રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઊંટોની ફોજ ચાલી જાય છે. એને કાફલો કહો, કારવાં કહો, કેરેવાન કહો, જે કહેવું હોય તે કહો. પૂરાં સો ઊંટ છે. નવ્વાણું નહિ, એકસો એક નહિ. પૂરાં સો રણનાં જહાજ.
રણ એટલે તડકો, ધગધગતી ગરમી, ઊનીઊની લૂ, ગરમગરમ વાયરો. ઊંટોને એની પરવા નથી. એ તો બસ ચાલે જ રાખે છે.
રાત પડવાની થાય છે ત્યારે જ થોભે છે, લાંબી સફરમાં વચમાં વચમાં ગામ આવતાં જ જાય છે. આ ગામો ઊંટોના પ્રવાસીઓ પર જ નભે છે. ઊંટો દેખાય છે અને રાજીરાજી થાય છે. સામે દોડીને, ‘અમારે ત્યાં આવો, અમારે ત્યાં! નહિ નહિ અમારે ત્યાં જ!’ બધાં સરાઈવાળાઓ પોતપોતાની સરાઈની વાહવાહી કરે છે. સરાઈ એટલે ધર્મશાળા, ઈન્ન, રહેવા-જમવા-ઊંઘવાની જોઈતી સુવિધા.
અબુહસનના આ કાફલાએ એક સરાઈ પસંદ કરી. પૂછી લીધું : ‘પૂરાં સો ઊંટ છે. ખૂંટીની સગવડ છે ને?’
‘છે જ, છે જ.’ સરાઈવાળો સુલેમાન કહે. તે દોડી દોડીને ખૂંટીઓ બતાવવા લાગ્યો. વધારાની ખૂંટીઓ જમીનમાં દાટવા લાગ્યો.
વાતો કરતાં-કરતાં અબુહસને નવ્વાણું ખૂંટીએ નવ્વાણું ઊંટો બાંધી દીધાં. થાકેલાં ઊંટોને બેસાડી દીધાં. તેમને પૂરો પડે એટલો ચારો ગોઠવી દીધો.
નવ્વાણું ઊંટો હોઠ ઉછાળી, દાંત ચબાવી, મજા કરતાં થઈ ગયાં.
પણ એક ઊંટ ઊભું રહ્યું : તે પોતોની બેઠકની રાહ જોવા લાગ્યું.
અબુહસન કહે : ‘ભાઈ, એક ખૂંટી ખૂટે છે. એક લાવી દે તો આ એકસોમા ઊંટને બાંધી દઉં...’
‘નથી.’ સુલેમાન કહે : ‘સરાઈમાં તથા સરાઈ બહાર જેટલી ખૂંટીઓ હતી તેટલી બધી ખોસી દીધી. પણ એક નથી જડતી તે નથી જ જડતી.’
અબુ કહે : ‘ત્યારે આ ઊંટનું કરીશું શું? એને બાંધવું તો પડશે જ ને!’
‘દોરડું છે?’ સુલેમાને પૂછ્યું.
‘હા’ અબુ : ‘કહે દોરડું તો છે.’
‘તો વાંધો નહિ.’ સુલેમાન કહે : ‘એ સોમા ઊંટને બેસાડી દો. એને બાંધીને દોરડું લટકાવી દો. પછી ખીંટી ઠોકો છો, એમ ખાલી-ખાલી ઠોકીને એની સામે ચારો નાખી દો...’
‘ખાલીખાલી?’
‘ના, ચારો ખાલીખાલી નહિ. ચારો તો જોઈએ તેટલો છે. ખીંટી જ નથી. ઊંટને બતાવવા ખીંટી જ ખાલીખાલી ઠોકવાની...’
‘બતાવવા કે પટાવવા?’
‘જે કહો તે.’
‘એથી શું થશે?’
‘ઊંટને લાગશે કે તે પણ બીજાં ઊંટોની જેમ બંધાયેલું છે, બંધાયેલું જ રહેશે...?’
‘ઊંઠીને ચાલવા તો નહિ માંડે ને?’
‘અરે અબુ શેઠ!’ સુલેમાન કહે : ‘મારી પર ભરોસો રાખો. વર્ષોથી સરાઈ ચલાવું છું અને ઊંટોનો પારખી છું.’
એકસોમું એ ઊંટ એમ જ બાંધ્યા વગરનું રહ્યું. ઊંટને એવો ભ્રમ આપવામાં આવ્યો કે તે બીજા નવ્વાણુંની જેમ બાંધેલું જ છે, ખૂંટીએ ખોડાયેલું છે. અબુએ એવો સરસ ઊંટને બાંધવાનો અભિનય કર્યો કે ઊંટે માથું હલાવી ધન્યવાદ આપી દીધા.
આમ તો નિરાંત રહી, તેમ છતાં અબુહસન રાતના એક બે વખત એ નહિ બાંધેલા ઊંટને જોઈ પણ ગયો.
બધું બરાબર હતું. બરાબર રહ્યું.
સવાર પડી. ફરીથી કાફલો ઉપાડવાનો સમય થયો. નવ્વાણું ઊંટોને ખૂંટીએથી છોડવામાં આવ્યાં. ઢરરર હૂઈ જેવા અવાજ કરવામાં આવ્યા. નવ્વાણુંએ નવ્વાણું ઊંટ ઘરરર ગાજતાં ગરજતાં ઊભાં થયાં. આઘાંપાછાં થયાં. ચાલવા માટે તૈયાર થઈ હરોળમાં ગોઠવાઈ ગયાં.
કાફલો ઉપાડવા જ જતો હતો ત્યાં અબુહસને જોયું તો પેલું એકસોમું ઊંટ તો હજી જેમનું તેમ બેઠું જ છે. અબુએ એને બુચકાર્યું ડચકાર્યું હડસેલ્યું તોપણ તે ન ઊઠ્યું. એ તરફ ધ્યાન ન ગયું હોત તો નવ્વાણું ઊંટો ચાલ્યાં ગયાં હોત અને સોમું બેઠું જ રહેત.
અબુએ કહ્યું : ‘સુલેમાન આ ઊંટ કેમ આવતું નથી?’
સુલેમાન કહે : ‘એને ખીંટીએથી છોડો ત્યારે એ આવે ને!’
અબુ કહે : ‘પણ એને બાંધ્યું જ ક્યાં છે કે છોડીએ?’
સુલેમાન કહે : ‘બાંધ્યું છે કે નથી બાંધ્યું, તે આપણે જાણીએ છીએ. પણ એ તો એમ જ માને છે ને કે એને આપણે રાતના બાંધ્યું છે...’
‘હવે...?’
‘હવે જેમ બાંધ્યું હતું તેમ જ છોડો. કાલ્પનિક રીતે બાંધ્યું હતું, કાલ્પનિક રીતે જ છોડો. જેવો બાંધવાનો અભિનય કર્યો હતો તેવો જ છોડવાનો અભિનય કરો. નહિ તો એ એમ જ માનતું રહેશે કે એ બાંધેલું છે. નહિ બાંધેલાં ઊંટ, બાંધેલા કરતાં, વધુ બંધાયેલા હોય છે, અબુશેઠ!’
ખીંટીએથી તેને છોડવાનો અભિનય કરવામાં આવ્યો. તેને ખાતરી થાય એ રીતે તેને બતાવી બતાવીને છોડવામાં આવ્યું. તેને ખીંટીથી છૂટું કર્યું છે, એ જણાવવા ખાલી દોરડું હલાવવામાં આવ્યું. પછી તેને ઉઠાવવા માટેના ડચકારા બુચકારા બોલાવવામાં આવ્યા.
‘ઘરરર. ઘે... ઊં-ઊં’ કરતું ઊંટ ઊઠ્યું ને બીજાં ઊંટોની સાથે હરોળમાં જઈને ઊભું રહ્યું. અને બીજાં ઊંટો ચાલવા લાગ્યાં કે તે પણ ચાલવા લાગ્યું,
જતાં-જતાં અબુહસને સરાઈવાળા સુલેમાન શેઠને કહ્યું : ‘આજે તમે મને ખરેખરો ગુરુપાઠ શીખવ્યો કે નહિ બંધાયેલાં ઊંટ વળી વધુ બંધાયેલા હોય છે.’
સુલેમાન કહે : ‘આપણા માણસોનું પણ એવું જ છે અબુ શેઠ, વિચારી જોજો!’
અબુહસન ઠેઠ સુધી વિચારતો રહ્યો. આજે પણ કદાચ વિચારતો હશે. તમે?
સ્રોત
- પુસ્તક : હરીશ નાયકની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 26)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2014