રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપાંચ પાંડવો વનમાં રહેતા હતા. એક દિવસ તેઓ ભૂખ અને તરસથી ખૂબ હેરાન થઈ ગયા. ઉનાળાના દિવસો હતા. બપોરની વેળા હતી. સૂરજદાદા માથા ઉપર બરોબર તપતા હતા. આસપાસ ગાઢ વન હતું. છેવટે પાંચ પાંડવો થાકીને એક વડલાની શીળી છાયા નીચે જઈને બેઠા. બધા જ ભાઈઓ તરસ લાગવાથી અકળાઈ ગયા હતા. એટલે યુધિષ્ઠિરે સૌથી નાના ભાઈ નકુલને કહ્યું :
“નકુલ, આ ઝાડ પર ચડ. બધી દિશામાં નજર કર. ક્યાંય જળાશય જેવું દેખાય છે ખરું?”
નકુલ તરત જ ઝાડ પર ચડી ગયો. આસપાસ બધે જોવા લાગ્યો. થોડી વાર પછી તે બોલ્યો :
“મોટાભાઈ, દૂર દૂર એક જળાશય જેવું દેખાય છે ખરું. ત્યાં લીલોતરી ઊગેલી હોય; પંખીઓ કલરવ કરતાં હોય એવું લાગે છે. આપ આજ્ઞા આપો. હું એ તરફ તપાસ કરી આવું.”
યુધિષ્ઠરે કહ્યું : “નકુલ, ભલે જઈ આવ. બાણના ભાથામાં પાણી ભરી આવજે.”
નકુલ તપાસ કરતો કરતો પેલા જળાશય પાસે આવી પહોંચ્યો. ત્યાં સ્વચ્છ શીતળ જળ જોઈને તેને પાણી પીવાનું મન થયું. તે પાણી પીવા વાંકો વળ્યો. ત્યાં તો નકુલે અવાજ સાંભળ્યો :
“હે ભાઈ, થોભ! સાહસ કરીશ મા. મારો નિયમ સાંભળ. પહેલાં મારા સવાલોના જવાબ આપ. પછી ખુશીથી પાણી પીજે; નહીં તો તને હાનિ થશે.”
પરંતુ નકુલને ખૂબ તરસ લાગી હતી. તેણે એ અવાજને ગણકાર્યો નહીં. તે પાણી પીવા તૈયાર થયો. તેણે જેવું પાણી પીધું કે તરત જ તે જમીન પર ઢળી પડ્યો!
આ બાજુ નકુલને આવતાં મોડું થયું; એટલે યુધિષ્ઠિરે સહદેવને મોકલ્યો. તેની પણ નકુલ જેવી જશા થઈ. ત્યાર બાદ અર્જુન ગયો. પછી ભીમ ગયો. એ બન્નેની પણ એવી જ વલે થઈ!
ચારે ભાઈઓ આવ્યા જ નહીં; એટલે છેવટે યુધિષ્ઠિર ત્યાં ગયા. જઈને જુએ છે તો આ શું? ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ જમીન પર બેભાન પડ્યા છે!
આ જોઈને યુધિષ્ઠિરને ખૂબ દુઃખ થયું. એમને મનમાં શંકા ગઈ : ‘જરૂર, જળાશયનું પાણી ઝેરી હોવું જોઈએ અથવા કોઈ અદૃશ્ય શક્તિએ મારા આવા બળવાન ભાઈને માત કર્યા હશે!’
યુધિષ્ઠિરે વિચાર્યું : “લાવ ને, જરા પાણી પી તો જોઉં! આ શી વાત છે એ તરત જણાઈ જશે.” એમ વિચારીને યુધિષ્ઠિર પાણી પીવા માટે વાંકા વળ્યા.
ત્યાં તો તેમણે અવાજ સાંભળ્યો : “હે ભાઈ, મારી વાત સાંભળ, મેં જ તારા ભાઈઓની આવી દશા કરી છે. મારો અહીંનો નિયમ છે; જે મારા સવાલોનો જવાબ આપે, તે જ આ જળાશયનું પાણી પી શકે. તારા ભાઈઓએ મારું માન્યું નહીં એટલે એમની આ દશા થઈ છે. તું પણ મારા સવાલોના જવાબ આપ. પછી સુખેથી પાણી પીજે.”
યુધિષ્ઠિર આસપાસ જુએ, તો જળાશયમાં એક બગલો ઊભો હતો! બગલાને આ રીતે બોલતો જોઈને તે ખૂબ નવાઈ પામ્યા. યુધિષ્ઠિરે બગલા ભણી જોઈને કહ્યું :
“બગલો આમ માણસની વાણીમાં બોલી ન શકે. જરૂર તમે કોઈ દેવતા હશો. પહેલાં તમે કોણ, છો એ મને કહો; પછી હું તમારા સવાલોના જવાબ આપીશ.”
એટલે બગલાએ કહ્યું : “હું યક્ષ છું.” એમ કહીને તેણે પોતાનું અસલ રૂપ પ્રગટ કર્યું.
યુધિષ્ઠિર પ્રણામ કરીને બોલ્યા : “હે યક્ષરાજ, હવે આપ ખુશીથી સવાલ પૂછો. હું મારી શક્તિ મુજબ જવાબ આપીશ.”
યક્ષે પહેલો સવાલ પૂછ્યો :
“સ્વર્ગમાં જવાનો ઉત્તમ માર્ગ ક્યો?”
યુધિષ્ઠિરે જવાબ આપ્યો :
“સદ્ગુણ-સદાચાર.”
યક્ષે બીજો સવાલ પૂછ્યો :
“સૌથી મોટો સદ્ગુણ ક્યો?”
યુધિષ્ઠિર જવાબમાં બોલ્યા :
“કોઈની અદેખાઈ ન કરવી. કોઈની નિંદા ન કરવી.”
યક્ષે ત્રીજો સવાલ પૂછ્યો :
“ક્યો માણસ એકીવખતે ધનવાન તથા ગરીબ કહેવાય?”
યુધિષ્ઠિર જવાબમાં બોલ્યા :
“જે માણસની પાસે વધારે ધન હોય, પણ બીજાને એની જરૂર હોય, તેવાને દાનમાં કશું ન આપે તે.”
યક્ષનો ચોથો સવાલ હતો :
“ગરીબ માણસ શી રીતે શ્રીમંત બની શકે?”
યુધિષ્ઠિરે જવાબ આપ્યો :
“પોતાની પાસે જે કાંઈ થોડુંઘણું હોય, તેનાથી સંતોષ માનીને.”
યક્ષે પાંચમો સવાલ પૂછ્યો :
“દુનિયા કરતાં શું ભારે છે અને વાદળાં કરતાં શું ઊંચું છે?”
યુધિષ્ઠિરે જવાબમાં કહ્યું :
“મતાપિતાનો પ્રેમ.”
યક્ષે હવે છઠ્ઠો સવાલ પૂછ્યો :
“સુખી થવાનો માર્ગ ક્યો?”
યુધિષ્ઠિરે આ સવાલનો જવાબ આપ્યો :
“સત્ય બોલવું અને દયા રાખવી.”
યુધિષ્ઠિરના છયે છ જવાબ સાંભળીને યક્ષ પ્રસન્ન થયો.
યક્ષે યુધિષ્ઠિરને કહ્યું :
“હે યુધિષ્ઠિર, તમારા બધા જવાબોથી મને ઘણો સંતોષ થયો છે. હવે તમે નિરાંતે પાણી પીઓ. વળી, તમારે જે જોઈએ તે ખુશીથી માગો. તમારા આ ભાઈઓમાંથી કોઈ પણ એકને જીવતો કરવાનું તમે માગી શકો.”
યુધિષ્ઠિર બોલ્યા : “હે મહારાજ! તમે ખરેખર પ્રસન્ન થયા હો, તો મને આટલું આપો. મારા ભાઈ નકુલને સજીવન કરો.”
આ સાંભળીને યક્ષ ખૂબ નવાઈ પામ્યો!
એ હસતાં હસતાં બોલ્યો :
અરે! યુધિષ્ઠિર, માગી માગીને તમે આ શું માગ્યું? તમે પણ ખરા છો! આ નકુલ તો માદ્રીનો દીકરો છે. એટલે એ તો તમારો સાવકો ભાઈ થાય. ભીમ અને અર્જુન તમારા સગા ભાઈ છે. કોઈ એક સગા ભાઈને સજીવન કરવાનું માગો ને? શું તમે તમારા આ બે સગા ભાઈઓને ચાહતા નથી?”
યુધિષ્ઠિર શાંત અવાજે બોલ્યા :
“હું તો મારા બધા જ ભાઈઓને સરખા ચાહું છું. મારે મન કોઈ સાવકો નથી. માદ્રીમાતા પણ મારાં જ માતા છે. કુંતીમાતા અને માદ્રીમાતા બન્ને મારે મન સરખાં છે. હે યક્ષરાજ હું તો નકુલને જ સજીવન કરવા વિનંતી કરું છું. મારા પર આટલી કૃપા કરો.
યક્ષે નવાઈ પામીને પછ્યું :
“અરે! યુધિષ્ઠિર, તમે શા માટે નકુલને સજીવન કરવાનું માગો છો?”
યુધિષ્ઠિર ગંભીર અવાજે બોલ્યા :
“હે મહારાજ, સાંભળો. હું કુંતીમાતાનો દીકરો છું. નકુલ માદ્રીમાતાનો દીકરો છે. માદ્રીમાતા અમારા પિતા પાંડુરાજા સાથે સતી થયાં. તે વખતે માદ્રીમાતાએ પોતાના બે દીકરા સહદેવ અને નકુલને કુંતીમાતાને સોંપ્યા હતા. કુંતીમાતા એ બન્ને ઉપર પણ અમારા જેટલું જ હેત રાખે છે. એમને મન એમના ત્રણ દીકરા યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન જેટલા જ સહદેવ અને નકુલ પણ છે.
હવે વનવાસ પછી અમે પાછા ઘેર જઈશું તે વખતે અમે પાંચ ભાઈઓમાંથી માત્ર બેને જ જીવતા આવેલા કુંતીમાતા જોશે. એ જોઈને માતા ખૂબ દુઃખ પામશે; પરંતુ એમાંયે પોતાના બે સગા પુત્રોને જ જીવતા જોઈને તે વધારે દુઃખી થશે. માતા એમ માનશે કે અમે ત્રણે ભાઈઓએ સહદેવ અને નકુલની બરોબર સંભાળ લીધી નહીં હોય! પણ જો કુંતીમાતા જોશે કે માદ્રીમાતાનો સૌથી નાનો દીકરો નકુલ મારી સાથે છે, તો માતાને એટલું બધું દુઃખ નહીં થાય. માટે હે યક્ષરાજ, હું તો એ જ માગું છું કે મારા સૌથી નાના ભાઈ નકુલને આપ સજીવન કરો.”
યુધિષ્ઠિરનાં આવાં વિવેકભર્યાં વચનો સાંભળીને યક્ષ ઘણો પ્રસન્ન થયો. તે બોલી ઊઠ્યો :
“ધન્ય! ધન્ય! ધર્મરાજ યુધિષ્ઠિર! તમે ખરેખર મહાન છો. તમે યોગ્ય માગણી જ કરી છે. હું તમારા ઉપર ખૂબ પ્રસન્ન થયો છું. હું નકુલને સજીવન કરું જ છું. બીજા ભાઈઓને પણ સજીવન કરું છું. તમારા બધા જ ભાઈઓ સજીવન થાઓ!”
પછી યક્ષના વચનથી ચારે બાઈઓ સજીવન થયા. આ જોઈને યુધિષ્ઠિરની આંખમાં આનંદનાં આંસુ ભરાઈ આવ્યાં.
સૌએ યક્ષરાજને ભાવથી પ્રણામ કર્યા. પછી પાંચે ભાઈઓએ જળાશયનું શીતળ પાણી પીને પોતાની તરસ છિપાવી.
સ્રોત
- પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 283)
- સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 2020