશે;

આવિને નિજ દેશ, શોભતો કરશે હોંસે.

જાતિભેદ ટળિ જશે, પંથ પાખંડી ઘટશે;

એક ધર્મના સર્વ, હિંદુઓ તારે બનશે.

નિરાકાર જગનાથ, તેહને ધ્યાને પુજાશે;

ગાશે શક્તિ અગાધ, જંન ઠાઠોને તજશે.

ભય બહુ રાખી રોજ, જગતના નીમો જોઈ;

સત્સંગી જન થશે, ભૂલશે નહિ તે મોહી.

ગ્રંથો વધશે તેમ, કુલીન થઇ યશ લેવાશે;

ઊંચાં સુખમાં પછી, આપણાથી રહેવાશે.

કમાવવા આવિયા, અંગરેજો અંહિયાં જે;

હાલ કરે છે રાજ, આપણાં તે નીરાંતે.

હિતૂ આપણા તેહ, ખાંતથી શિખવે છે તે;

ક્યારે થઇયે સર્વ, સમજતા છુટશૂં છે તે!

નથી આપણે યોગ્ય, રાજ કરવે હમણાં રે;

સુખ કરે તે રાજ, આપિ હક પ્રજાતણા રે.

ખરૂં કહેવું તો જ, પ્રદેશી દેશી બદલે;

કારભારી થઈ, રાજ દેશીનૂં ચલવે.

નથી હરામી તેહ, આપણો હક દઈ દેશે.

એમ કરતાં કદી, લોભમાં હક નહિ દેશે;

સામા થઇશું તોય, ખોટું ઈશ્વર નહિં કહેશે.

ફાવ્યા તો છે ઠીક, સોંપ્યું તે પાછું મળશે;

નવ ફાવ્યા તોપણ, કંઈ પણ તેમાં વળશે.

ઇંગ્લેંડથી છુટી, અહીં નિત રાજ ચલવશે;

રાણિવંશજો તેથિ, આપણી સંપત વધશે.

મોગલાઈની પઠે, અંગરેજી અહિં રેશે;

તેથી તન મન ધંન, દેશિના દીપી રહેશે.

આશા મુજ ફળો, આશ છે. સદ્દઉદ્દેશ;

ઈશ્વર કરજે સાહ્ય, ફરી ફરીએ શુભ વેશે!

જડી બુટ્ટી છે આશ, બેન મૂર્છીત સજીવન;

ઉદ્યમ છે અનુપાન, તાજુ કરિ દેવું તનમન.

પછિ અનુભવવાં, શસ્ર, પ્રેમ ને શૌર્યતણાં તે;

કીર્તી કિલ્લે ધજા, ઉડવવી નીત નીરાંતે.

જંન ગમે તે કહો, લાગ્યું તેવું દરસાવ્યું;

નર્મદ જોયે પ્રશ્ન, ટાણું તો ઢુંકડે આવ્યું

(સુરત તા. મીથી તે ૧૭ મી ડીસંબર ૧૮૬૬ સુધી)

***

(૩ ભાગની કુલ ૧પ૦૦ જેટલી પંક્તિઓના દીર્ઘ કાવ્યમાંથી મુખ્ય અંશોનું ચયન કર્યું છે. -સંપાદક)

રસપ્રદ તથ્યો

[લેખકની પ્રાસ્તાવિક નોંધમાંથી] હિંદુઓની હાલની પડતી હાલત, તે કેમ થઈ, અને તેઓની પાછી ચઢતી કેમ થાય એ વિષે મારે ગ્રંથ રચવાનો વિચાર હતો. પણ મોટો ગ્રંથ રચવામાં નિરાંત તથા એકચિત્તવૃત્તિ જોઇયે તે અત્રે મુંબઇમાં ન મળવાથી અને વળી લોકની તરફથી ઊત્તેજન પણ નહીં તેથી એ ગ્રંથને લંબાવવાની વાત છોડી દઇ માત્ર હિંદુઓની હાલની પડતી હાલત સંબંધી લખવાનો વિચાર રાખી મેં મારી ફુરસદે છુટક છુટક કંઇ કંઇ લખ્યું છે અને એ ખોવાઈ ન જાય માટે આ છપાવ્યું છે. મારો અસલથી જ વિચાર કે એક મોટો ગ્રંથ કરવો અને બને તો જેને અંગ્રેજીમાં ‘એપિક’ કહે છે તેવો કરવો. પણ ‘એપિક’ લખવામાં નિરાંત, એકચિત્તવૃત્તિ તથા ઉલ્હાસની સાથે આ દેશના ઇતિહાસમાંથી લિધેલી એક સુરસ વાતમાંનો યોગ્ય નાયક જોઇયે. અને પછિ એ લાંબો વિષય આડકથાઓથી સણગારીને એકજ વૃત્તમાં લખવો જોઇયે.. રામાયણ, મહાભારત, ભાગવત સિવાયે અને કેટલાએક રજપુતોની વાતો સિવાયે આપણામાં એવું બીજુ કંઇ નથી કે જેમાંથી લંબાવવા જેવું સારૂં પ્રકરણ મળી આવે. તેમ, હાલના લોકોને રામાયણ મહાભારત ભાગવત જેવા ધર્મસંબંધી પુસ્તકોમાંથી લિધેલી વાત ઘણી ખરી જાણીતી તેથી પસંદ ના પડે અને કેટલાએક એમ પણ કેહે છે કે સારો પાયો હોય તો સહુ ઈમારત ચણે તેમાં વધારે શું? વળી, એવી રીતના ઘણા ગ્રંથો, સંસ્કૃત પ્રાકૃત ભાષાઓમાં છે. એ બધાં કારણો ઉપરથી મેં ધાર્યું કે કોઇમાંથી કંઈ ન લેતાં એક કલ્પિત નાયક રાખી કામ ચલાવવું. મોટો ગ્રંથ કરવાના વિચારમાં મેં ચાર પાંચ વિષયો શોધી કાઢ્યા છે અને ખરેખર તે એવા છે કે મારાથી અથવા કોઈનાથી પણ જો તે લખાય તો તે ઘણા સરસ બની લોકોપયોગી થઇ પડે. હાલમાં કંઈ તે મારાથી લખાય તેમ નથી. માટે જેનાથી લખાય તેણે બેલાશક લખવા. હિંદુઓની પડતીનો મેં ગયા અકટોબરમાં પ્રારંભ કર્યો હતો પણ વચમાં મારા પિતાના મંદવાડ-મોતથી મારે ચાર પાંચ વાર સુરત જઈ રહેવું પડ્યું તેથી અને તાંહાંથી આવ્યા પછી કોશનું કામ કરવું પડ્યું તેથી વચગાળે વચગાળે તુટક તુટક કંઈ કંઈ લખ્યું છે ને એ લખતાં જે વખત ગયો છે તે બે મહિનાથી વધારે નહીં હોય. (આગસ્ટ.૧૮૬૪)

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ નર્મદ (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સંપાદક : રમણ સોની
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2023