Undar Panch Punchhadivalo! - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઉંદર પાંચ પૂંછડીવાળો!

Undar Panch Punchhadivalo!

કિરીટ ગોસ્વામી કિરીટ ગોસ્વામી
ઉંદર પાંચ પૂંછડીવાળો!
કિરીટ ગોસ્વામી

     એક હતો ઉંદર. તેને હતી પાંચ પૂંછડી.

     ઉંદર મોટો થવા લાગ્યો એટલે મમ્મીને ચિંતા થઈ કે,એ શેરીમાં રમવા જશે તો મિત્રો, તેની મજાક કરશે! એ સ્કૂલે જશે તો સાથે ભણનારા પણ તેની મસ્તી કરશે! તો શું કરવું?

     ઉંદર જેમ-જેમ મોટો થતો જાય; તેમ-તેમ તેની પાંચ પૂંછડીઓ પણ મોટી થતી જાય અને એ જોઈને તેની મમ્મીની ચિંતા એથી પણ વધારે મોટી થતી જાય!

     આ ચિંતાનો કોઈ ઉકેલ મળે એ માટે ઉંદરની મમ્મીએ ઘણું વિચાર્યું.

     એમ ને એમ સમય પસાર થતો ગયો.

     ઉંદર શેરીમાં રમવા જેવડો થયો પણ મમ્મી તેને શેરીમાં જવા ન દે! કોઈ તેની મજાક કરશે તો? -એવી બીકે, મમ્મી તો ઉંદરને ઘરમાં જ પૂરી રાખે! આથી ઉંદર ખૂબ અકળાય! તેને શેરીમાં રમવા જવાનું ખૂબ મન થાય પણ મમ્મી તેને જવા જ ન દે! ઉંદર શેરીમાં ન જવા દેવાનું કારણ પૂછે તો મમ્મી તેને કોઈ જવાબ ન આપે!

     એમ ને એમ થોડાક વધારે દિવસો પસાર થઈ ગયા.

     અચાનક એક દિવસ ઉંદરની મમ્મીનાં મનમાં એક ઝબકાર થયો! એક વિચાર આવ્યો! ચિંતાનો એક સરસ મજાનો ઉકેલ તેને સૂઝયો!

     મમ્મીએ તો તરત જ, ઉંદરને પોતાની પાસે બોલાવ્યો અને તેને કહ્યું- 'બેટા,હવે તું મોટો થઈ ગયો છે! તારે શેરીમાં રમવા જવું છે ને? '

     'હા, હા, મમ્મી! એ માટે તો હું, તને કયારનો કહું છું! પણ તું મને શેરીમાં જવા જ કયાં દે છે?' ઉંદર મોં ફુલાવીને બોલ્યો.

     મમ્મીએ કહ્યું- ‘હવે જવા દઈશ, શેરીમાં રમવા!'

     'સાચ્ચે?' ઉંદરને તો મમ્મીની વાત પર વિશ્વાસ જ ન બેઠો.

     'હા, સાચે જ, જવા દઈશ!' મમ્મીએ કહ્યું.

     'યે...યે.' ઉંદર તો શેરીમાં રમવા જવાની છૂટ મળતાં આનંદથી ઉછળવા લાગ્યો!

     મમ્મીએ ઉંદરને કહ્યું- 'આજે તું ખૂબ જ ખુશ દેખાય છે! એથી હું પણ ખુશ છું! તારે હંમેશા આમ ખુશ જ રહેવું હોય તો મારી એક વાત માનવી પડશે!'

     'કઈ વાત, મમ્મી?' ઉંદરે પૂછ્યું.

     મમ્મીએ ઉંદરને ખોળામાં બેસાડીને તેને વ્હાલ કરતાં કહ્યું- 'જો બેટા! તું શેરીમાં રમવા જઈશ! પછી થોડા સમય બાદ સ્કૂલે પણ જઈશ! ત્યારે તારા મિત્રો, તારી આ પાંચ પૂંછડીઓ વિશે કંઈ પણ કહે તો તારે ઓછું નહીં લગાડવાનું! દુઃખી નહીં થવાનું! એના બદલે, એક સરસ વાત હું તને શીખવાડું છું; એ વાત તારે બધાંને સંભળાવી દેવાની!'

    'એ કઈ વાત, મમ્મી?' ઉંદરે પૂછ્યું.

    'એ વાત હું, તને કાનમાં કહું છું!'એમ કહીને મમ્મીએ ઉંદરને કાનમાં વાત કહી.

    'હમમ...' ઉંદર મલકયો.

    'ડન?' મમ્મીએ પૂછ્યું.

    'હા, મમ્મી! ડન! ડન!' ઉંદર રાજી થઈ, બોલ્યો.

    પછી ઉંદરને શેરીમાં રમવા જવાની છૂટ મળી.

    જેવો તે શેરીમાં રમવા નીકળ્યો કે, પહેલા જ દિવસે બધાંય તેની પાંચ પૂંછડીઓને ધારી-ધારીને, નવાઈભેર જોવા લાગ્યા! કોઈએ કહ્યું પણ ખરું- 'ઉંદર પાંચ પૂંછડીવાળો!'

    -ને બધાંય એ વાત દોહરાવવા પણ જતાં હતાં પણ ત્યાં જ ઉંદરે મોટા અવાજે બધાંયને કહી દીધું- 'ચૂપ્પ!'

    બધાંય ચૂપ થઇ ઉંદરની સામે જોઈ રહ્યા;  ઉંદરને મમ્મીએ કહેલી વાત યાદ જ હતી! તરત જ તે મોટેથી મમ્મીએ શીખવેલી વાત બધાંય સાંભળે એમ કહેવા લાગ્યો...

“પૂંછડી મારી પાંચ;
જાણે પાંડવ પાંચ!
આમ ઉલાળું, તેમ ઉલાળું,
ધબ્બ દઈ, દુશ્મનને પાડું!
મને ન આવે આંચ!
પૂંછડી મારે પાંચ!
જેમ મોર પીંછાંથી સુંદર,
એમ હું ય, પૂંછડીથી સુંદર!
કરું હું નાચમનાચ!
પૂંછડી મારે પાંચ!
જાણે પાંડવ પાંચ!

    ઉંદરની આ વાત સાંભળીને બધાંયનાં મોં બંધ થઈ ગયાં! ને બધાંય તેના દોસ્ત બની ગયા.

    પછી હંમેશ માટે મમ્મીની ચિંતા દૂર થઈ ગઈ ને ઉંદર બધાંયનો લાડકો બની ગયો!

સ્રોત

  • પુસ્તક : ઉંદર પાંચ પૂંછડીવાળો! (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સર્જક : કિરીટ ગોસ્વામી
  • પ્રકાશક : પ્રણવ પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 2024