Shuranku Paheli Salam - Children Stories | RekhtaGujarati

શૂરાકું પહેલી સલામ

Shuranku Paheli Salam

જયભિખ્ખુ જયભિખ્ખુ
શૂરાકું પહેલી સલામ
જયભિખ્ખુ

                નટવો નાચતો હતો.

 

                પાતળા દોર પર નાચતો હતો.

 

                એ દોર ઊંચા વાંસડા પર બાંધેલો હતો. સાવ પાતળો દોર!

 

                નટવો ચાલે ને દોર થરથર ધ્રૂજે. દોર ભલે ધ્રૂજે, પણ નટ તો લગીરે ધ્રૂજતો નથી. એ તો જેમ કોઈ નક્કર જમીન પર ચાલે, એમ ચાલે છે.

 

                નીચે નટડી ઢોલ વગાડે છે. ભારે પોરસ ચઢે તેવી રીતે ઢોલ વગાડે છે.

 

                નટનો નાનકો છોકરો થાળી બજાવે છે! નટનો મોટો છોકરો ભૂંગળ વગાડે છે.

 

                વાહ ભાઈ વાહ! વાહ નટવા વાહ! વાહ તારો ખેલ!

 

                લોકો તો બે મોઢે વખાણ કરે છે, પણ નટનું ધ્યાન વખાણમાં નથી, પોતાના ખેલમાં છે. આંડુઅવળું જોવું કેવું?

 

                નટ તો ખેલ કરીને નીચે ઊતર્યો. રાજા પાસે આવીને ઇનામ માગ્યું.

 

                રાજા કહે, ‘ભાઈ નટ! એક વાંસનો ખેલ તો જોયો છે. બે વાંસનો ખેલ બતાવ, પછી ઇનામ આપું.’

 

                નટ કહે, ‘ભલે, જેવી રાજાજીની મરજી.’

 

                અને નટે તો બે વાંસ ઉપરાઉપર બાંધ્યા. એના પર દોરી બાંધી.

 

                ઢોલ પર નટડીએ દાંડી મારીને ઢોલના રણકાર સાથે નટે છલાંગ દીધી.

 

                વાંદરો ઝાડ પર ચડે, એમ નટ વાંસ પર ચડ્યો.

 

                બે લાંબા વાંસ. ઊંચે આકાશમાં પહોંચતા વાંસ. બે વાંસ પર ચઢી નટે કળા કરવા માંડી.નટડી જોરથી ઢોલ વગાડવા માંડી.

 

                નાનકો છોકરો જોરથી થાળી ખખડાવવા લાગ્યો.

 

                ભૂંગળે તો આકાશ ગજવી મૂક્યું.

 

                નટવો દોર પર ઊંધે માથે ચાલ્યો!

 

                બે પગે ચાલ્યો, દોડતો ચાલ્યો, કૂદતો ચાલ્યો, પાછલા પગે ચાલ્યો, આ છેડેથી પેલે છેડે ઊંધી ગુલાંટો ખાધી.

 

                વાહ નટવા વાહ! લોકોનાં મોંમાંથી ધન્યવાદ નીકળી રહ્યા.

 

                ત્યાં તો નટવાએ ગુલાંટ દીધી. ઊંચે અધ્ધર આકાશમાં જાણે તરવા લાગ્યો.

 

                ગુલાંટ તે કેવી? પગ ઊંચે-માથું નીચે ને નટવો ઊંધે માથે દોર પર ચાલવા લાગ્યો.

 

                લોકોએ તાળીઓ પાડી. ખેલ તો કહેવા પડે!

 

                નટવો ખેલ પૂરો કરી નીચે ઊતર્યો. લોકોએ એને વધાવી લીધો.

 

                નટવો જઈને રાજા પાસે ઊભો.

 

                હાથ જોડીને ઇનામ માગ્યું.

 

                રાજા મહાલોભી, પૈસો ઝટ છૂટે નહિ, રાજા બોલ્યો, ‘હે નટ! ખરેખર તેં સરસ ખેલ બતાવ્યો, પણ અજબ ખેલ નથી બતાવ્યો. અજબ શબ્દ નીકળે તેવો ખેલ બતાવ.’

 

                નટવો કહે, ‘રાજાજી! આજ તમે મારું પાણી માપો છો, પણ હું પાછો નહિ પડું. જીવનું જોખમ થાય તો ભલે થાય, તેની મને ચિંતા નથી. પણ તમારા મોંમાંથી અજબ શબ્દ કઢાવ્યા વિના રહું તો મારી વિદ્યા લાજે.’

 

                રાજા કહે, ‘શાબાશ નટવા શાબાશ! હું તારા પર ખુશ છું.’

 

                અને નટે હવે એક નહિ, બે નહિ, ત્રણ-ત્રણ વાંસ ઉપરાઉપર બાંધ્યા.

 

                ત્રણ વાંસ પર ઝીણી દોરી બાંધી ને પૃથ્વી માતાને ત્રણ સલામ કરી.

 

                પૃથ્વી માતાની પછી રાજાને સલામ કરી.

 

                રાજાને સલામ કર્યા પછી સર્વ જોનારાઓને હાથ જોડ્યા.

 

                ને પછી નાના દીકરાને માથે હાથ ફેરવ્યો. મોટા દીકરાનું માથું સૂંઘ્યું. નટડીને હાથ જોડ્યા.

 

                ને ઢોલ પર નટડીએ દાંડી દીધી.

 

                ઢબ્બાક ઢબ! ઢબાક ઢબ!

 

                ઢોલ ગાજ્યો. થાળી વાગી. ભૂંગળ બોલી ને નટવાએ વાંસ પર ચઢવા માંડ્યું.

 

                ઊંચા ઊંચા વાસ અને તે પણ એક નહિ, બે નહિ, ત્રણ વાંસ!

 

                સીધા વાંસ પર વાંદરાને પણ ચઢતાં ભારે પડે, પણ નટવો તો સડસડાટ ચડી ગયો.

 

                એક, બે ને ત્રણ – ત્રીજા વાંસ પર જઈને ઊભો. લોકોએ ઊંચે જોયું : પણ કેટલું બધું ઊંચું?

 

                ઊંચે જોતાં માથેથી પાઘડી પડી ગઈ. રાજાનો મુગટ ખસી ગયો. ઘણાની ડોક રહી ગઈ!

 

                પણ નટવાએ તો ફરી ખેલ શરૂ કર્યો. દોર પર દોડ્યો. નાચ્યો. કૂદ્યો. છલાંગો દીધી.

 

                વાહ નટવા વાહ!

 

                અજબ ખેલ બતાવ્યો! અદ્ભુત કામ કર્યું.

 

                લોકો બે મોઢે બોલવા લાગ્યા ને નટવે જોશમાં ગુલાંટ ખાધી. જાણે આકાશમાં ઊડ્યો ને પાછો દોરી પર! ઊંધે માથે એ દોરી પર નાચવા લાગ્યો.

 

                ઢોલ જોરથી ઢબૂકવા લાગ્યો.

 

                ભૂંગળ જોરથી ગહેકવા લાગી.

 

                રાજા કહે, ‘રે નટ! તું ખરો નટ! તારો ખેલ ખરેખર અજબ છે.’

 

                અને નટવાએ તો વધુ ને વધુ કળા દેખાડવા માંડી.

 

                એનો ઉમંગ વધ્યો. એ ઊંધે માથે ઝૂલે ઝૂલવા લાગ્યો. પણ જાણે કેમ–

 

                એકાએક રંગમાં ભંગ પડ્યો.

 

                ત્રીજો વાંસ કડડડ કરતોક ઢીલો પડ્યો ને ઢીલ પડતાંની સાથે દોર ઢીલી પડી ગઈ!

 

                દોર ઢીલી પડતાં નટવો નીચે! ઊંધે માથે.

 

                ખોપરીનાં બે કાછલાં. જેવો પડ્યો તેવો મરી ગયો. પ્યાલો પાણી પણ ન માગી શકયો.

 

                ખોપરી ફૂટી ગઈ. હાથપગ તૂટી ગયા.

 

                તમાશો જોનારા લોકો હાયવોય કરતા ભાગ્યા. રાજા પણ પાલખીમાં બેસીને ચાલી નીકળ્યો.

 

                થોડી વારમાં તો તમાશાનું આખું મેદાન ખાલી. કોઈ કરતાં કોઈ મળે નહિ!

 

                રહી ગયા બે છોકરા ને એક નટડી.

 

                આગળ મરેલો નટ!

 

                બધાં ઓશિયાળાં બની ગયાં, અરે, પાસે પૈસા નથી. પાસે માણસ નથી. કોણ નટની દફનવિધિ કરે?

 

                એ વખતે એક મહાપુરુષ ચાલ્યો આવે. મોં પર અનેરું તેજ.

 

                મનમાં અપૂર્વ દયા.

 

                ત્રીસ વર્ષ પહાડોમાં ગાળી એ ચાલ્યા આવતા હતા. દુનિયા માટે સુખનો સંદેશ લઈ ને આવતા હતા. દુનિયાનાં દુઃખ કેમ દૂર થાય, એનો ઉપાય શોધીને આવતા હતા.

 

                તેઓને ઉતાવળ હતી, પણ નટને મરેલો જોતાં ત્યાં ઊભા રહી ગયા. બધી વાત સાંભળી.

 

                નટનાં તેમણે વખાણ કર્યાં, નટના સાહસને બિરદાવ્યું ને બોલ્યા :

 

                ‘હે નટરાજ! તેં જોખમનું કામ કર્યું. માટે મારા જ હાથથી તને દફનાવીશ.’

 

                અને તરત દફન માટે તૈયારી કરી.

 

                આખા ગામમાં વાત પહોંચી ગઈ : “અરે! ભગવાન જરથુષ્ટ્ર એક નટની દફનક્રિયા કરે છે!’

 

                લોકોને અશો જરથુષ્ટ્ર તરફ માન હતું. બધાં દોડ્યાં, ને તેમને દફનમાં સાથ આપ્યો.

 

                દફનક્રિયા પૂરી થઈ.

 

                લોકોએ કહ્યું : ‘ભગવાન! અમને ઉપદેશ આપો.’

 

                મહાન પેગંબર અસો જરથુષ્ટ્રે પોતાની મધુરી વાણીમાં કહ્યું,

 

                ‘જવાંમર્દો જોખમમાં જીવે છે.’

 

                ‘તમે જોખમમાં જીવો.’

 

                ‘જ્વાલામુખી પાસે તમારાં શહેર વસાવો.’

 

                ‘ન પાર કરી શકાય તેવી નદીઓમાં તમારી નાવ ચલાવો.’

 

                ‘જોખમમાં જીવો.’

 

                લોકોએ આ મહાન પયગંબરની વાણી સાંભળી ને હૃદયમાં ધારણ કરી. તે બોલ્યા :

 

               ‘શૂરાકું પહેલી સલામ!’

 

                આ જરથુષ્ટ્ર તે પારસીઓના પયગંબર.

સ્રોત

  • પુસ્તક : જયભિખ્ખુની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2014