
એક હતું નગર. ભારે જબરું. તેમાં એક શેઠ રહે. શેઠ જબરા ધનવાન. અઢળક દોલત ને ભારે જબરો ઠાઠ.
શેઠને એક જ દીકરો. એનું નામ જગન.
જગનને વાર્તા સાંભળવી બહુ ગમે. કોઈ ઘરડાં ડોશીમાને જુએ કે જગન પૂછે છે કે તમને વાર્તા આવડે છે?
પહેલાં તો બા, નાની વાતો કહેતી. જગન મોટો થયો, એટલે વાતો કહેનારી ડોશીઓ અને ભાટ આવવા લાગ્યા. સૌ રોજ નવી નવી વાતો કહેતાં. જગન તે સાંભળતો. એમ કરતાં જગને હજારે વાર્તાઓ સાંભળી નાખી.
વાતો તો પાર વિનાની સાંભળી પણ જગનને એક ટેવ હતી કે કોઈને એ પોતે વાત કહેતો નહિ.
એક વાર તેને સ્વપ્નુ આવ્યું. તેમાં એક પરી દેખાઈ. પરીને માથે સોનેરી મુગટ હતો. હાથમાં સોનેરી પીંછાં હતાં.
જગને એક પીંછું માંગ્યું : ‘પરીબહેન, મને પીંછું બહુ ગમે છે.”
પરી કહે : ‘તો લઈ જા ને ભાઈ, પણ એક વાત કરવી પડશે. તું મને શું આપીશ?’
જગન કહે : ‘મારી પાસે તો કંઈ નથી.’
પરી કહે : ‘કંઈક તો આપવું જ પડે. તને વાર્તાઓ ઘણી આવડે છે. એક વાર્તા મને સંભળાવ તો હું તને પીંછું આપું.’
જગન ચૂપ થઈ ગયો. વાર્તા સાંભળવી તેને ગમતી પણ કોઈને સંભળાવવી ગમે નહિ.
પરી કહે : ‘કેમ ચુપ થયો?’
જગન કહે : ‘હું વાર્તા નહિ કહું. વાર્તા કહી દઉં તો મારી એક વાર્તા ઓછી થઈ જાય.’
પરીને રીસ ચડી. તેણે કહ્યું કે, ‘જા, તારી વાર્તાનાં પૂતળાં બની જશે. નવી વાતો સાંભળીશ કે તેનું એકેક પૂતળું બનતું જશે. એ પૂતળાં એક થેલીમાં એકઠાં થશે. એ થેલી પૂરી ભરાશે, પછી જોજે મઝા.’
આમ કહીને પરીરાણી ઊડી ગઈ.
જગનની આંખ ઊઘડી ગઈ. તેણે જોયું તો ભીંતે એક થેલી લટકે છે. એમાં કંઈક ભર્યું છે.
જગન ચમકી ગયો, પણ તેણે એ વાત છૂપી રાખી. કોઈને કહી નહિ. એ થેલી એકલો જોઈ શકતો. બીજા કોઈને દેખાતી નહિ.
એમ કરતાં તે જુવાન થયો. તેનાં માબાપ મરણ પામ્યાં. તેને એક કાકા હતા. હવે કાકા તેની સંભાળ રાખવા લાગ્યા.
એક બૂઢો નોકર હતો. તે ઘણો જૂનો હતો. તે જગનની સેવાચાકરી કરતો.
જગન તો રોજ નવી વાતો સાંભળે, તેનું એક પૂતળું બને અને પેલી થેલીમાં ભરાઈ જાય.
છેવટે એમ બન્યું કે થેલી એટલી બધી ભરાઈ ગઈ કે વાતોનાં પૂતળાં એમાં જરા પણ હાલી ચાલી શકે એટલી જગ્યાય ન રહી.
એના કાકાએ બીજા એક પૈસાદારની છોકરી સાથે એનું વેવિશાળ કરી દીધું. લગ્નનો દિવસ નક્કી થયો.
લગ્નના આરંભની આગલી સાંજે એ એના મિત્રો સાથે બહાર ગયો હતો. તે વખતે પેલો વિશ્વાસુ નોકર એ ખંડ સાફ કરતો હતો. એકાએક એ ખંડમાં ગણગણાટ થતો સાંભળ્યો. એને આશ્ચર્ય થયું. વાતચીત થતી હતી તે તેણે કાન માંડીને સાંભળવા માંડી.
એને ખબર પડી નહિ કે કોણ બોલે છે!
એક પૂતળાએ બીજાને પૂછ્યું : ‘આવતી કાલે છોકરો પરણવાનો છે એ વાત ખરી કે નહિ?’
બીજું પૂતળું કહે : ‘સાચી વાત છે. અને આપણે તો અહીં ગૂંગળાઈ રહ્યાં છીએ.’
ત્રીજું કહે : ‘સાવ રૂંધાઈ ગયાં અને હવે તો ગમે તેમ કરી અહીંથી છટકી જવાનો મોકો આવ્યો છે.’
ચોથું કહે : ‘ચોક્કસ કંઈક કરવું તો જોઈએ જ.’
કાચની બારીમાં એક કાણું હતું તેમાંથી નોકરે એ ઓરડીમાં આંખ માંડી, પણ ત્યાં કોઈ દેખાયું નહિ. પેલો અવાજ તો ભીંત પર લટકાવેલી થેલીમાંથી આવતો હતો. કોઈક જીવતું એમાં ફરતું હોય એમ એ કૂદતી ને ઊંચીનીચી થતી હતી. વાતચીત તો આગળ ચાલી.
એક બોલ્યું : ‘એ ઘોડે ચડીને કન્યાને ઘેર જશે. એ સ્થાન બહુ દૂર છે. ખરું કે નહિ? રસ્તામાં એ તરસ્યો થશે. ત્યાં મારગમાં પાણી પર એક તૂંબડી તરતી હશે. જો એ પાણી પીશે તો એના રામ રમી જશે. હું તેમાં ઝેર થઈને ભળી જઈશ.’
બીજું કહે : ‘એ તો સરસ યોજના. પણ કદાચ એ પાણી ન પીએ તો?’
‘ત્યાર પછી થોડે અંતરે હું સુંદર લીચીનાં ફળનું ઝાડ થઈને બેસીશ, એ ખાતાં જ તે મરી જશે.’
ત્રીજાએ કહ્યું : ‘કદાચ લીચીનું ફળ ન ખાય તો?’
‘તો તો કન્યાને ઘેર ઘોડા ઉપરથી ઊતરશે ત્યાં હું કુશકીના થેલામાં લાલચોળ ધગધગતો સળિયો થઈને બેસીશ. જેવો અડકશે તેવો જ બાળી મૂકીશ.’
ચોથું કહે : ‘પણ કદાચ તે સળિયાને ન અડકે તો?’
‘તે કન્યાને પરણી જશે પછી હુ સાદડી નીચે નાનો ઝેરી સાપ થઈને ભરાઈ રહીશ અને એ ઊંઘતો હશે ત્યારે એને કરડીશ.’
પછી અવાજ સંભળાતા બંધ થઈ ગયા. બૂઢો નોકર ચોંક્યો ને બીધો પણ ખરો. પોતાના શેઠને કોઈ નુકસાન પહોંચાડવાનો વિચાર કરે છે, એ એને સમજાયું. સમારંભ પૂરો થાય તે પહેલાં શેઠ ઘેર આવે ત્યારે પોતે સાંભળેલી વાતચીત કહેવાનો તેણે વિચાર કર્યો. જગન ઘેર આવ્યો. નોકરે બધી વાત કરી. જગન હસી પડ્યો. તેને એ વાત ગપ લાગી.
બીજે દિવસે સવારે વરઘોડાની બધી તૈયારીઓ થઈ ગઈ. બે ઘોડા તૈયાર કરવામાં આવ્યા હતા. એક વરરાજા માટે ને બીજો એના વાલી તરીકે સંભાળ રાખતા એના કાકા માટે. બન્ને ઘોડાની લગામ પકડનાર એક એક માણસ હતો. પછી પેલો વિશ્વાસુ નોકર આગળ આવ્યો ને વરરાજાને પોતાને દોરવા દેવાની માગણી કરી. પોતાના શેઠને કોઈ પણ રીતે બચાવી લેવાનો એણે નિશ્ચય કર્યો હતો. પહેલાં વરના કાકાએ ના પાડી અને લગ્નમાં ન આવતાં ઘરની સંભાળ રાખવાનું કહ્યું. પણ એણે તો ખૂબ આગ્રહ કર્યો, એટલે છેવટે એને સાથે લીધો.
તે વખતના રિવાજ પ્રમાણે વરઘોડામાં આગળ વરરાજાનો ને પાછળના ભાગમાં કાકાનો ઘોડો હતો પણ વિશ્વાસુ નોકરે પોતાના માલિકનો ઘોડો એટલો ઝપાટાબંધ ચલાવવા માંડ્યો કે એટલી બધી ઉતાવળ ન કરવા કાકાએ બૂમો પાડી, પણ નોકરે તે ગણકાર્યું જ નહિ.
અડધોએક માઈલ ગયા તેવામાં વરરાજાએ કહ્યું કે મને તરસ લાગી છે અને રસ્તાની બાજુ પર આવેલા કૂવા આગળ થોડી વાર ઘોડો થોભાવવા એણે નોકરને જણાવ્યું.
પણ નોકરે તો ઊતરવાની જ ના પાડી ને કહ્યું : ‘ના સાહેબ, જો જરાયે રોકાયા તો આપણે મોડા પડીશું.’ એમ કહી પહેલી આફતમાંથી તો એણે શેઠને બચાવી લીધા. પણ થોડે દૂર ગયા એટલે એક ખેતર આવ્યું. ને વરરાજાએ તેમાં પાકેલાં લીચીનાં ફળ જોઈને બૂમ પાડી : ‘પણે લીચી દેખાય છે. થોડાં લઈ આવો તો મારી તરસ હું છિપાવી શકું.’
ફરી પણ નોકરે ના પાડતાં કહ્યું : ‘ના સાહેબ, તમને નડશે. કન્યાને ઘેર એથીય વધારે સારાં ફળો મળશે. ગમે તેમ પણ છેવટે તમે તો નાના બાળક છો. રસ્તે કંઈ પણ ખાવું ઠીક નથી.’
પણ હવે વરનો કાકો ગુસ્સો થયો. પોતાના માલિક સાથે આવો ઉદ્ધત વર્તાવ કરવા માટે તેણે નોકરને ઠપકો આપ્યો : ‘તું પાણી ન લાવ્યો અને હવે લીચી લાવવાની પણ ના પાડે છે? લગ્ન પતી જવા દે પછી તારી ખબર લઈ નાખીશ.’ એણે તો કંઈ સાંભળ્યું નહિ ને બીજા સંકટને પણ સહીસલામત વટાવી ગયો.
લગભગ બપોરે તેઓ કન્યાને ઘેર આવી પહોંચ્યા. આખાયે બગીચા પર એણે મોટો મંડપ બાંધી દીધો હતો કે જેથી તેના ઉપરથી થઈને કોઈ અપશુકનિયાળ પક્ષી ઊડીને જાય તો તેનો પડછાયો લગ્નવિધિ પર ન પડે ને વરકન્યાને કશેં અપશુકન ન થાય. દરવાજા પાસે કુશકીથી ભરેલો એક થેલો એટલા માટે મૂકી રાખવામાં આવ્યો હતો કે વરરાજાને ઘોડેથી ઊતરતાં મુશ્કેલી ન નડે. પણ જેવો એ થેલા પર વર પગ મૂકવા ગયો કે તરત જ પેલા નોકરે એના પગને લાત મારી અને તે જમીન પર પડી ગયો. આ છેલ્લા કૃત્યથી તો વરનો કાકો ખૂબ જ લાલપીળો થઈ ગયો, પણ એ પળે એણે ગમ ખાઈ લીધી.
પછી તેઓ સૌ મંડપમાં ગયા. ત્યાં વચ્ચોવચ એક મેજ હતું. તેનાં પર જરીભરતનાં કપડાંથી અડધી ઢાંકેલી મીઠાઈની તાસકો હતી. બંને મેજની સાથે શરબતનો એક એક જામ બાંધેલો હતો. એકનો પાયો લીલી દોરીથી ને બીજાનો ગુલાબી દોરીથી જામ સાથે બાંધ્યો હતો. પૂર્વ બાજુના એક શણગારેલા પડદા સામે વરરાજા ઊભા રહ્યા. તેની બાજુના એક મેજ પર લાકડાનું બતક મૂકવામાં આવ્યું હતું. ત્યાં બે છોકરીઓને પોતાની તહેનાતમાં લઈને પશ્ચિમ બાજુએ કન્યા આવી, ત્યાં સુધી એ ઊભો રહ્યો. ત્યાં તેમણે એકબીજાને નમસ્કાર કર્યા અને સામસામે આસવનો પ્યાલો આપ્યો, એટલે લગ્નનવિધિ પૂરો થયો.
ત્યાર પછી વરરાજાને ઘરના મુખ્ય ખંડમાં અને કન્યાને તેના પોતાના ઓરડામાં લઈ જવામાં આવી. ત્યાં તેમનાં સગાંવહાલાં તેમણે મળવા આવ્યાં. તે બંને ખંડમાં મોટા મેજ ઉપર ભાતનાં ખાણાં-પીણાં ગોઠવેલાં હતાં. તેને સૌએ સારી પેઠે ન્યાય આપ્યો. વરના પેલા વિશ્વાસુ નોકર સિવાય સૌ આનંદમાં હતાં. તેને પોતાના શેઠની સહીસલામતીની ભારે ચિંતા પેઠી હતી. તેણે આખીયે રાત પહેરો ભરવાનો નિશ્ચય કર્યો.
રાતે વરકન્યા સૂના માટે ગયાં કે તુરત જ તે દરવાજે આવ્યો ને તેને ખખડાવ્યો. એ તલવાર લઈને આવ્યો હતો તે જોઈ પેલાં બંનેને આશ્ચર્ય થયું. પણ તેણે તો જરાયે વાર લગાડ્યા વગર પાથરેલી શેતરંજી તલવારથી ચીરી નાખી તો એક સાપ બહાર નીકળી આવ્યો. એ સાપને તેણે તલવારે એક ઝાટકે કાપી નાખ્યો અને સાપને બગીચામાં ફેંકી દીધો.
આ ધમાલે ઘરમાં સૌ જાગી ગયાં અને શું થયું હતું તે જાણ્યું. પછી તેઓ વરના કાકાને બોલાવી લાવ્યા. છેવટે નોકરે પોતાની વિચિત્ર વર્તણૂકનો ખુલાસો કર્યો. તેણે ભીંતે લટકતી ઝોળી, તેમાંનાં વાતોનાં પૂતળાં ને તેમણે વેર લેવા કરેલી વાતો તથા ઝેરી કૂવો ને લીચીની વાત કહી. પછી એ કુશકીનો થેલો લઈ આવ્યો. તેને ચીરી બતાવ્યો. તેમાંથી લાલચોળ ધગધગતો સળિયો નીકળ્યો અને તેને લીધે અડધોઅડધ કુશાકા બળી ગયા હતા. વરના કાકાને બધી વાત સમજાઈ અને એ નોકરને સજા કરવાને બદલે એની વફાદારીનું ઇનામ આપ્યું.
પેલો જુવાન પણ તે દિવસથી પાઠ શીખ્યો અને ત્યાર પછી બીજાને વાતો કહેવા તૈયાર થયો. એક પછી એક વાર્તા બીજાને કહેતો ગયો અને પેલી થેલીમાંથી વાતોનાં પૂતળાં ઓછાં થવા લાગ્યાં. થેલી ખાલી થઈ ગઈ. થેલીને છોડી નાખી અને બાળી દીધી.



સ્રોત
- પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 161)
- સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 2020