aa dhruwpad - Dirgh Kavya | RekhtaGujarati

આ ધ્રુવપદ

aa dhruwpad

સુન્દરમ્ સુન્દરમ્
આ ધ્રુવપદ
સુન્દરમ્

ગયો થંભી ત્યારે પિક ટહુકતો, ગાન સ્ફુરતાં

કવિની વીણાનું, વન વન શું રોમાંચ પ્રગટ્યો,

ઉઠ્યા ગુંજી ભૃંગો, કુસુમ કુસુમે રાગ પ્રજળ્યો,

વહ્યા એના શીળા સ્વર મૃદુલ ગીતિ નિતરતાઃ

પધારો, પંખીડાં, પ્રકૃતિજનનીનાં શિશુવરો,

તમોને આમંત્રુ મુજ નવલ પાંખોની ડયને,

નવાં ઉદ્યાનોની નવ સુરભિના પુષ્પ-ચયને,

ચલો ભેરુ, ભૂરાં ગહન ગગને પાંખ પસરો.

અહો, પંખી મારાં, ગગન નિરખો બિંબ રવિનું

મહા મધ્યાહ્ને પ્રખર લસતું પૂર્ણ કિરણે, ૧૦

ધરાને તેજસ્વી મુકુટ મઢતું; ભવ્ય સ્ફુરણે

દિશાઓ આંજતું બૃહદ ઋત લૈ દિવ્ય કવિનું.

છતાં કાળે શી શિથિલ બનતી જીવનગતિ!

હજી શું પૃથ્વીનું હૃદય શિશુનું? પૂર્ણ દ્યુતિને

શકે ઝીલી ના ના નયન કુમળાં, બાલમતિને

કરી નાના નાના કવલ ઋતના દેતી પ્રકૃતિ.

ચલો, મારાં નાનાં વિહગ, ઘનકુંજે તરુ તણી,

વિરામો વિશ્રમ્ભે, શિથિલ તનને શાંતિ અરપો,

ચુગો તાજાં કૂણાં તરુફલ અને આત્મ તરપો,

ઝમંતાં આછેરાં કિરણ તણી પીતાં દ્યુતિકણી. ર૦

અને પંખી! કૂજો મધુર મધુરું નિત્ય નરવું,

કશી ઘેરી કુંજો તરુવિટપની શીતલતમ,

ઝુકી ભૂમિ પોતે નિજ ઉપર, શા સાધી ઉગમ,

મઢી લીધું હૈયું હરિત કરથી પીન ગરવું.

તૃણોના લાંબા પટ દુપટ કેવા મનહર,

અને કાન્તારોની અગમ ગહના રાજિ અગણ,

વળી થોડું રાખ્યું હૃદય પણ નિર્વારિ અતૃણુ,

ધર્યાં શીર્ષે પાયે હિમધવલનાં મંડનવર.

અને પેલો પેલો સતત છલતો અબ્ધિ અમિત!

ધરાનો રત્નોના નિકર, રસનો રાશિ અખુટ, ૩૦

મહા ઊર્મિશૃંગે રિવિકરણના ધારી મુકુટ,

હજારો શીર્ષાળો હરિશયન નારા-કુલપિતા.

જુઓ, કેવાં કેવાં વિલસત મહા ભૂત અહિંયાઃ

દિશાઓને છાતું ગગન ઢળ્યું, શું ઈશ -હૃદય,

તમારી પાંખોને ફલક અરપે; વિશ્વ-નિચય

ત્યહીં ઘૂમે ઝૂમે, કિરણગતિ યે જાય રહી ત્યાં.

વહે હૈયાના શ્વસન સરખો વાયુ ભુવને,

કુલો કાન્તારોનાં, જલ જલધિનાં સ્પર્શી, જગવે

હિલેાળા ઝંઝાના, તૃણ મૃદુલ ફૂંકે નચવે,

સુગંધાનો વાહી ગિરિગુહ સુવે સ્વર્ણ સુપને; ૪૦

અને જાગે તાજા શિશુ-ઉર વિષે ક્રન્દન બની,

સમસ્તાં પ્રાણીમાં રુધિર-સ્ફુરણા થૈ વિચરતો,

સ્વરોનું પૃથ્વીને પ્રથમ નવલું દાન કરતો,

તમારા કંઠોમાં અનુરણન સાધે રણઝણી.

કુજો ને કલ્લોલો, જગત ભરતા વિશ્વમરુતો,

ઉરે ભારી, ધારી ધરતી ઉરની હૂંફ ઉરમાં,

ચુગંતાં વૃક્ષોનાં ફલ, જલ પિતાં રમ્ય ઝરમાં,

જગન્નાથે સર્જ્યાં સકલ પરખંતાં મધુ ઋતો.

પ્રતાપી પૂષાના પ્રખર કર પૃથ્વીશિશુમુખે

જુઓ કેવી સીંચે પયધર થકી મોખ પયની, પ૦

અને વર્ધે પૃથ્વી શત શત કલામાં ઉદયની,

કરોડો કોશેામાં વિકસી વિલસે પ્રાણઝરુખે.

રસોના ઉત્સો શા ધસમસ ધસે અંકુર બની,

પ્રતિ પર્વે પર્વે મધુતર બને, પુષ્પ વિકસે

કશા રંગે રંગે, ફલ પરિણમે શાં ખટ રસે,

બલિષ્ઠાં ધાન્યોની વિપુલ ભરણી જાય ગણી.

ધરા સૌની માતા, સકલ જીવનું ધારણ કરે,

સુગોપે કાંટાથી મૃદુ કુસુમને, ઝાંખરપટે

કુંળાં પ્રાણી રક્ષે. વિષ મુખ વિષે દેઈ પ્રકટે

અમી દૃષ્ટિ એની, ક્યહીં અણુ ના ઊણી ઉતરે. ૬૦

અને હૈયે ભાર્યાં રતન મણિ સૌવર્ણ ખનિજો-

તણી ખાણો ખોલે, મનુજમતિમાં પ્રેરણ થઈ,

ખનિત્રો જાતે થૈ, વસતી બસ એને કર જઈ,

રચે રિદ્ધિ, રાચે નિરખી વિભવે હૃષ્ટ મનુજો.

અહો, પંખી! ડંખી ગયું શું તમને નામ સુણતાં

મનુષ્યોનું? એનાં ગગન ઘુમતાં યાન હરતાં

તમારા ગર્વોને? ગરુડગતિને દીન કરતાં,

મનુષ્યો પૃથ્વીનાં ઋત તણી ઋચા ભણતાં.

પુછો એણે સાધ્યું કયું ઋત? શિકારો બહુ કર્યા

તમારા એણે તો, વિહગ શકતાં જે કરી; ૭૦

ખરું, કિંતુ એણે મનુજ પણ માર્યાં મન ભરી,

ધરા રક્તે રંગી, શિર હણી હણી ગંજ ખડકયા.

ખરે એના જેવો મદઝર અહંદર્પ ગરજ્યો

નથી કોઈ સિંહ પ્રખર, પણ એણે પ્રથમ

ધરા પે માર્યા છે નિજ મદ, રચ્યો ત્યાગ પરમ,

દઈ પેાતા કેરુ' બલિ, પથ મહા ઊર્ધ્વ સરજ્યો.

મનુષ્યે પૃથ્વીનાં સહુ મનુજ પ્રાણી વશ કર્યાં ,

પ્રભુત્વ સ્થાપ્યું નિર્દય થઈ, થયો સદય,

દ્રવ્યો શાં કારુણ્યે, સચર સઘળાં પ્રાણી હૃદય

ધરી, એણે પૃથ્વી પર પ્રણયનાં તીર્થ પ્રગટ્યાં. ૮૦

અહો, પંખી! ઝંખી પ્રથમ મનુજે ભૂતલ પરે

સુધા સ્વર્ગો કેરી, મનુજ મહીં પ્હેલું પ્રગટ્યું

જગત્ જોતું ત્રીજું નયન -મન મેધામૃત -ઘડ્યું,

ધરાતત્ત્વ લીધો નવ જનમ ચિંતનસ્તરે.

કશું શેાધ્યું એણે સકલ જડ ને સ્થૂલ જગનું,

ગયેા છેદી ભેદી અણુતમ અણુના ઉદરમાં,

ચઢયો ઊંચે ઊંચે અતલ ગગનોના કુહરમાં,

લહી સત્ત્વો કેરી વધુ અકળતા, થંભ્યું પગલું.

ખરે, પંખી! થંભી મનુજમતિ, સૌ ‘જડ’ તણી

અચૈત્યાં યંત્રો શી અબુઝ ગતિ ના, ગૂઢ ચિતિ કો ૯૦

ત્યહીં ભાસી, કેાઈ વિબુધ રચનાવંત સ્થિતિ કો

લહી આશ્ચર્યે ને વળ્યુ મનુજહૈયું નિજ ભણી.

એણે પ્રેરી દૃગ નિજ પ્રતિ, ત્યાં નિરખી

નિગૂઢાં તત્ત્વોની ખનિ, સભર ચૈતન્ય-સ્ફુરણા,

મહા સામર્થ્યોની- મુદની સરણી સ્વર્ણવરણા,

અને અંતે સૌને લહી પરતમા બ્રહ્મ-સુરખી!

અહો, માતા પૃથ્વી! કશી અકલતા કીધ કલિત,

સુગૂઢા રાશિ તેં નિજ ઉર તણા આવૃત કર્યા,

દિધાં ખેાલી તત્ત્વો, બલ અમિતનાં સ્રોવર ભર્યાં,

સજ્યો કૈં સામર્થ્યે મનુજરસ-રાગે વિગલિત. ૧૦૦

હવે આજે એવો મનુજ ધરતીને પટ ખડો

સમૃદ્ધિ પૃથ્વીની મુગટ ધરી, આભા ગગનની

ઝિલંતો નેત્રોમાં, ઝલકત મહાશક્તિ મનની

પ્રભાએ દ્યોતંતો ગિરિશિખર શો ઉન્નત વડેા.

પુછો, ઔન્નત્યે સ્થિત મનુજ કયાં ઊર્ધ્વ ચડશે?

ધરાનો પ્રાણે સ્ફુરત દ્યુતિનો પુદ્ગલ મનુ

અહીં થંભી, થાશે પ્રકૃતિ પ્રતિ વિદ્રોહક અણુ,

વિધાતાના વજ્ર શતવિધ થઈ છિન્ન, ઢળશે?

ઢળી જાશે ભોમે શત શત થઈ છિન્ન ટુકડે,

ધરાના ઊર્ધ્વાભિમુખ રસને જે ગ્રહશે, ૧૧૦

અને તેનાં અસ્થિ ઉપર રથ તે ભવ્ય વહશે

મહા મૈયા કેરો રચત પણ વજ્રી હળ વડે.

અરે, પંખી એના હળ થકી હણાયાં મનુજનાં

શવોથી પૃથ્વીનું તલ વધુ ફળદ્રૂપ બનશે,

ત્યહીં એણે વાવ્યા નવલ કણ અંકોર ગ્રહશે,

અને ઊંચે ઊંચે શિખર ખિલશે પુષ્પ ઋતનાં.

પછી ના ના એણે લઘુક મનુતાને વળગવું,

નહી નાને નાને લઘુ કરમ સાર્થકય ગણવું,

લઘુત્વે પંગુત્વે નિજ અધુરું સ્તોત્ર ભણવું,

નસીબે એને ના મનુજ રહી નિત્યે ટટળવું. ૧ર૦

જુઓ પંખી, આજે મનુજ લઘુતાને પરહરી

પરાન્તે પહેાંચ્યો છે જડ તણી, ચિદાત્માની મહતી

ગુહાઓને પેખી, પ્રકૃતિગુણની ક્લિષ્ટ દહતી

વિભેદી જંજીરો, નિજ પરમ વ્યોમે સ્થિતિ કરી.

રહસ્યો બેનાં સકલ પ્રગટાવી પ્રકૃતિ

હવે બે છેડાનાં મિલન રચવા કાં નવ ચહે?

જડત્વે નિમ્ને પરમ ચિતિ કાં વાસ ગ્રહે?

યુગોના વિચ્છેદે મિલન રચશે દિવ્ય રતિ ના?

ધરા લેશે ત્યારે નિજ વિકસને નવ્ય પગલું,

લિધેલાં વિષ્ણુએ ત્રય ક્રમણમાં ચેાથું ક્રમણ ૧૩૦

થશે, છે આશા ધરતી ઉરની, ઊર્ધ્વ ગમન

ચહંતું પૃથ્વીનું હૃદય ધબકે આર્તિ-પિગળ્યું.

અહો પંખી, છે ધ્રુવ, મનુજનું ધ્રુવપદ,

જગત્ -સંઘર્ષોની ચરમ અહીં સંવાદઘટના,

અધૂરા (આ)'દર્શોની અહી' બનવી પૂર્ણ ફલના,

બધાં અલ્પેાનુ હ્યાં પરિણમન ભૂમાયુત મુદઃ

પ્રભુત્વે આરોહી, પ્રભુ તણી લઈ સિદ્ધિ સકલ,

ધરાહૈયે પાછું અવતરિત થાવું, પ્રભુ તણી

અહીં આંકી દેવી બૃહત ઋતમુદ્રાઃ રણઝણી

રહો ભવ્યાશે વિકસિત ઉરોનાં શતદલ. ૧૪૦

વદી એવું મીથ્યાં નયન કવિએ, અંગુલિ રહી

રમી વીણાહૈયે, રણઝણ મહા साની સતત

રહી ગુંજી, ભાવિ સ્વર પરમની ભૂમિ બૃહત

રચંતી, સૃષ્ટિને વ્યથિત ઉર કો શાંતિ પ્રવહી.

(ઑગસ્ટ, ૧૯૪૩)

સ્રોત

  • પુસ્તક : યાત્રા (પૃષ્ઠ ક્રમાંક 176)
  • સર્જક : સુન્દરમ્
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1951