Vahetiyani Anguthi - Children Stories | RekhtaGujarati

વહેંતિયાની અંગૂઠી

Vahetiyani Anguthi

નવનીત સેવક નવનીત સેવક
વહેંતિયાની અંગૂઠી
નવનીત સેવક

                રૂપાપરી નગરી.

 

                એ નગરીમાં રૂપસિંહ રાજા રાજ કરે.

 

                રૂપાપરીથી દૂર જંગલમાં એક ઝૂંપડી હતી. આ ઝૂંપડીમાં એક ડોસો રહેતો હતો.

 

                ડોસાનો ધંધો એક. આખો દિવસ ડોસો કપડાં સીવતો રહે. તે વખતે સીવવાના સંચાની શોધ નહોતી થઈ. કપડાં હાથે જ સોયથી સીવવાં પડતાં હતાં. ડોસો પણ હાથે જ આ રીતે કપડાં સીવતો હતો.

 

                આજુબાજુનાં ગામડાંમાંથી લોકો આ ડોસા પાસે કપડાં સિવડાવવા માટે આવતા હતા. ડોસો બિચારો આખો દિવસ મહેનત કરતો હતો, પણ માંડ રોટલા ખાવા જેટલું મળતું હતું.

 

                ડોસો બિચારો ઘણો દુઃખી હતો. આખો દિવસ કામ કરીને ડોસો થાકી જતો હતો, છતાં તેને રાતે જાગીને પણ કામ કરવું પડતું હતું.

 

                એક દિવસ ડોસો રાતે આવી રીતે કામ કરતો હતો એવામાં જ એક નાનો અવાજ સંભળાયો : ‘કાકા, તમે થાકી ગયા છો?’

 

                ડોસાએ ઊંચી નજર કરી. જુએ છે તો સામે જ એક વહેંતિયો ઊભો છે.

 

                ડોસાને નવાઈ લાગી.

 

                આવો નાનો માણસ તો કદી જોયો જ નથી!

 

                ડોસો વહેંતિયાને ધીમેથી ઊંચકીને બીજા હાથની હથેળીમાં મૂકતાં કહે; ‘થાક તો લાગે છે, ભાઈ, પણ કામ તો કરવું જ પડે ને!’

 

                વહેંતિયો કહે : તો મારું એક કામ ન કરો?

 

                ડોસો કહે : શું?

 

                વહેંતિયો કહે : અમારાં રાણીમાની થોડા દિવસો પછી વરસગાંઠ છે. હું પરીઓની રાણીનો દરજી છું. વરસગાંઠને દિવસે રાણીમાને પહેરવા માટેનાં સરસ કપડાં મારે સીવવાનાં છે. પણ મારા હાથે ગૂમડું થયું છે.  તેથી હું કામ કરી શકતો નથી. તમે મને કપડાં ન સીવી આપો?

 

                ડોસો ભલો હતો. એ કહે કે ના કેમ સીવી આપું? આજથી આઠમે દિવસે આવીને પરીરાણીનાં કપડાં લઈ જજો.

 

                વહેંતિયો રાજી થતો ગયો.

 

                ડોસો તો કેળની છાલમાંથી બારીકમાં બારીક રેસા કાઢીને એનાં રેશમ કરતાં પણ મુલાયમ કપડાં સીવવા બેઠો.

 

                આઠ દિવસ વીતી ગયા.

 

                રાતે ફરી પાછો પેલો વહેંતિયો દેખાયો.

 

                વહેંતિયો કહે : કાકા, અમારાં રાણીનાં કપડાં તૈયાર છે?

 

                તૈયાર છે?

 

                ડોસો કહે : પેલા ખૂણામાં કેળના મુલાયમ પાંદડામાં વીંટાળીને મૂકેલાં છે. તું લઈ જા, ભાઈ!

 

                વહેંતિયાએ કપડાં જોયાં.

 

                જોતાં જ રાજી થઈ ગયો.

 

                વહેંતિયો કહે : કાકા, તમે તો મારો જીવ બચાવી લીધો છે. અમારાં રાણીનાં કપડાં જો વખતસર તૈયાર ન થયાં હોત તો તે ચિડાયાં હોત અને મને સજા પણ કરી હોત. તમે રાતે જાગીને પણ કપડાં તૈયાર કરી દીધાં તેથી હું બચી ગયો. હવે તમે કહો તે કિંમત હું આપું.

 

                ડોસો કહે કે તું તો મારો દીકરો હોય તેના કરતાં પણ નાનો છે. તારી પાસે વળી શી કિંમત લઉં?

 

                વહેંતિયો કહે : તમે કિંમત લેવાની ના પાડો છો, તો ભલે, પણ હું એક નહીં તો બીજી રીતે પણ કિંમત ચૂકવી આપીશ.

 

                વહેંતિયો આમ કહીને રાણીનાં કપડાં સાથે વિદાય થયો.

 

                ડોસો તો પછી આ વાત ભૂલી ગયો.

 

                હવે રૂપાપરીના રાજા રૂપસેનને એક કુંવરી હતી. આ કુંવરીની વરસગાંઠ પણ નજીક આવતી હતી. વરસગાંઠને દિવસે પહેરવા માટે કુંવરીએ કપડાં સીવવા નાખેલાં, પણ થયું એવું કે દરજીએ માપ ખોટું લીધેલું તેથી કુંવરીને કપડાં બેઠાં નહિ. કુંવરીની સાથે સાથે તેની બસો બહેનપણીઓએ પણ કપડાં સીવવા નાખેલાં. આ કપડાંનું માપ પણ ખોટું લેવાઈ ગયેલું તેથી એ કપડાં પણ કોઈને બેઠાં નહીં.

 

                કુંવરી રડવા બેઠી.

 

                જબરી હઠ લીધી. કહે કે અમે ગમે તેવાં કપડાં નહીં પહેરીએ. નવાં રેશમી કપડાં જ અમારે અને અમારી બહેનપણીઓને જોઈશે.

 

                રાજાજી મૂંઝાયા.

 

                રાતોરાત બરાબર માપ લઈને બસો જોડી કપડાં કઈ રીતે સિવડાવવાં?

 

                રાજાજીએ ઢંઢેરો પિટાવીને જાહેરાત કરી કે અમારા રાજનો કોઈ દરજી જો અમને એક જ રાતમાં કુંવરીનાં અને તેમની બહેનપણીઓનાં બસો જોડી કપડાં સીવી આપશે તો તેને અમે મોટું ઇનામ આપીશું અને રાજના ખાસ દરજી તરીકે નીમીશું.

 

                રાજાજીએ આવી જાહેરાત કરી, પણ રાજના કોઈ દરજીની આ કામને હાથમાં લેવાની હિંમત ન ચાલી.

 

                આપણા પેલા ડોસાએ પણ આ વાત જાણી. એને મનમાં થયું કે આપણે આ કામ કરી શકીએ તો કેવું સારું....!

 

                પણ આ કામ થઈ શકે તેમ નહોતું. રાતોરાત બસો જોડી કપડાં સીવવાં એ કંઈ રમત વાત ન ગણાય.

 

                ડોસો ઉદાસ થઈને બેઠો.

 

                એવામાં જ એને કાને અવાજ સંભળાયો. પેલો વહેંતિયો ડોસાને બોલાવતો હતો.

 

                વહેંતિયો કહે : કાકા, તમે ડરશો નહિ. અમે વહેંતિયા દરજીઓ એક ખાસ ધાતુની અંગૂઠી પહેરીને કપડાં સીવીએ છીએ. આ અંગૂઠી એવી છે કે એ પહેરશો પછી થાક નહીં લાગે. તમારે માટે હું આ મોટી અંગૂઠી લેતો આવ્યો છું.

 

                આમ કહીને વહેંતિયાએ ડોસાને દરજીઓ પહેરે છે તેવી એક અંગૂઠી આપી.

 

                ડોસો રાજી-રાજી થઈ ગયો.

 

                હાથમાં અંગૂઠી પહેરીને રાજમહેલે ગયો. જઈને કહે કે કુંવરીનાં કપડાં અમે સીવી આપીશું.

 

                રાજાજીએ રેશમનું કાપડ મંગાવી દીધું. કુંવરી અને તેની બહેનપણીઓ માપ આપી ગઈ.

 

                ડોસાએ સટાક સટાક સોય ચલાવી. એક ઘડીમાં એક કપડું તૈયાર થાય એવો જાદુ આ અંગૂઠીમાં હતો.

 

                રાત અડધી ગઈ હશે એટલામાં તો બસો જોડી કપડાં તૈયાર થઈ ગયાં. સિલાઈ પણ ઘણી સારી થઈ. બીજે દિવસે કુંવરી એ કપડાંમાં ઘણી શોભી ઊઠી.

 

                રૂપસેન રાજાએ ડોસાને મોટું ઇનામ દીધું. એને પોતાનો રાજદરજી બનાવીને જમીન-જાગીર દીધાં.

 

                ડોસો સુખી થઈ ગયો.

સ્રોત

  • પુસ્તક : નવનીત સેવકની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2013