alvidaa - Dirgh Kavya | RekhtaGujarati

‘My mind is set on death, on death, I tell you.’

Sophocles : “Philoctetes.”

‘They will never come back. There is no bow for

them to take now…’

Andre Gide : “Philoctetes.”

પચપચ પાકેલા ફળને

ભીતરમાં ઊંડે ઊંડે

કોરે કોઈ કીડો.

લંગર તો છૂટવાની વેળા

હંસલાની પાંખ જેવાં શ્વેત સઢ

પવનમાં ફરફરે

ભૂમિતટ છોડવાને

એજિયન સમુદ્રના તરંગ પે

થનગન જહાજ.

પરંતુ

મન મારૂં માને નહીં

પ્રિય મારા દ્વીપ તને

અલવિદા કહેવાને.

અણજાણ ભૂલ છતાં

કાયસનો સર્પદંશ :

અસ્થિઓ તો સળી ગયાં,

ફદફદી ગયું માંસ

રક્તનું તો પરુ વિષે રૂપાંતર,

ચીસાચીસ ને દુર્ગંધ,

છતાંય હું માણસતો ખરો ને!

કોટિકોટિ મનુષ્યના જેવો

હું એક જીવતો જાગતો મનુષ્ય

હે ઓડિસ્યૂસ!

નિર્જન ને હિમ જડ્યા

લેમ્રોસના દ્વીપ પર

તરછોડ્યો

એકલો અટૂલો મને,

અકિંચન.

પાસે મારા રોટલાના દસબાર ટુકડાઓ,

ચીથરાં બે ચાર,

મદિરાની વાત કશી!

પથ્થરના તણખાથી બરફને પિગળાવી

પીધું છે મેં પાણી,

તરસ્યા છે કાન મારા સાંભળવા માનવની વાણી,

સિંદૂરી કીડીની જેમ રૂંવે રૂંવે ચટકતી એકલતા,

હેરે ક્લિસનાં ધનુષ્ય ને બાણ,

આજીવિકા મારી,

મારા શ્વાસ અને પ્રાણ

પલેપલ પોકાર્યું છે મોતને મેં,

આવ, પ્લુટો, આવ

બોલાવી લે, પાતાળને દેવ, મને બોલાવી લે,

પેટાળમાં તારા,

મિથ્યા મારી અરજ ને કાલાવાલા.

નિર્જનતા મારાં મિત્ર ને સ્વજન

જનેતાના ઉદરની જેમ

દસદસ વર્ષ સુધી ગુફાએ આપી છે મને હૂંફ,

સમુદ્રએ ઘૂંટી ઘૂંટી ગાયું મારી વેદનાનું ગાન,

પહાડોએ પોતાના માનીને

મારા ચિત્કારોનો પાડ્યો પ્રતિઘોષ

એકાંત મેં ધીમે ધીમે ઘોળી પીધું,

બની ગયો ચિંતક હું

બની ગયો કવિ.

એકાકીપણાનું રચ્યું શાસ્ત્ર, ગાયાં ગીત,

ગળું મારું ગાનારું

ને ઝીલનારા કાન મારા,

સ્વાયત્ત હું,

હું સ્વયંપર્યાપ્ત!

ભલો હું ને ભલું મારૂં રમણીય સ્વપ્નનીડ :

ચારેકોરે મઘમઘતી મારા મનની લીલા!

સરી ગયાં સૌ દૂર દૂર, છટ

લોક, લોકનાં છલબલ,

અતીતને ખંખેરી નાંખી

જીવું આજની પલપલ,

એકલવાયો આલાપું હું નેહગાન મરમીલાં,

ચારેકોરે મઘમઘતી મારા મનની લીલા.

અચાનક

ક્યાંથી અહીં કાળીકાળી જહાજની ચીસ?

અચાનક

ક્યાંથી અહીં કર્કશા મનુષ્યનો પડછાયો?

અચાનક

ક્યાંથી અહીં વળી પાછો પેલો ઓડિસ્યૂસ?

માનવતા દ્રોહી, કપટી ને ચાલબાજ

બાજ બની ત્રાટકતો

છિન્ન ભિન્ન, હાય, મારૂં સ્વપ્નનીડ!

સાથે એની કોણ યુવાન?

લીલાલીલા ઘાસ પર ઝિલાયેલા

ઝાકળના જલ જેવો,

નિર્દોષ નિર્મળ

મિત્ર પુત્ર નિયોટોલિમસ!

‘નમસ્કાર!

ટેલેનેસનું કથન છે કે

તમારાં ધનુષ્ય ને બાણ,

ગ્રીસ માટે માત્ર એક પરિત્રાણ

ગ્રીસનો વિજય એમાં,

એમાં ટ્રૉયનું પતન,

રૂઝી જશે વ્રણ વળી થશે નિરામય તન.’

મમતાથી ભીનાભીના બોલે મને બાંધી લીધો,

પ્રયાણની વેળા હવે.

પચપચ પાકેલા ફળને

ભીતરમાં ઊંડે ઊંડે

કોરે એક કીડો :

ફટ, ભૂંડા, ફટ,

લીલાંછમ હજી તારા આશા અરમાન!

વાહ, કશી લૂમે ઝૂમે હજી તારી એષણાની વેલ!

ઢીંચવી છે હજી તારે વિજયની સુરા!

ઝીલવા છે હજી તારે વિજયનાં યશોગાન!

બોલ,

દસદસ વર્ષ વીત્યાં

ગ્રીસે કદી તને યાદ કર્યો?

ગ્રીસના વિજય સાથે તારે કશી લેવા દેવા?

ટ્રૉયના પતન સાથે તારે કશી લેવા દેવા?

નથી તું ગ્રીક

કે નથી તું ટ્રૉજન,

એકાકી ને અટુલો તું અલગારી જન,

જાત શત્રું!

મિત્ર દ્રોહ કરતાં હીણો નહીં આત્મ દ્રોહ?

દુષ્ટ એવા દેવની કૃપા મને ખપે નહીં,

અવજ્ઞાની પીડા ભૂંડી, ભલી મારી વ્રણ વ્યથા.

ગ્રીસના મહાનુભાવો,

તમે મને મૃત જેવોં માની લીધો

તો ભલે હવે સદા કાળ મૃત રહું,

જાવ

બહિષ્કૃત હવે કરે સમગ્રનો બહિષ્કાર!

વત્સ નિયોટોલિમસ,

વિજય હો તારી,

લઈજા બાણ ને ધનુષ્ય

નિઃશસ્ત્ર હુ રિક્તપાણિ

આવે તો માત્ર હવે મોત આવે

ફરીવાર ફરકો ના કોઈ કદી મારી પાસે

અ...લ...વિ...દા

હે મનુષ્ય!

સ્રોત

  • પુસ્તક : પલછિન (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સર્જક : દિનેશ કોઠારી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2009